અભિક્રમિત અધ્યયન

January, 2001

અભિક્રમિત અધ્યયન (programmed) : સ્વ-અધ્યયનની વિશિષ્ટ પદ્ધતિ. બી એફ. સ્કીનર નામના હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસરની કારક કે સાધિત અભિસંધાન(operant conditioning)ની પદ્ધતિ પર તે રચાયેલી છે. તેમાં શીખવાતા વિષયના ખૂબ જ નાના નાના ભાગ પાડી દઈ દરેક ભાગ પૂરેપૂરી અને સ્પષ્ટ પદ્ધતિથી સમજાવી શીખવવા માટેની ફ્રેમો બનાવવામાં આવે છે. દરેક ફ્રેમને છેડે એક પ્રશ્ન હોય છે જેનો ઉત્તર પછીની ફ્રેમની શરૂઆતમાં આપવામાં આવે છે. શીખનારનો ઉત્તર તે ઉત્તર સાથે સરખાવી શીખનાર પેલી વસ્તુનો નાનો ભાગ શીખ્યો કે કેમ તે ચકાસવામાં આવે છે. ન શીખ્યો હોય તો તેણે અગાઉની ફ્રેમ ફરીથી વાંચી શીખી લેવું પડે છે. સાચો ઉત્તર જાણ્યા પછી જ નવી ફ્રેમ પર જવાનું હોય છે. આ પદ્ધતિ દ્વારા શીખનાર પોતે જ વિષયવસ્તુ શીખી તેના પર પ્રાવીણ્ય પ્રાપ્ત કરે છે. ઉત્તર જાણવાથી શીખનારને પુન: પુષ્ટિ (reinforcement) મળે છે અને તે વધુ શીખવા તત્પર બને છે. સ્કીનરની પદ્ધતિને સુરેખ અભિક્રમ (linear programme) કહેવામાં આવે છે. નોર્મન એ. ક્રાઉડરે તેમાં થોડો ફેરફાર કરી પ્રશાખાયુક્ત અભિક્રમ (branching programme) બનાવ્યા છે. તેમાં જ્યારે શીખનાર અમુક તબક્કે પ્રશ્નનો ઉત્તર આપવામાં નિષ્ફળ જાય ત્યારે તેને ફરી પાછો અગાઉના અમુક સ્થળે પાછો લઈ જવામાં આવે છે, જ્યાંથી તેણે બધાં સોપાનો ફરીથી ચઢવાં પડે છે. પ્રશ્નના જે વિવિધ ઉત્તરો વિકલ્પ તરીકે આપેલા હોય છે તેમાંથી જે વિકલ્પ શીખનાર પસંદ કરે તે ઉપરથી તેણે શું શું ફરી શીખવાની જરૂર છે તે ધ્યાનમાં લઈ અગાઉનાં સોપાનો પર જવું પડે છે. આ રીતે વિવિધ પ્રશાખાઓ ઊભી થાય છે અને શીખનારની જરૂરિયાત મુજબની પ્રશાખામાં તેણે પાછા જવું પડે છે.

અભિક્રમ છાપેલી ચોપડીના રૂપમાં શિક્ષણયંત્ર (teaching machine) દ્વારા કે કમ્પ્યૂટર દ્વારા રજૂ કરવામાં આવે છે. છાપેલી ચોપડી હોય તો એક ફ્રેમ ખુલ્લી રાખી બાકીની ફ્રેમો પર કાગળ કે પૂઠું ઢાંકી શીખનારે ટુકડે ટુકડે શીખવું પડે છે. શિક્ષણયંત્ર કે કમ્પ્યૂટર હોય તો તેમાં પૂછેલા પ્રશ્નનો ઉત્તર સાચો હોય તો જ નવી ફ્રેમ રજૂ થાય છે; નહિ તો શીખનારે ક્યાંથી ફરી શીખવું જરૂરી છે તે ફ્રેમ પર યંત્ર તેને લઈ જાય છે. પ્રશાખાયુક્ત અભિક્રમમાં પણ ઉત્તરના પ્રકાર પ્રમાણે શીખનારે કઈ પ્રશાખામાં જવું જોઈએ તે યંત્ર નક્કી કરે છે. 1960ના દશકામાં અમેરિકા તથા ઇંગ્લૅન્ડ જેવા દેશોમાં વિવિધ વિષયોમાં અનેક અભિક્રમો તૈયાર કરવામાં આવ્યા હતા, પરંતુ 1975 પછી આ પ્રક્રિયા ધીમી પડી ગઈ છે.

કૃષ્ણકાંત ગો. દેસાઈ