અમૃતસ્ય પુત્રી : કમલદાસ-કૃત બંગાળી નવલકથા, જેને 1980નો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. અવૈધ સંતાનની સમસ્યા આ કથામાં નિરૂપાઈ છે. મદ્રાસના રામકૃષ્ણ મિશનના સ્વામી સવારમાં ફરવા ગયા, ત્યારે રસ્તામાં કોઈ માએ ત્યજી દીધેલું બાળક જુએ છે અને બાળકને સંસારમાં આદરણીય સ્થાન મળે, તેથી પોતાની એક સંતાનવિહોણી શિષ્યાને બાળક ઉછેરવાનો આદેશ આપે છે. સીતા પણ જનક રાજાને માટીમાંથી મળી હતી એટલે એને ‘અમૃતસ્ય પુત્રી’ અર્થાત્ અમૃતા નામ આપે છે. અમૃતાને પણ ખબર પડવા દીધી નથી કે એની પાલક માતા એની જન્મદાત્રી મા નથી; પરંતુ જ્યારે અમૃતા કૉલેજજીવનમાં એના એક પ્રોફેસરના પ્રેમમાં પડે છે, ત્યારે સ્વામીજી અમૃતાને અને પ્રોફેસરને બધી વાત જણાવે છે, અને પ્રોફેસર આ બધું જાણ્યા પછી પણ એને અપનાવવા તૈયાર થાય છે. કાલક્રમે અમૃતાની દીકરી રિણરિણ મોટી થઈને એક ડૉક્ટરના પ્રેમમાં પડે છે. ત્યારે પણ રિણરિણ એની મા વિશેની બધી હકીકત એને જણાવે છે અને બધું જાણ્યા પછી ડૉક્ટર એને અપનાવે છે. અવૈધ સંતાનને સમાજમાં સામાન્ય જન જેવું આદરણીય સ્થાન મળે એ હેતુથી લખાયેલી આ કૃતિમાં કથારસ પૂર્ણાંશે જળવાઈ રહેવા ઉપરાંત પૂર્વદીપ્તિ, ચેતનાપ્રવાહ, આંતરસંવાદ આદિના સફળ પ્રયોગવાળું મનોવૈજ્ઞાનિક નિરૂપણ ધ્યાન ખેંચે છે.

ચન્દ્રકાન્ત મહેતા