અમીબાજન્ય રોગ (amoebiasis) : અમીબા (amoeba, અરૂપી) નામના એકકોષી (unicellular) પરજીવીથી થતો રોગ. તે મોટા આંતરડા અને યકૃતને નુકસાન કરે છે. તેના ઉગ્ર સ્વરૂપને મરડો કહે છે. અમીબાની પ્રાણીશાસ્ત્રીય ઓળખ સારણી 1માં આપી છે.

સારણી 1 : અમીબાની પ્રાણીશાસ્ત્રીય ઓળખ

 જૂથ  નામકરણ  વૈજ્ઞાનિક
સંઘ (phyllum) પ્રોટોઝોઆ (protozoa) ફોન સીબોલ્ડ (1845)
વર્ગ (class) રાઇઝોપોડિયા ફોન સીબોલ્ડ (1845)
ગણ (order) અમીબીડા કૅન્ટ (1880)
વંશ (genus) એન્ટેમીબા (entamoeba) શેહૌદ્દીન (1903)
અને જાતિ (species) હિસ્ટોલિટિકા (histolytica)

લેમ્બલે(1859)એ શોધેલા અમીબા નામના પરજીવીની રોગ કરી શકંવાની ક્ષમતા (વ્યાધિકારકતા, pathogenicity) લોશેએ 1875માં સાબિત કરી. શેહૌદ્દીને 1903માં આ જૂથનાં બીજાં બિનવ્યાધિકારક પરજીવીઓ વર્ણવ્યાં છે.

આ વિશ્વવ્યાપી રોગ ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ અમેરિકા વગેરે સહિતના ઉષ્ણકટિબંધીય (tropical) અને ઉપોષ્ણ (sub-tropical) દેશોમાં વધુ જોવા મળે છે. માણસના સ્થિરાંત્ર એટલે કે મોટા આંતરડામાં રહેલું અમીબા ઝાડા વાટે રોગ ફેલાવે છે. ક્યારેક કૂતરું, બિલાડી કે ઉંદરમાં પણ તેનો વાસ હોય છે.

આકૃતિ 1 : અમીબાનું જીવનચક્ર

અમીબાના જીવનચક્ર(life cycle)માં બે સ્વરૂપો જોવા મળે છે : પોષાણુ (trophozoite) અને પુટી (cyst). સતત સ્થાન અને આકાર બદલતું 18થી 40 (માઇક્રોમિમી.) કદનું પોષાણુ સૂક્ષ્મદર્શક વડે જોઈ શકાય છે. તેના કોષતરલ(cytoplasm)માં બે ભાગ હોય છે : (1) કણિકાવાળું અંતસ્તરલ (endoplasm) અને (2) પારદર્શક બહિસ્તરલ (ectoplasm). બહિસ્તરલ સંવેદનશીલ હોય છે. તેની દ્વારા અમીબા આસપાસની જાણકારી મેળવે છે. તેના પાદાભ (pseudopodia) વડે તે હલનચલન, રક્ષણ અને ખોરાક માટે કોષભક્ષણ કરે છે. પરપોષી (host) પ્રાણીના ભક્ષણ કરેલા કોષનું અંતસ્તરલમાં પાચન થાય છે. તેનું 4થી 6 કદનું કોષકેન્દ્ર ક્યારેક સૂક્ષ્મ દર્શક વડે પણ સ્પષ્ટ દેખાતું નથી. ફક્ત મોટા કદનું પોષાણુ મોટા આંતરડાની અંદરની દીવાલ(શ્લેષ્મકલા, mucosa)માં ચાંદાં પાડે છે. જો પોષાણુ ઝાડા વાટે માનવશરીરની બહાર નીકળી જાય તો તે જીવી શકતું નથી. પોષાણુથી પ્રદૂષિત થયેલાં ખોરાકપાણી ચેપી નથી. અમીબાને એક માનવશરીરમાંથી બહાર નીકળી બીજા માનવશરીરમાં જવા માટે રૂપપરિવર્તન (metamorphosis) કરવું પડે છે. તે પોતાના કોષતરલની આસપાસ રક્ષણ માટે કડક કવચ (chitin) ધારણ કરે છે. આને તેનું પુટી-સ્વરૂપ (cystic form) કહે છે. પુટી બહારના વાતાવરણમાં લાંબો સમય જીવે છે. પુટીનું કોષકેન્દ્ર દ્વિભાજન પામી અનુક્રમે 2 અને 4 કોષકેન્દ્રોમાં પરિવર્તિત થાય છે. ફક્ત ચાર કોષકેન્દ્રોવાળું પુટી-સ્વરૂપ પક્વ અને ચેપી હોય છે. તે પ્રદૂષિત ખોરાક કે પાણી દ્વારા શરીરમાં પ્રવેશે છે. જઠરના પાચક રસો પુટીના કવચને તોડી શકતા નથી. મોટા આંતરડામાં પહોંચી, પુટી રૂપપરિવર્તન કરે છે. અને તેમાંથી 8 પોષાણુઓ નીકળે છે. આમ અમીબાનું જીવનચક્ર ચાલે છે. (આકૃતિ 1)

