અબ્દુલ કરીમ બિન અતાઉલ્લા

January, 2001

અબ્દુલ કરીમ બિન અતાઉલ્લા (ઈ. સ. 15મી સદી) : ગુજરાતના સુલતાન મહમૂદ બેગડાના સમકાલીન વિદ્વાન. તેઓ મહમૂદ બેગડાના જ નામેરી, તથા સમકાલીન એવા બહમની સુલતાન મહમૂદ બીજાના એલચી તરીકે મહમૂદ બેગડાના દરબારમાં રહ્યા હતા. તેમણે મહમૂદ બેગડાના કહેવાથી ‘તબકાતે મહમૂદશાહી’ નામનો ગ્રંથ લખ્યો હતો, જે તેમના પોતાના નામથી ‘તબકાતે અબ્દુલ કરીમ’ તરીકે પણ ઓળખાય છે. આ ગ્રંથમાં તેમણે સૃષ્ટિના સર્જનથી માંડીને ઈ.સ. 1500 સુધીનો મુસલમાની રાજ્યોનો અહેવાલ આપ્યો છે. તેમાં ગુજરાતની મુસ્લિમ સલ્તનત વિશેની માહિતી છેલ્લા પ્રકરણમાં તથા પુરવણીમાં આપેલી છે. તેમણે તેમાં મૂકેલી વિગતો મહદ્અંશે સમકાલીન હોવાથી તેની આધારભૂતતા વધી જાય છે. પાછળથી લખાયેલા ‘મિરઆતે સિકંદરી’, ‘તબકાતે અકબરી’ અને ‘તારીખે ફિરિશ્તા’ વગેરે જેવા ઇતિહાસગ્રંથોમાં તેનો આધાર લેવામાં આવ્યો છે, તે હકીકત તેનું આધારસાધન તરીકેનું મહત્વ સ્પષ્ટ કરે છે.

દેવેન્દ્ર ભટ્ટ