અભિવ્યક્ત (પ્રગટ) પસંદગી

January, 2001

અભિવ્યક્ત (પ્રગટ) પસંદગી (revealed preference) : માગના નિયમને સમજાવતો વૈકલ્પિક અભિગમ. અમેરિકન અર્થશાસ્ત્રી પૉલ સૅમ્યુઅલસને તેની રજૂઆત કરી છે. અભિવ્યક્ત પસંદગીના વિશ્લેષણમાં માર્શલના તૃષ્ટિગુણ વિશ્લેષણ (utility-analysis) અને હિક્સ-ઍલનના તટસ્થરેખા-વિશ્લેષણ (indifference curve analysis) કરતાં ઓછી ધારણાઓ કરવામાં આવી છે. તટસ્થરેખા-વિશ્લેષણ આત્મનિરીક્ષણની પદ્ધતિ પર રચાયેલું છે. ઉપભોક્તાને તેના તટસ્થ નકશાની માહિતી છે, જેને આધારે તે સંભવિત સંયોજનો વચ્ચે સતત તુલના કરતા રહીને છેવટે મહત્તમ સંતોષ આપતું સંયોજન પસંદ કરે છે તેવી આત્મલક્ષી ધારણા તટસ્થરેખા-પદ્ધતિમાં કરવામાં આવે છે. સૅમ્યુઅલસનના અભિવ્યક્ત પસંદગી વિશ્લેષણમાં પણ નીચે મુજબ કેટલીક ધારણાઓ કરવામાં આવેલી છે :

(1) ઉપભોક્તાઓની અભિરુચિઓ સ્થિર છે. (2) ઉપભોક્તાનું વર્તન તર્કબદ્ધ છે, પરિણામે વસ્તુઓના ઓછા જથ્થા કરતાં વધુ જથ્થા ધરાવતું સંયોજન તે પસંદ કરે છે. (3) ઉપભોક્તાની પસંદગી સુસંગત છે. જો અને સંયોજનો પૈકી તે સંયોજનની તરફેણમાં પસંદગીને અભિવ્યક્ત કરે તો ખ સંયોજનની તરફેણમાં પસંદગીને અભિવ્યક્ત કરશે નહિ. (4) અભિવ્યક્ત પસંદગી સંક્રામી (transitive) છે. જો કરતાં ની તરફેણમાં અને કરતાં ની તરફેણમાં અભિવ્યક્ત પસંદગી હોય તો ગ કરતાં ક ની તરફેણમાં પસંદગી હોય જ. જો ક > ખ અને ખ > ગ તો ક > ગ.

આકૃતિ 1

આકૃતિ 1માં KL કિંમતરેખા છે, જે બે વસ્તુઓના ભાવો અને ઉપભોક્તાની આવકના આધારે દોરવામાં આવી છે. આ રેખા પરના કોઈ પણ બિંદુએ ઉપભોક્તા સંયોજનની પસંદગી કરી શકે. ત્રિકોણ KCLની અંદરના કોઈ પણ બિંદુ(દા.ત., C)એ પણ તે પસંદગી કરી શકે, પરંતુ ત્યારે તેની આવક પૂરેપૂરી ખર્ચાતી નથી. KL કિંમતરેખાની બહાર આવેલ D બિંદુ ઉપભોક્તા માટે અપ્રાપ્ય છે. કારણ કે આપેલ ભાવો અને તેની આવક ત્રિકોણની બહારના બિંદુ દ્વારા વ્યક્ત થતા સંયોજનની પ્રાપ્તિને અશક્ય બનાવે છે. આ સ્થિતિમાં ઉપભોક્તા જો B અને C દ્વારા દર્શાવાતાં સંયોજનોને નકારીને, A સંયોજનની તરફેણમાં પસંદગી દર્શાવે તો તેની અભિવ્યક્ત પસંદગી A માટેની છે તેમ ગણાય. આમ, KL રેખા પરનાં અન્ય સંયોજનો તેમજ KL રેખાની ડાબી બાજુએ આવેલાં અન્ય સંયોજનો ઉપભોક્તાને પસંદ નથી. આ બધાં સંયોજનોની સરખામણીમાં તે A સંયોજનને પસંદગી આપે છે. KL રેખાની જમણી બાજુનાં સંયોજનો તેને અપ્રાપ્ય હોવાથી તે સંયોજનોની સરખામણીમાં ઉપભોક્તા Aની અભિવ્યક્ત પસંદગી કરે છે તેમ કહી શકાશે નહિ.