આકૃતિ 2 : અમીબાની રોગકારિતા

માખી કે વંદા બેઠા હોય તેવો ખુલ્લો ખોરાક, ન ધોયેલાં શાકભાજી કે ફળ તથા પ્રદૂષિત પાણી, અમીબાની પક્વ પુટીનાં વાહકો (vehicles) છે, તેથી તેઓ રોગનો ફેલાવો કરે છે. એક જ પક્વ પુટી પણ રોગની શરૂઆત કરી શકે છે, જ્યારે પ્રદૂષિત ખોરાક-પાણી સામટી 500થી 1,000 પક્વ પુટીઓનું વહન કરે છે. ગીચ વસ્તી, ગંદકી, ઉકરડા તથા અપૂરતી મળનિકાલની વ્યવસ્થાથી પ્રદૂષણ વધે છે. ચોમાસામાં પ્રથમ વરસાદ પછી રોગનો ફેલાવો વધે છે. કેટલાક દર્દીઓમાં મરડાનાં લક્ષણો જોવા ન મળે, પણ તેમના ઝાડામાં કાયમ અસંખ્ય પુટીઓ નીકળતી હોય છે. આવા ઉપનિદાનીય (subclinical) ચેપને ચેપધારકાવસ્થા (carrier state) પણ કહે છે. ચેપધારક અવસ્થાવાળાં હોટેલ-કામદાર કે રસોઈ કરતી સ્ત્રી કે પુરુષનાં નખવાળાં આંગળાં ઇત્યાદિ આ રોગનો ફેલાવો કરે છે.

અલ્પવિકસિત દેશોમાં વસ્તીના 50 %, અમેરિકામાં 1 % અને સમગ્ર વિશ્વમાં 10 % લોકો આ રોગથી પીડાય છે. રોગની ઉગ્ર અવસ્થામાં દર વર્ષે 30,000 દર્દીઓ મરે છે. દક્ષિણ એશિયા, દક્ષિણ અમેરિકા અને આફ્રિકામાં આ રોગ સતત જોવા મળે છે. માટે ત્યાં તેને વસ્તી સ્થાયી (endemic) રોગ કહે છે.

પુખ્ત પુટી ચેપ ફેલાવે છે, જ્યારે મોટું પોષાણુ રોગનાં લક્ષણો ઉત્પન્ન કરે છે. મોટા આંતરડામાં દરેક પુખ્ત પુટીમાંથી નીકળતા 8 પોષાણુઓ આંતરડાની અંદરની દીવાલ(અંત:કલા કે શ્લેષ્મકલા)ના કોષોને પોતાના વિકર (enzyme) વડે મારી નાખીને છીછરાં ચાંદાં પાડે છે. કેટલાંક ચાંદાં ઊંડાં હોય છે. મોટા આંતરડાના કેટલાક ભાગોમાં ચાંદાં પડે છે; દા.ત., અંધાંત્ર (caecum), આરોહી (ascending) અને શ્રોણીય (pelvic). સ્થિરાંત્ર (colon) તથા મળાશય (rectum)ના રુઝાતા ચાંદામાં તંતુતા (fibrosis) થતી નથી તેથી લાંબા ગાળાનું નુકસાન થતું નથી. ક્યારેક જ આંતરડામાં કાણું પડે છે અને દર્દીની હાલત ગંભીર થાય છે. ચાંદામાંથી લોહી પડે છે.

