અભિમન્યુ : પાંડવ અર્જુન અને સુભદ્રાનો પુત્ર, શ્રીકૃષ્ણ-બલરામનો ભાણેજ અને સોમપુત્ર સુવર્ચા કે વર્ચાનો અવતાર. અમુક માન્યતા અનુસાર એ કોઈ અસુર કે દાનવનો અવતાર નહોતો. એ ‘દીર્ઘબાહુ, મહાબળવાન, સુંવાળા અને વાંકડિયા કેશવાળો, વૃષભ જેવી આંખોવાળો, નૂતન શાલવૃક્ષ જેવો ઊંચો, મદઝરતા માતંગ જેવો પરાક્રમી, શત્રુદમન કરનાર નરશ્રેષ્ઠ’ હતો. અર્જુનનો એ પુરુષશ્રેષ્ઠ પુત્ર નિર્ભય અને મન્યુમાન (સાહસિક) હતો તેથી તેનું નામ અભિમન્યુ પાડ્યું.

બાળપણથી જ અભિમન્યુ શ્રીકૃષ્ણ અને પાંડવોને અતિશય વહાલો. શ્રીકૃષ્ણે તેની જાતકર્માદિ સંસ્કારોની સર્વ શુભક્રિયાઓ કરી હતી. પિતા અર્જુને તેને શાસ્ત્રજ્ઞાન અને શાસ્ત્રવિદ્યાનું વિશિષ્ટ શિક્ષણ આપીને યુદ્ધકળામાં નિષ્ણાત બનાવ્યો હતો. પાંડવો વનવાસમાં હતા ત્યારે પ્રદ્યુમ્ને પણ તેને તાલીમ આપેલી. આને લીધે અભિમન્યુ નાની વયમાં જ ‘રથયૂથપયૂથપ’ – રથના યૂથપતિઓનો પણ યૂથપતિ, મહાસેનાધિપતિ થયેલો. અભિમન્યુએ દ્રૌપદીના પુત્રોને, પોતાના ભાઈઓને, અતન્દ્રિતપણે તાલીમ આપીને કેળવેલા.

અભિમન્યુ સર્વગુણસંપન્ન હતો. એ ‘‘ધૈર્યમાં યુધિષ્ઠિર જેવો, વીરોચિત કર્મમાં ભીમસેન જેવો, પરાક્રમ તેમજ વિદ્વત્તામાં અર્જુન જેવો, વિનયમાં નકુલ અને સહદેવ જેવો; અને શૌર્ય, વીર્ય, રૂપ, આકૃતિ અને ઉત્તમ ચારિત્ર્યમાં શ્રીકૃષ્ણ જેવો હતો.’’ શ્રીકૃષ્ણ અને બલરામને બહુ જ પ્રિય. બલરામે તેને રૌદ્ર ધનુષ્ય આપેલું.

મહાભારતના યુદ્ધમાં એણે તેર દિવસ અપ્રતિમ પરાક્રમ કરેલું. યુદ્ધના તેરમા દિવસે દ્રોણાચાર્ય બીજો મોરચો ખોલી અર્જુનને ત્યાં લડવા ખેંચી ગયા. તે પછી પાંડવોની સામે ચક્રવ્યૂહ રચ્યો. તે જોઈને ધર્મરાજ ચિંતાગ્રસ્ત થઈ ગયા ત્યારે યુધિષ્ઠિરના કહેવાથી અભિમન્યુએ ચક્રવ્યૂહ ભેદવાનું મહાકાર્ય માથે લીધું. એને ચક્રવ્યૂહ ભેદવાનું જ જ્ઞાન હતું, બહાર નીકળવાનું નહોતું. છતાં સાહસિક અભિમન્યુ જરા પણ ગભરાયો નહિ. ‘‘સારથિ ! શત્રુસૈન્ય મારી સોળમી કળાને પણ લાયક નથી. મારા મામા જગજ્જેતા વિષ્ણુ શ્રીકૃષ્ણ અથવા પિતાજી અર્જુન કદાચિત્ યુદ્ધમાં સામે આવી જાય તોપણ મને ભય લાગે નહિ.’’ એમ સારથિને આદેશ આપીને એણે ચક્રવ્યૂહ ભેદી નાખ્યો. દ્રોણાચાર્યની સેનાની હરોળો અસ્તવ્યસ્ત કરી નાખીને એમાં પ્રવેશ્યો. કર્ણ સહિત અનેક મોટા સેનાનીઓને જેર કર્યા કે ભગાડ્યા, કેટલાકનો વધ કર્યો. એમ કરતાં તે કૌરવી સેનામાં દૂર ચાલ્યો ગયો. ભીમસેન આદિ પાંડવ સેનાનીઓ સરળતાથી પોતાની પાસે આવી શકે તે માટે તેણે માર્ગ સાફ રાખેલો; પરંતુ શંકરે આપેલા વરદાનના પ્રભાવે જયદ્રથે ભીમ સહિત પાંડવ સૈન્યને અભિમન્યુની કુમકે જતાં રોકી લીધું. અહીં મહાપરાક્રમી અભિમન્યુને દ્રોણે એકલો પાડી દીધો. અધર્મયુદ્ધ આરંભ્યું. દ્રોણ, કૃપ, કર્ણ, અશ્વત્થામા, કૃતવર્મા અને બૃહદબ એ છ મહારથીઓ એકલા અભિમન્યુ સામે લડવા લાગ્યા. એને રથહીન અને શસ્ત્રહીન કરી નાખ્યો. એકલવીર અભિમન્યુને ભીમાદિની કુમક પહોંચી શકી નહિ. તે છતાં એણે રથનું ચક્ર ઉઠાવ્યું અને જાણે શ્રીકૃષ્ણનું અનુકરણ કરતો હોય એમ, એ સાહસથી લડવા લાગ્યો. ચક્ર તૂટતાં એણે ગદા ઉઠાવી. દુ:શાસનના પુત્ર સાથે એને ગદાયુદ્ધ થયું. બંને ભોંય પટકાયા. ત્યાં તો લાંબા સમય સુધી અનેક મહારથીઓની સાથે યુદ્ધ કરીને શ્રાન્ત થયેલો અભિમન્યુ પુન: ઊભો થાય તે પહેલાં દુ:શાસનના પુત્રે ઊઠીને એના મસ્તક ઉપર ગદાનો પ્રહાર કર્યો. અભિમન્યુ ચેતનરહિત થયો. સોમનો પુત્ર હોઈ સોમમાં ભળી ગયો.

વિરાટરાજાની કન્યા ઉત્તરા તેની પત્ની. એના મૃત્યુ સમયે ઉત્તરા ગર્ભવતી હતી. એનો પુત્ર પરીક્ષિત. પરીક્ષિતને લીધે પુરુવંશને નવજીવન મળ્યું, તેથી અભિમન્યુ પાંડવોનો વંશકર કહેવાયો છે.

અભિમન્યુના રથના ઘોડા પીળા રંગના અને એની ધ્વજા ઉપર કર્ણિકાર વૃક્ષનું ચિહન હતું. એના સારથિનું નામ સૌમિત્ર.

ઉ. જ. સાંડેસરા