અભયાદિ ક્વાથ : આયુર્વેદીય ઔષધ. હરડે, નાગરમોથ, ધાણા, રતાંજળી, પદ્મકાષ્ઠ, અરડૂસીનાં પાન, ઇન્દ્રજવ, સુગંધી વાળો, ગળો, ગરમાળાનો ગોળ, કળીપાટ, સૂંઠ અને કડુનું અધકચરું ચૂર્ણ બનાવી 2 તોલા જેટલો ભૂકો સોળગણા પાણીમાં પકાવી આઠમા ભાગ જેટલું પાણી બાકી રહે ત્યારે ઉતારી ગાળવામાં આવે છે.

માત્રા : 20 થી 40 ગ્રામ જેટલો ક્વાથ લઈ તેમાં 2થી 3 ગ્રામ જેટલું લીંડીપીપરનું ચૂર્ણ નાખીને પીવાથી ત્રિદોષજ્વર, તૃષા, દાહ, ઉધરસ, પ્રલાપ, મલમૂત્રનો અવરોધ, અરુચિ, શોષ વગેરેમાં લાભ થાય છે.

મધુકાન્ત ભગવાનજી પંડ્યા