અમીબાજન્ય રોગના પ્રકારો : (1) ઉગ્ર આંત્રશોથ (મરડો, dysentry) – લોહી અને સફેદી(શ્લેષ્મ, mucus)વાળા ચીકણા, પાતળા, ચૂંક સાથેના પુષ્કળ પ્રમાણમાં થતા ઝાડાને મરડો કહે છે. લોહીનું પ્રમાણ ઓછું અથવા નહિવત્ પણ હોય અને નરી આંખે ન પણ દેખાય. આખા પેટમાં દુખાવો થાય. ઝાડા વખતે ગુદામાં દુખે. ક્યારેક માત્ર લોહી પણ પડે. સાધારણ અને ક્યારેક વધુ પ્રમાણમાં તાવ આવે છે. (2) દીર્ઘકાલી આંત્રશોથ(chronic entritis)ના ઉગ્ર તબક્કાની તકલીફો વારેઘડીએ થાય અને શમે એવું લાંબા સમય સુધી ચાલ્યા કરે ત્યારે દીર્ઘકાલી અમીબાજન્ય રોગ થયો કહેવાય છે. પાતળા, ચીકણા ઝાડાના ઉપદ્રવોની વચ્ચે કબજિયાત રહે છે. ક્યારેક કબજિયાત મુખ્ય લક્ષણ રૂપે પણ હોય છે. આવા દર્દીઓમાં દીર્ઘકાલી શોથગડ કે ચિરશોથગડ(granuloma)ની ગાંઠ પણ થાય છે, જેને અમીબાગડ (amoeboma) કહે છે. (3) અમીબાજન્ય યકૃતશોથ (hepatitis) – મરડા પછી 5 % થી 10 % દર્દીઓમાં યકૃત પર સોજો અને દુખાવો થાય તથા સાધારણ તાવ પણ આવે છે. કેટલાક દર્દીઓમાં અગાઉ મરડાનાં લક્ષણો થયેલાં જોવા મળતાં નથી. (4) યકૃતવિપાક (સપૂયગડ, abscess) – અમીબાના પોષાણુ ચાંદામાંથી લોહીની નસો વાટે 1 %થી 5 % કિસ્સામાં યકૃતમાં પહોંચી ત્યાંના કોષોનો નાશ કરી પરુની ગડ (ગૂમડું) બનાવે છે. દર્દીને સાધારણ કે સખત તાવ આવે છે. પેટના ઉપલા, જમણા ભાગમાં દુખાવો થાય છે, અને તે જ જગ્યાએ અડવાથી વેદના (સ્પર્શવેદના, tenderness) થાય છે. દર્દીને અસાધારણ પરસેવો, ફિક્કાશ, વજનમાં ઘટાડો, ઊબકા, ઊલટી, ભૂખ ન લાગવી (અરુચિ) વગેરે થાય છે. (5) અન્યત્ર રોગસ્થાનાંતરતા – લોહીની નસો વાટે અમીબાનાં સપૂય ગડો ક્યારેક મગજ, બરોળ કે અન્ય અવયવોમાં ફેલાય છે. ઘણી વાર યકૃતની પરુની ગડ આજુબાજુના અવયવોમાં ફાટે છે. આ રીતે રોગ ફેફસાંના આવરણરૂપ પરિફેફસી(pleura)માં, પરિહૃદ (pericardium)માં, ઉરોદર પટલ(diaphragm)ની નીચે, જઠરમાં, પરિતનગુહા (peritoneal cavity)માં કે બહાર ચામડીમાં ભગંદર (fistula-in-ano) રૂપે પ્રસરે છે. જે તે અવયવ પ્રમાણે તેનાં ચિહ્નો અને લક્ષણો ઉત્પન્ન થાય છે.

