અબ્બાસ ખ્વાજા અહમદ

January, 2001

અબ્બાસ, ખ્વાજા અહમદ (જ. 7 જૂન 1914, પાનીપત, હરિયાણા; અ. 1 જૂન 1987, મુંબઈ, મહારાષ્ટ્ર) : પત્રકાર અને ચિત્રપટકથાલેખક. પ્રાથમિક શિક્ષણ પાણીપતમાં, ઉચ્ચ શિક્ષણ અલીગઢ વિશ્વવિદ્યાલયમાં. વિદ્યાર્થીકાળ દરમ્યાન ‘અલીગઢ ઓપિન્યન’ નામનું તે સંસ્થાનું મુખપત્ર શરૂ કરેલું. કારકિર્દીના આરંભમાં કેટલોક સમય ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’માં કામ કર્યું. 1935માં તેઓ ‘બૉમ્બે ક્રૉનિકલ’માં જોડાયા. તેમાં ચિત્રપટના સમીક્ષક તરીકે મોટા નિર્માતાઓની કડક ટીકા કરતાં અચકાતા નહિ. સ્વતંત્ર પત્રકાર તરીકેનું તેમનું સાચું સ્વરૂપ ‘બ્લિટ્ઝ’માં પ્રગટ્યું. એ પત્રની ખ્યાતિ પામેલું કૉલમ ‘લાસ્ટ પેજ’ તેમની બાહોશ કલમનું સાહસ હતું, જે તેમણે જીવનની અંતિમ ઘડી સુધી ચાલુ રાખેલું. ‘બ્લિટ્ઝ’ હિન્દી અને ઉર્દૂમાં પણ પ્રસિદ્ધ થવા માંડ્યું ત્યારે તેમાં પણ ‘આઝાદ કલમ’ના નામથી છેલ્લું પાનું અબ્બાસ લખતા. આ રીતે ભારતમાં પત્રકારત્વની દુનિયામાં નિર્ભય વાતાવરણ ઊભું કરવામાં તેમનો નોંધપાત્ર ફાળો રહ્યો. પૂંજીવાદી શોષણના તેઓ ભારે વિરોધી હતા. ડાબેરી વિચારસરણી તેમને કોઠે ઊતરી ચૂકી હતી, તેથી સામાન્ય જનતાના પ્રશ્ર્નો માટે સંઘર્ષ કર્યા વગર રહી શકતા નહિ, પછી તે પત્રકારત્વ, સાહિત્ય કે ચિત્રપટ કોઈ પણ માધ્યમ હોય !

તેમણે ચિત્રપટ-કથાઓ લખી અને ચિત્રપટનું નિર્માણ પણ કર્યું. તેમની વાર્તાઓ પર આધારિત ચિત્રપટો રાજ કપૂરે સફળતાપૂર્વક ઉતાર્યાં. તેમની ફિલ્મોમાં ‘ધરતી કા લાલ’ અને ‘શહેર ઔર સપના’ પ્રસિદ્ધ છે. બીજી ફિલ્મને રાષ્ટ્રીય સહિત અનેક પારિતોષિકો પ્રાપ્ત થયેલાં છે. સાહિત્યકાર તરીકે અબ્બાસે પ્રગતિશીલ વાર્તાઓ લખી. ‘એક લડકી’, ‘ઝાફરાન કે ફૂલ’, ‘ગેહૂં ઔર ગુલાબ’, ‘કહેતે હૈં જિસ કો ઇશ્ક’ અને ‘નઈ ધરતી, નયે ઇન્સાન’ તેમના લોકપ્રિય વાર્તાસંગ્રહો. ‘ઇન્કિલાબ’ નામે એક નવલકથા પણ તેમણે લખી છે. પ્રગતિશીલ લેખકોમાં તેમનું આદરપાત્ર સ્થાન હતું.

મોહિયુદ્દીન બૉમ્બેવાલા