અમેન્સાલિઝમ (amensalism) : એક જ સ્થાને વસતી એક કે ભિન્ન જાતિઓના સજીવો વચ્ચે જોવા મળતો જૈવિક સંબંધનો એક પ્રકાર, જેમાં એક જીવના સ્રાવથી બીજા જીવનો નાશ થાય છે. આ પ્રકારના સંબંધમાં સજીવો વચ્ચે પારસ્પરિક બે જીવનપદ્ધતિઓ જોવા મળે છે : (i) સ્પર્ધાત્મક (competitive) અને (ii) પ્રતિજીવિતા (antibiosis). પ્રથમ પદ્ધતિમાં સબળ સજીવ અન્ય સજીવની ઉપેક્ષા કરીને રહેઠાણ અને ખોરાકનો પ્રબંધ કરે છે. આમ આ સંબંધમાં પ્રભાવી સજીવ લાભકારી સ્થિતિમાં હોય છે. ઘણી વખત આવા સંબંધ ધરાવતા સજીવો સમકક્ષ હોય તો ઉભય પક્ષે નુકસાન થતું જોવા મળે છે. બીજી પદ્ધતિમાં એક સજીવને કોઈ નુકસાન થતું નથી, પરંતુ બીજા સજીવોને પ્રથમ સજીવના રાસાયણિક સ્રાવોને કારણે નુકસાન થાય છે અને તે મૃત્યુ પામે છે; ઉ. ત. વિવિધ ઍન્ટિબાયૉટિક ઔષધો (સ્ટ્રૅપ્ટોમાયસિન, પેનિસિલિન) ઉત્પન્ન કરતા બૅક્ટેરિયા, ફૂગ વગેરે રોગનિર્ણાયક સૂક્ષ્મ સજીવોની વૃદ્ધિ અટકાવીને તેમનો નાશ કરે છે; જ્યારે માણસના શરીરની તંદુરસ્તી તેનાથી જળવાય છે. કાળા અખરોટ(Juglans nigra)નો સ્રાવ જુગ્લોન તેની આસપાસ અન્ય શાકીય વનસ્પતિઓને ઊગવા દેતો નથી.

પ્રાણી અને પ્રાણી, વનસ્પતિ અને વનસ્પતિ તથા પ્રાણી અને વનસ્પતિ સમાજોના જૈવિક આંતરસંબંધો નવ પ્રકારના છે એમ બુર્ક હૉલ્ડરે (1952) વર્ગીકરણ કરેલું છે. તેમાંનો એક પારસ્પરિક સંબંધ તે અમેન્સાલિઝમ. તે સંબંધમાં એક સજીવનો સદંતર વિનાશ સર્જાય અને બીજો સજીવ સમાજ પ્રજનનથી વૃદ્ધિ પામે કે વિજેતા બને. ઓડમ અને મિશ્રા જેવા પ્રખર પરિસ્થિતિવિજ્ઞાનીઓએ બુર્ક હૉલ્ડરના વર્ગીકરણને મૂળભૂત રીતે સ્વીકારી તેમાં ફેરફારો સૂચવેલા છે.

સરોજા કોલાપ્પન

મુકુંદ દેવશંકર ભટ્ટ