આકૃતિ 3 : અમીબાજન્ય કલેજા(યકૃત)ના ગૂમડાનો શક્ય ફેલાવો. (નોંધ : તીર ફેલાવાની દિશા સૂચવે છે.)

ઝાડાને અભિરંજિત (stained) સૂક્ષ્મદર્શક વડે તપાસ કરવાથી પોષાણુ તેમજ પુટી-સ્વરૂપો જોઈ શકાય છે. મોટા આંતરડામાં નળી વડે જોવાની તપાસને શ્રોણી સ્થિરાંત્રનિરીક્ષા (sigmoidoscopy) અને સ્થિરાંત્રનિરીક્ષા (colonoscopy) કહે છે. તેના વડે મોટા આંતરડાની અંદરની દીવાલનું નિરીક્ષણ કરી ચાંદામાંથી જરૂર પડ્યે પેશીનો કકડો મેળવી સૂક્ષ્મદર્શક વડે તેને તપાસવામાં આવે છે. અલ્ટ્રા-સોનોગ્રાફી અને સી.એ.ટી.  ચિત્રણ (CAT scan) વડે યકૃતમાંની પરુની ગડ જોઈ શકાય છે. યકૃતમાંનું પરુ સોય વડે કાઢી નિદાન અને ચિકિત્સા બંને કરાય છે.

દંડીય જીવાણુજન્ય (bacillary) મરડો, વ્રણીય સ્થિરાંત્રશોથ (ulcerative collitis), આંતરડાનો ક્ષય અને મોટા આંતરડાના (સ્થિરાંત્ર-મળાશયી) કૅન્સરનાં લક્ષણો ક્યારેક અમીબાજન્ય મરડાનાં લક્ષણો જેવાં હોય છે. અમીબાથી થતા યકૃતરોગને જીવાણુજન્ય યકૃતવિપાક (bacterial liver abscess), પિત્તાશયશોથ (cholecystitis) તથા પિત્તાશય કે યકૃતકૅન્સરથી જુદો પાડીને તેનું નિદાન કરવામાં આવે છે.

સારણી 2 : અમીબાજન્ય રોગ પર અસરકારક ઔષધો

ઔષધો પ્રવેશનો માર્ગ રોગનું સ્થાન     ચેપનો પ્રકાર
ડાયલોક્ઝેનાઇડ ફ્લુઓરેટ મુખમાર્ગી (oral) આંતરડામાં દીર્ઘકાલી ચેપ અથવા ચેપધારકતા
ડાયહાઇડ્રૉક્વિન મુખમાર્ગી આંતરડામાં દીર્ઘકાલી ચેપ અથવા ચેપધારકતા
મેટ્રોનિડેઝોલ મુખમાર્ગી અથવા નસ દ્વારા અંત:ક્ષેપ (infusion) રૂપે આંતરડામાં અને બહાર મરડો, દીર્ઘકાલી ચેપ કે ચેપધારકતા, યકૃતવિપાક
ડાયહાઇડ્રૉઇમેટીન નિક્ષેપ(injection) સ્નાયુમાં, ચામડી નીચે આંતરડામાં અને બહાર મરડો, દીર્ઘકાલી ચેપ કે ચેપધારકતા, યકૃતવિપાક
ક્લૉરોક્વિન મુખમાર્ગી આંતરડાંની બહાર યકૃતવિપાક

સહેલાઈથી મટે એવા આ રોગની અસરકારક દવાઓ 5થી 10 દિવસ લેવી જરૂરી બને છે. બધી દવાઓ બધા અવયવોમાં અસરકારક ન હોવાથી જુદા જુદા પ્રકારની દવાઓ ભેગી લેવી પડે છે.

સારણી-2માં ઔષધોની જરૂરી માહિતી આપી છે. યકૃતવિપાકમાં, અન્ય અવયવોમાંની સપૂય ગડો માટે, ચિરશોગડથી થતા આંત્રરોધ (intestinal obstruction)ની કે આંતરડામાં પડતા છિદ્રની શસ્ત્રક્રિયા કરવી જરૂરી બને છે.

શ્રીપ્રકાશ ત્રિવેદી

શિલીન નં. શુક્લ