અભિરુચિ (interest) : વસ્તુ અથવા વિષય પરત્વે વ્યક્તિનો ભાવાત્મક સંબંધ. વસ્તુ અથવા વિષયમાં ધ્યાન ખેંચે એવી લાક્ષણિકતા હોવાથી વ્યક્તિ તેના તરફ સ્વાભાવિક રીતે જ આકર્ષાય છે. અભિરુચિ વ્યક્તિનો સાહજિક માનસિક ઝોક અથવા વલણ દર્શાવે છે. અભિરુચિ વ્યક્તિના અનુભવનું ભાવાત્મક પાસું છે. અભિરુચિ અભિયોગ્યતા (aptitude) જેટલી કુદરતી કે જન્મગત નથી, તેમજ તે સંપૂર્ણપણે વાતાવરણમાંથી ઉદભવે છે એમ પણ નથી. મોટેભાગે અભિરુચિનો વ્યક્તિમાં રહેલી અભિયોગ્યતાઓ સાથે ગાઢ સંબંધ રહેલો છે. કંઈક અંશે વાતાવરણમાં ઉપલબ્ધ એવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા તેનું નિર્માણ થાય છે.

અભિરુચિ અને વ્યક્તિની શક્તિ અંગેના માપને એકબીજાંનાં સમાનાર્થી ગણવાં જોઈએ નહિ. અભિરુચિનું માપન વ્યક્તિની શક્તિ અંગે પ્રત્યક્ષ રીતે કશો પણ નિર્દેશ કરતું નથી. સામાન્યત: તે બંનેનાં માપ વચ્ચે જોવા મળતો સહસંબંધ ઘણો થોડો માલૂમ પડ્યો છે.

અભિરુચિના બંધારણ અને વિકાસમાં અનેક પરિબળો કારણભૂત હોય છે. મોટેભાગે આનુવંશિકતા અને વાતાવરણનો ફાળો તેમજ તે સર્વની આંતરક્રિયા ઉપર તે આધારિત ગણાય.

કેટલીક વખત અભિરુચિ અભિરુચિની કક્ષા કે પ્રેરણાનાં પ્રાબલ્ય અને જરૂરિયાતનો પણ નિર્દેશ કરે છે.

અભિરુચિ વિશેની માહિતી જુદી જુદી પદ્ધતિથી મેળવવામાં આવે છે, એટલે તે પ્રમાણે તેનું અર્થઘટન કરવામાં આવે છે.

કથિત અભિરુચિઓ : વસ્તુ, પ્રવૃત્તિ, કાર્ય અથવા વ્યવસાય અંગે વ્યક્તિ પોતાની અભિરુચિ શબ્દમાં દર્શાવે છે તેને કથિત અભિરુચિ કહેવામાં આવે છે. મોટાભાગની આ પ્રકારની અભિરુચિઓ સ્થિર હોતી નથી. પ્રમાણમાં તે જલદી બદલાતી રહે છે; દા.ત., મને ડૉક્ટર થવું ગમે છે; મને સ્થપતિ થવું ગમે છે વગેરે.

પ્રદર્શિત અભિરુચિ : આ પ્રકારની અભિરુચિ સામાન્ય રીતે વ્યક્તિ જે પ્રવૃત્તિ અથવા કાર્યમાં સ્વાભાવિક રીતે ભાગ લે, તેના ઉપરથી નક્કી થાય છે. મોટેભાગે આવી અભિરુચિનો અંદાજ નિરીક્ષણથી મેળવાય છે.

કસોટી અથવા સંશોધનિકા વડે મેળવેલી અભિરુચિ : અભિરુચિની જાણકારી માટે વ્યક્તિને પ્રમાણિત વસ્તુનિષ્ઠ કસોટી અથવા સંશોધનિકા આપીને મેળવી શકાય છે; દા.ત., સ્ટ્રૉંગ કૅમ્પબેલ ઇન્ટરેસ્ટ ઇન્વેન્ટરી અથવા કુડર પ્રેફરન્સ રેકૉર્ડ.

વ્યક્તિની અભિરુચિઓ જીવનની શરૂઆતની કક્ષાએ અસ્થિર તેમજ વૈવિધ્યવાળી જોવા મળે છે. પ્રમાણમાં અભિરુચિ વ્યક્તિની ઉંમર વધતાં વધુ સ્પષ્ટ અને સ્થિર થતી માલૂમ પડે છે, છતાં તેને અંગે વ્યક્તિએ વ્યક્તિએ ઘણો તફાવત જોવા મળે છે. અભિરુચિના ઘડતર અને વિકાસમાં વ્યક્તિનો અનુભવ પણ મહત્વનો ભાગ ભજવે છે. વ્યક્તિ જો પોતાની અભિરુચિને ધ્યાનમાં રાખીને અભ્યાસક્રમનું અથવા વ્યવસાયનું આયોજન કરે તો તેમાં તેને સારી સફળતા પ્રાપ્ત થાય છે. તે ક્ષેત્રમાં પોતાનું આગવું પ્રદાન આપવાની ક્ષમતા તે કેળવી શકે છે.

ઘટક-વિશ્લેષણ દ્વારા અભિરુચિનો અભ્યાસ સૌપ્રથમ એલ. એલ. થર્સ્ટને કર્યો હતો. ત્યારબાદ એ દિશામાં સ્ટ્રૉંગે પ્રયત્ન કર્યા હતા. કુડરે પણ તેનો અભ્યાસ કરી તેમાં રહેલા વિવિધ ઘટકોનો પરિચય આપ્યો છે.

અભિરુચિનો અંદાજ કે માપન જુદી જુદી પદ્ધતિથી મેળવવામાં આવે છે : 1. નિરીક્ષણ, 2. મુલાકાત અને 3. પ્રમાણિત કસોટીઓ/સંશોધનિકાઓ.

નિરીક્ષણમાં વ્યક્તિને વિવિધ પરિસ્થિતિમાં જુદી જુદી પ્રવૃત્તિ કે કાર્ય સાહજિકતાથી વારંવાર કરતી જોઈ અભિરુચિ અંગેનો અંદાજ મેળવવામાં આવે છે.

વ્યક્તિને મુલાકાત દરમિયાન સીધા પ્રશ્ન પૂછીને પણ તેની અભિરુચિઓ વિશે માહિતી મેળવી શકાય છે.

આ ઉપરાંત પ્રમાણિત અને વસ્તુનિષ્ઠ કસોટીઓ/સંશોધનિકાઓનો ઉપયોગ કરીને પણ વ્યક્તિની અભિરુચિનું માપ કાઢવામાં આવે છે.

અભિરુચિ સંશોધનિકાઓ સામાન્ય રીતે બે પ્રકારની હોય છે : 1. સ્ટ્રૉંગ કૅમ્પબેલ ઇન્ટરેસ્ટ ઇન્વેન્ટરી અને 2. કુડર પ્રેફરન્સ રેકૉર્ડ. આ સંશોધનિકાઓનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે. તેમનું દુનિયાની મોટાભાગની ભાષાઓમાં રૂપાંતર થયેલું છે. ગુજરાતીમાં પણ વ્યાવસાયિક અભિરુચિ સંશોધનિકાનો ઉપયોગ પ્રચલિત છે.

હરકાન્ત બદામી