અબ્બાસ (જ. 568, મક્કા, સાઉદી અરેબિયા; અ. ફેબ્રુઆરી 653, મદિના, સાઉદી અરેબિયા) : હઝરત મોહંમદના કાકા હતા, પણ ઉંમરમાં બે વચ્ચે ઝાઝો તફાવત ન હતો. કાબા શરીફમાં લોકોને પાણી પાવાનું કામ એમને માથે હતું. તેમણે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો, પણ એ વાત ગુપ્ત રાખી હતી. મક્કાના વિજય પછી એમણે રસૂલે ખુદાના હુકમથી હિજરત કરી અને કુટુંબની સાથે મદીના આવીને વસ્યા. તે વેપારી હતા અને વ્યાજનો ધંધો પણ કરતા હતા. કુર્આને પાકમાં વ્યાજનો નિષેધ થયો ત્યારબાદ (ઈ. સ. 631) રસૂલે ખુદાએ વ્યાજની લેવડદેવડ ઉપર પ્રતિબંધ મૂકતાં કહેલું કે પ્રથમ મારા કાકાનો ધંધો બંધ થશે. 88 વર્ષની ઉંમરે (ઈ. સ. 652) રજબ અથવા રમજાન મહિનામાં શુક્રવારના દિવસે એમનું અવસાન થયું. ત્રીજા ખલીફા હઝરત ઉસમાને નમાજે જનાઝા પઢાવી. એમના જ વંશજોએ બગદાદમાં અબ્બાસી ખિલાફતની સ્થાપના કરી છે.

ઝુબેર કુરેશી