અબ્દુલ હલીમ જાફરખાં

January, 2001

અબ્દુલ હલીમ જાફરખાં (જ. 18 ફેબ્રુઆરી 1927, જાવરા, મધ્ય પ્રદેશ; અ. 4 જાન્યુઆરી 2017, મુંબઈ, મહારાષ્ટ્ર) : ભારતના અગ્રણી સિતારવાદક. પૈતૃક પરંપરાથી જ તેમને સંગીતની સિદ્ધિ મળી હતી. સતત અભ્યાસને કારણે તેઓ કલાસાધનામાં એટલે ઊંચે પહોંચી ગયા કે જ્યાં કોઈ પ્રતિસ્પર્ધી ન હતો. તેઓ સિતારવાદન તંત્રની વ્યાખ્યા કરવા ઉપરાંત મસીતખાની અને રજાખાની શૈલીમાં સિતાર વગાડતા હતા. તેમની તાનોમાં ગતિ, સ્વચ્છતા તથા પરિષ્કૃતિનો સમન્વય હતો. તેઓ ચક્રધૂન, મધ્યમી, કલ્પના અને ખુસરુવાની રાગો ગાતા હતા. તેમણે વસંતમુખરી, ચંપાકલી, રાજેશ્વરી, શ્યામકેદાર, ફરગના, રૂપમંજરી વગેરે રાગોનું નવસંસ્કરણ કર્યું હતું. વળી દક્ષિણ ભારતના પ્રચલિત રાગો જેવા કે મુખપ્રિયા, ચલનતી, કીરવાની તથા લતાંગીને ઉત્તર ભારતમાં લોકપ્રિય બનાવ્યા હતા. 1970માં તેમને ભારત સરકારે  પદ્મશ્રી  અને 2006માં પદ્મભૂષણનો ખિતાબ આપ્યો હતો.

ચન્દ્રકાન્ત મહેતા