અમલેશ્વર (તા. ભરૂચ)

January, 2001

અમલેશ્વર (તા. ભરૂચ) : ગુજરાત રાજ્યમાં નર્મદા-પરિક્રમાના માર્ગ પાસે આવેલું ધર્મસ્થાન. વિશાળ તળાવને કાંઠે અમલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અહીં પરિક્રમા-યાત્રીઓ દર્શને આવે છે. મૂળ સોલંકીકાલીન શિવલિંગ ધરાવતા આ મંદિરમાં અનેક વાર જીર્ણોદ્ધાર થયાનું જણાય છે. મંદિર પૂર્વાભિમુખ છે અને રચના પરત્વે તે ગર્ભગૃહ તથા ગૂઢમંડપ ધરાવે છે. અહીં ચણતર કરીને મંડપમાંથી અંતરાલ જુદો પાડ્યો છે. અંતરાલના ડાબા ગવાક્ષમાં ગણપતિને સ્થાને પાર્વતીની ઉત્તરાભિમુખ પ્રતિમા મૂકી છે, જ્યારે જમણી બાજુના ગવાક્ષમાં હનુમાનજી છે. ગર્ભગૃહમાં શ્યામશિલાનું જળાધારીયુક્ત પ્રાચીન શિવલિંગ પ્રતિષ્ઠિત છે. ગર્ભગૃહમાં પશ્ચિમ દીવાલમાં પાર્વતીની આરસની મોટા કદની પ્રતિમા સ્થાપેલી છે, જેમના પગ પાસે તેમના વાહન રૂપે નાના કદનો સિંહ અંશમૂર્ત સ્વરૂપે કંડારેલ છે. ગર્ભગૃહનું શિખર મુઘલકાલીન શિખરસ્વરૂપ ધરાવે છે. મંડપ પર ધાબું કરેલું છે. અહીં ગૂઢમંડપની સાથે જોડીને એક નવો મોટો મંડપ ઉમેરેલો છે, જેની ડાબી બાજુ સળંગ ઓટલો કરીને તેના પર શ્યામશિલામાં કંડારેલાં ચાર શિવલિંગ તેમજ નવગ્રહો અને સત્યનારાયણ, દત્તાત્રેય અને ગણપતિની આરસમાં કંડારેલી પ્રતિમાઓ ઉત્તરાભિમુખે સ્થાપેલી છે. આ મંડપમાં શિવમહાપુરાણ અને રામાયણ તથા દશાવતારનાં ચિત્રો ચીતરીને મંડપને સુંદર બનાવ્યો છે. તળાવનું સાન્નિધ્ય તેમજ સમીપની પુષ્પવાટિકાને કારણે સ્થાન મનોહર બન્યું છે.

પ્રવીણચંદ્ર પરીખ