અભિવ્યક્ત પસંદગીનો આધાર લઈને સૅમ્યુઅલસને ‘માંગનું મૂળભૂત પ્રમેય’ તારવ્યું હતું. આ સિદ્ધાંત મુજબ, જો આવક-અસર ધન (positive) હોય તો કિંમત-અસર અવશ્ય ઋણ (negative) હશે. બીજા શબ્દોમાં કહીએ તો, માત્ર નાણાકીય આવક વધતાં જે વસ્તુની માંગ વધતી હોય તે વસ્તુની માંગ, માત્ર કિંમત ઘટે ત્યારે અનિવાર્યપણે વિસ્તાર પામશે.

માર્શલની તૃષ્ટિગુણ પદ્ધતિ કે હિક્સ ઍલનની તટસ્થરેખા-પદ્ધતિમાં અભિપ્રેત ધારણાઓની સહાય વગર, પ્રમાણમાં ઓછી ધારણાઓ કરીને સૅમ્યુઅલસને માંગનો નિયમ તારવ્યો. આકૃતિ 2 દ્વારા માંગનો નિયમ સમજી શકાય.

આકૃતિ 2

ધારો કે વસ્તુઓના ભાવ અને ઉપભોક્તાની આવકના સંદર્ભમાં AB કિંમતરેખા પરનું F બિંદુ અભિવ્યક્ત પસંદગી દર્શાવે છે. હવે, ધારો કે X વસ્તુની કિંમત ઘટે છે. પરિણામે નવી કિંમતરેખા AC છે. નવી પરિસ્થિતિમાં ઉપભોક્તા નવું સંયોજન પસંદ કરશે, જેમાં Xનું પ્રમાણ વિશેષ હોય. જો આ સાબિત થઈ શકે તો માંગનો નિયમ સાબિત થાય.

આકૃતિમાં DE કિંમતરેખા ACને સમાંતર છે. આ બંને રેખાઓનો ઢાળ (slope) સરખો હોવાથી તેમના દ્વારા દર્શાવાતી Xની કિંમત પણ સરખી છે. DE રેખા F બિંદુમાંથી પસાર થાય છે. F બિંદુ AB રેખા પર પણ આવેલું છે. X વસ્તુની કિંમત ઘટ્યા પછી, ઉપભોક્તાની નાણાકીય આવક AD જેટલી ઘટાડવામાં આવે તો, ઉપભોક્તા તેની મૂળ પસંદગીના સંયોજન F પર આવી શકે છે. આવકમાં ઘટાડો થયા પછી ઉપભોક્તા DE રેખા પરના કોઈ પણ બિંદુએ રહી શકે.

સુસંગતતાની ધારણાના આધારે કહી શકાય કે ઉપભોક્તા DF પર આવેલા કોઈ બિંદુને Fની સરખામણીમાં પસંદ કરશે નહિ, કારણ કે અગાઉ એ સંયોજનો ઉપલબ્ધ હતાં; પરંતુ પોતે Fની તરફેણમાં પસંદગી અભિવ્યક્ત કરી હતી. આથી તે Fને પસંદ કરશે અથવા F અને E વચ્ચેના કોઈ એક બિંદુને પસંદ કરશે. ધારો કે તે G બિંદુ પસંદ કરે છે. આ બિંદુએ Fની સરખામણીમાં Xની માગ વધુ છે. તેથી પુરવાર થાય છે કે, આવક-અસર ધન હોય ત્યારે કિંમત-અસર ઋણ હોય છે. જો ઉપભોક્તાને DA જેટલી આવક પાછી આપવામાં આવે તો તે AC કિંમતરેખા પર જશે. જો X વસ્તુ ધન આવક-અસર ધરાવતી સાધારણ (normal) વસ્તુ હોય તો ઉપભોક્તા G બિંદુ પરથી H બિંદુ પર જશે. H બિંદુ G બિંદુની સરખામણીમાં X વસ્તુનું વધુ પ્રમાણ દર્શાવે છે. આથી ફલિત થાય છે કે X વસ્તુની કિંમત ઘટતાં તેની માગનું વિસ્તરણ થાય છે.

સૅમ્યુઅલસનનો અભિગમ વર્તનવાદી છે. આ અભિગમ દ્વારા સૅમ્યુઅલસને ઉપભોક્તાના વાસ્તવિક વર્તનના નિરીક્ષણના આધારે માગના નિયમની સમજૂતી આપી છે.

હસમુખરાય કેશવલાલ ત્રિવેદી