અમૃતસરની સંધિ (25 એપ્રિલ 1809) : પંજાબના મહારાજા રણજિતસિંહ તથા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે થયેલી સંધિ. તે અનુસાર અંગ્રેજોએ સતલજ નદીના ઉત્તરના પ્રદેશો પર મહારાજાનું સાર્વભૌમત્વ સ્વીકાર્યું, જ્યારે રણજિતસિંહે પંજાબના અંગ્રેજ-આશ્રિત શીખ સરદારોને સ્વાયત્ત રહેવા દેવાનું કબૂલ્યું તથા સતલજની પૂર્વ બાજુ રાજ્ય-વિસ્તાર નહિ કરવાનું સ્વીકાર્યું. અલબત્ત, આથી રણજિતસિંહની રાજ્યવિસ્તાર કરવાની મહેચ્છા પર અંકુશ મુકાયો તથા અંગ્રજોની તુલનામાં તેનું સ્થાન નીચું રહ્યું, પણ તેનાથી અંગ્રેજો સાથેનો શીખોનો સંઘર્ષ નિવારી ન શકાયો. આ સંધિમાં રણજિતસિંહની વ્યવહારુ બુદ્ધિ દેખાય છે. આનાથી રણજિતસિંહને સતલજના પશ્ચિમ તથા ઉત્તર બાજુના મુલતાન, પેશાવર તથા કાશ્મીરના પ્રદેશો જીતવાની સુવિધા મળી. પરંતુ આ સંધિથી અંગ્રેજ સત્તા લાહોરની નિકટ આવી ગઈ અને આથી ભવિષ્યમાં શીખ સરદારો વચ્ચે ફાટફૂટ પડાવીને છેવટે પંજાબ ખાલસા કરવાનો અંગ્રેજોનો માર્ગ મોકળો થયો.

રમણલાલ ક. ધારૈયા