અભિવૃદ્ધિ

January, 2001

અભિવૃદ્ધિ (accretion) : નદીનાં જળ દ્વારા વહન થતા કણોની નિક્ષેપક્રિયાને પરિણામે જૂની ભૂમિમાં થતી નવી ભૂમિની ક્રમિક વૃદ્ધિ. અકાર્બનિક દ્રવ્યજથ્થાના સંદર્ભમાં અભિવૃદ્ધિ એક એવી પ્રવિધિ ગણાય છે, જેમાં તેનો બહારનો ભાગ તાજા કણોના ઉમેરાતા જવાથી વિકસીને વૃદ્ધિ પામતો જતો હોય.

અભિવૃદ્ધિ-શિરાઓ (accretion veins) : ખનિજીકરણ પામતા જતા વિભાગોમાં વિશિષ્ટ સંજોગો હેઠળ વારંવાર ફાટો પડતી જતી હોય છે. આ ફાટો વખતોવખત વિવિધ ખનિજો દ્વારા ભરાતી જાય છે. કોટરપૂરણીની ક્રિયા (cavity-filling) દ્વારા વૃદ્ધિ પામતી જતી ખનિજ-શિરાઓને અભિવૃદ્ધિ-શિરાઓ તરીકે ઓળખાવી શકાય.

અભિવૃદ્ધિ સ્થળદૃશ્ય (topographic accretion) : નિક્ષેપકણોના એકત્રીકરણ દ્વારા રચાયેલાં લાક્ષણિક સ્થળદૃશ્યોનો આ પ્રકારમાં સમાવેશ થાય છે; દા.ત., નદીમાર્ગમાં સર્પાકાર વળાંકવાળી અનુદીર્ઘ ટેકરીઓ (meandering scrolls).

અભિવૃદ્ધિઅધિતર્ક (accretion hypothesis) : પૃથ્વીની ઉત્પત્તિ માટેનો એક અધિતર્ક, જેમાં એવું ધારવામાં આવે છે કે પૃથ્વી એક નાના વિકસતા જતા નાભિકેન્દ્ર – nucleus – સ્વરૂપે અસ્તિત્વ ધરાવતી હતી અને તેની આજુબાજુના અવકાશમાં ઉલ્કાઓ, ગ્રહાણુઓ વગેરે પોતપોતાની સ્વતંત્ર કક્ષામાં સૂર્યની આસપાસ ફરતાં હતાં. તે આ વિકસિત નાભિકેન્દ્રના ગુરુત્વાકર્ષણબળથી ખેંચાઈ આવી, તેમાં ભળતાં ગયાં અને ક્રમિક વૃદ્ધિ પામ્યાં, જેના પરિણામે પૃથ્વી તૈયાર થઈ.

અભિવૃદ્ધિ-સિદ્ધાંત (accretion theory) : સૂર્યમંડળની ઉત્પત્તિ માટેના આ સિદ્ધાંતમાં વિરાટ તકતી આકારના ઘૂમરી ખાતા વાયુવાદળની શિખાઓના એક પછી એક છૂટા પડવાથી જુદા જુદા ગ્રહોનો વિકાસ થયો હોવાનું સૂચન છે. આ સિદ્ધાંત દ્વારા એવું સૂચિત થાય છે કે સૂક્ષ્મ વૈશ્વિક રજ(cosmic dust)ના ઘનીભવનથી દ્રવ્યજથ્થાનું એકત્રીકરણ થતું ગયું, જે વૃદ્ધિ પામતાં જવાથી નાનામોટા કદના ગ્રહોનો વિકાસ થયેલો છે. આની સાથે સંકલિત એક અન્ય સિદ્ધાંત એવું પણ રજૂ કરે છે કે વર્તમાન સૂર્યના જોડિયા તારાના પ્રચંડ પ્રસ્ફોટ(supernova explosion)માંથી ઉત્પન્ન થયેલી રજના ઘનીભવનથી વૃદ્ધિ પામેલા દ્રવ્યજથ્થાના ટુકડાઓ(clots)માંથી ગ્રહો બનેલા છે. બોડના નિયમ મુજબ રજકણોના ભેગા થતાં જવાથી આ પ્રકારના દ્રવ્યગઠ્ઠાઓ રચાવાનું સમજી શકાય છે. એમ પણ કહી શકાય કે એક વાર આ પ્રકારનો દ્રવ્યગઠ્ઠો જો 150 કિમી.ના વ્યાસવાળો થઈ જાય તો તેનાથી ઉત્પન્ન થતા ગુરુત્વાકર્ષણ-બળને પરિણામે ઝડપી દરે વધારાના રજકણો ખેંચાતાં જઈ તેમાં ઉમેરાતા જાય છે; પરંતુ 150 કિમી. કે તેથી ઓછા વ્યાસવાળા દ્રવ્યગઠ્ઠાઓ પોતાના મંદ ગુરુત્વાકર્ષણ-બળને કારણે વધારાના કણો આકર્ષિત ન કરી શકવાથી, તેમનું વિભંજન થઈ જવાની અને તે વિભંજિત ટુકડાઓનું નજીકના મોટા ગઠ્ઠાઓ તરફ ખેંચાઈ જવાની શક્યતા વધી જાય છે. પરિણામે એવું બનવાની શક્યતાઓ પણ ઊભી થાય છે કે એક વાર રચાઈ ગયેલા થોડાક દ્રવ્યગઠ્ઠા અન્ય ગઠ્ઠાઓને ભોગે ઝડપી દરે વૃદ્ધિ પામતા જાય છે અને એવું પણ બને કે તેમના સૂર્યની આસપાસની પ્રદક્ષિણાના દર અને પોતાની ધરી આસપાસના ભ્રમણના દર માટે જરૂર હોય તે કરતાં પણ વધુ મોટા બની જાય; છેવટે આવું જો બનવા પામે તો તેમના મુખ્ય દ્રવ્યજથ્થામાંથી અંશત: વિભંજન થતું જાય અને તેમાંથી તેમના ઉપગ્રહોની ઉત્પત્તિ થાય.

ગિરીશભાઈ પંડ્યા