અબ્દુલ રસીદ સલીમ સલમાન ખાન

May, 2023

અબ્દુલ રસીદ સલીમ સલમાન ખાન (જ. 27 ડિસેમ્બર 1965, ઇંદોર) : ફિલ્મ અભિનેતા.

પ્રસિદ્ધ અભિનેતા સલમાન ખાનનું સાચું નામ અબ્દુલ રસીદ સલીમ સલમાન ખાન છે. તેનો જન્મ ઇંદોરમાં 26 ડિસેમ્બરના રોજ થયો હતો. એના પિતા સલીમખાન હિન્દી ફિલ્મોના એક જાણીતા સ્ક્રિન-પ્લે લેખક છે. સલમાનનાં માતા સુશીલા ચરક એક હિન્દુ હતાં જેમણે સલીમખાન સાથે લગ્ન કરતાં તેમનું નામ સલમા કરેલું. સલમાનને બે ભાઈઓ સોહીલખાન અને અરબાઝખાન છે અને બે બહેન અલવીર અને અર્પિતા (દત્તક લીધેલ) છે. 1980માં સલમા (સુશીલા) અને સલીમખાન છૂટાછેડા લે છે અને સલીમખાન જાણીતી અભિનેત્રી હેલન જોડે લગ્ન કરે છે. જોકે આ લગ્ન થતાં સુધીમાં સલમા-સલીમનાં બાળકો મોટાં થઈ ગયાં હોય છે. સલમાનના દાદા અફઘાનિસ્તાનથી ઇંદોર સ્થળાંતરીત થયેલા હોય છે. સલમાનનાં માતા જમ્મુ-કાશ્મીરના ડોગરા-રાજપૂત કુટુંબમાંનાં હતાં. સલમાનનો સ્કૂલનો અભ્યાસ બાન્દ્રાની સેન્ટ સ્ટેનીલસ હાઈસ્કૂલ (St. Stanislaus Highschool) અને ગ્વાલિયરની સીંધિયા સ્કૂલમાં થયો. કૉલેજનો અભ્યાસ સેંટ ઝેવિયર્સ કૉલેજ(St. Xavier’s Collage)માં થયો પણ સલમાને કૉલેજનો અભ્યાસ અડધેથી છોડી દીધો હતો.

સલમાન ખાન

સલમાન ખાન

સૌ. "સલમાન ખાન"

સલમાન ખાને અભિનયની કારકિર્દી 1988માં ફિલ્મ ‘બીવી હો તો ઐસી’થી શરૂ કરી. પણ એની ખાસ નોંધ ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’માં લેવાઈ. આ ફિલ્મ અત્યંત સફળ થઈ. સલમાનને પણ શ્રેષ્ઠ નવાગંતુકનું ફિલ્મફેર પારિતોષિક મળે છે. આમ 1989થી શરૂ થયેલી અભિનયયાત્રામાં અત્યાર સુધી 121 જેટલી ફિલ્મ, 20 જેટલા ટેલિવિઝન કાર્યક્રમો અને સીરિયલો તથા આઠ જેટલા મ્ચુઝિક આલબમો કર્યાં છે. આ મ્યુઝિક આલબમમાં પાંચ ગીત તો સલમાને પોતે ગાયાં છે.

સલમાનખાનની મહત્વની ફિલ્મોમાં, ‘મેને પ્યાર કિયા’ (1989), ‘હમ આપકે હૈ કોન’ (1994), ‘કરણ અર્જુન’ (1995), ‘ખામોશી’ (1996), ‘કુછ કુછ હોતા હૈ’ (1998), ‘હમ દીલ દે ચૂકે સનમ’ (1999), ‘હમ સાથ સાથ હૈ’ (1999), ‘ચોરી ચોરી ચૂપકે ચૂપકે’ (2001), ‘મુજસે શાદી કરોગી’ (2004), ‘મેને પ્યાર ક્યોં કીયા’ (2005), ‘વૉન્ટેડ’ (2009), ‘વીર’ (2010), ‘દબંગ’ (2010), ‘બોડીગાર્ડ’ (2012), ‘એક થા ટાઇગર’ (2012), ‘દબંગ-2’ (2012), ‘કીક’ (2014), ‘બજરંગી ભાઈજાન’ (2015), ‘પ્રેમ રતન ધન પાયો’ (2015), ‘ટાઇગર જીંદા  હૈ’ (2017), ‘દબંગ-3’ (2019), ‘રાધે’ (2021) અત્યંત સફળ ફિલ્મો ગણાય છે. બીગ બોસ જેવી ટેલિવિઝન શ્રેણી (સીરિયલો) 2004થી 2021 સુધી એમ સત્તર વર્ષથી હોસ્ટ કરી રહ્યો છે. સલમાન ભારતીય સિનેમાનો સૌથી વધુ વેતન લેતા અભિનેતા તરીકે ફોર્બસની યાદીમાં પણ સામેલ છે.

સલમાને એક ફિલ્મ ‘મેરીગોલ્ડ’ (2007) અંગ્રેજીમાં કરી છે. ‘ચીલર પાર્ટી’ ફિલ્મને બાળકોની શ્રેષ્ઠ ફિલ્મ માટેનો તથા ‘બજરંગી ભાઈજાન’ને શ્રેષ્ઠ મનોરંજક ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર (નૅશનલ ઍવૉર્ડ) મળેલ છે. સલમાનને અનેક ઍવૉર્ડ્સ માટેનાં અનેક નૉમિનેશન્સ મળેલાં છે પણ તેટલા ઍવૉર્ડ્સ મળ્યા નથી.

સલમાન ખાને ‘બીઈંગ હ્યુમન’ (Being Human) નામનું એક ફાઉન્ડેશન સ્થાપ્યું છે. અને એ દ્વારા ચૅરિટીનાં કામો કરે છે.

સલમાનનું જીવન હંમેશાં વિવાદાસ્પદ રહ્યું છે. શરાબના નશામાં મોટર ચલાવતાં ફૂટપાથ પર સૂતેલા પાંચ લોકોને કચડી નાખવાનો કેસ તેના પર ચાલી રહ્યો છે. આ બનાવમાં એક વ્યક્તિ મૃત્યુ પામી હતી તો બીજા ગંભીર રીતે ઘાયલ થયા હતા. તો રાજસ્થાનમાં એક ચિંકારાના શિકાર માટે તેને કોર્ટે એક વર્ષની સજા કરી છે, જેના માટે હાલ તે જામીન ઉપર છે. અત્યારે 56 વર્ષની ઉંમરે પણ એ અવિવાહિત છે.

અભિજિત વ્યાસ