અબ્દુલ કરીમખાં (જ. 11 નવેમ્બર 1872, કૈરાના, કુરુક્ષેત્ર પાસે ઉત્તરપ્રદેશ; અ. 27 ઑક્ટોબર 1937, મિરજ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના કિરાના ઘરાનાના સુપ્રસિદ્ધ ગાયક. પિતા કાલેખાં પણ જાણીતા ગાયક હતા. પિતા, કાકા અબ્દુલખાં અને એક સગા હૈદરબક્ષ પાસે તે ગાયકી શીખ્યા હતા. છ વર્ષની ઉંમરે એક જાહેર મહેફિલમાં ગાઈને તેમણે શ્રોતાઓને મુગ્ધ કરેલા. પંદર વર્ષની ઉંમરે તો તેમણે સંગીતકલા આત્મસાત્ કરી લીધેલી, અને ઘર છોડી દેશમાં ફરવા નીકળ્યા હતા.

અબ્દુલ કરીમખાં

વડોદરાના મહારાજાએ તેમને દરબારમાં ગાવાનું નિમંત્રણ આપ્યું અને તેમનું ગાયન સાંભળી ખુશ થઈ તેમને રાજગાયક તરીકે નીમ્યા. ત્રણ વર્ષ વડોદરા રહ્યા પછી મહારાષ્ટ્રમાં મિરજમાં આવી વસ્યા. મિરજના રાજા સંગીતપ્રેમી હતા અને મિરજની ખ્વાજા શમાનામીરની દરગાહ મુસલમાનોનું તીર્થક્ષેત્ર હતું. તેમને સંગીતમાં કરુણરસનું પ્રાધાન્ય લાગ્યું. એ ખાસ કરીને વિલંબિત લયમાં ગાતા. તેમનાં દસેક પ્રારંભિક ગાયનોની ગ્રામોફોન રેકર્ડ પર તેમનું નામ ‘પ્રો. અબ્દુલ કરીમખાં ઑવ્ બરોડા’ છાપેલું છે. અબ્દુલ કરીમખાંએ સાધેલ શાંત અને કરુણરસનો મેળ મહારાષ્ટ્રે અગાઉ કોઈ ગાયકમાં જોયો ન હતો. તેમના ગાયનમાં ભક્તિરસ પણ મોટા પ્રમાણમાં દેખાતો. જાતિભેદની અવગણના કરીને બધી કોમોના વિદ્યાર્થીઓને તે સંગીત શીખવતા. તેમના મુખ્ય શિષ્ય રામભાઉ કુંદગોળકર ‘સવાઈ ગંધર્વ’ તરીકે વિખ્યાત થયા. મુસલમાન શિષ્યોમાં તબલાનવાઝ શમ્સુદ્દીનખાં અને ગાયિકા રોશનઆરા બેગમ હતાં. ખાંસાહેબનાં પત્ની સરસ્વતીબાઈ પણ ખૂબ સરસ ગાતાં. તેમની બે રેકર્ડ બહાર પડી હતી. વિદ્યાર્થીઓને તે પૈસા લીધા વિના ઉદારતાથી શીખવતા.

ઑડિયન કંપનીએ તેમની ત્રણ રેકર્ડો ઉતારી રોકડા પંદર સો રૂપિયા આપ્યા. કંપનીની ઑફિસમાંથી બહાર આવતાં ભિખારીઓએ તેમને ઘેરી લીધા. બધી જ રકમ તેમણે ભિખારીઓમાં વહેંચી દીધી !

તેઓ ૐકારના ઉપાસક હતા અને કુંભક પ્રાણાયામ કર્યા પછી ગાવાની શરૂઆત કરતા. પૂરિયા, મુલતાની, જૌનપુરી, આસાવરી, દરબારી કાનડા અને શુદ્ધ કલ્યાણ જેવા પ્રચલિત રાગ જ તે ગાતા. પણ તેમનું વિલંબિત ગાયન એટલું વિલક્ષણ હતું કે તેમના ગાન બાદ કોઈ ગાવાની હિંમત કરતું નહિ. સંગીતમાં કોમળ અને તીવ્ર શ્રુતિઓ ઉપરાંત અતિકોમલ અને અતિતીવ્ર શ્રુતિઓ હોય છે એની તેમને પ્રતીતિ હતી. આવી શ્રુતિઓ ભાગ્યે જ કોઈ ગાયકના ગળામાંથી નીકળે. ‘સોચ સમઝ નાદાન’… એ રેકર્ડમાં અબ્દુલ કરીમખાંની આ શ્રુતિઓ સાંભળી શકાય છે. દક્ષિણના અભોગી કાનડા રાગને તેમણે હિંદુસ્તાની સંગીતમાં પ્રચલિત કર્યો છે.

1917થી 1920 તે મુંબઈમાં રહ્યા હતા. તેમણે એક કૂતરાને તાલીમ આપી મુંબઈના એક થિયેટરમાં તેમની સાથે રાખી કૂતરાના ગળામાંથી જુદા જુદા રાગોના સ્વર શ્રોતાઓને સંભળાવ્યા હતા. મહર્ષિ અરવિંદ ઘોષને ગાયન સંભળાવવા તે પૉંડિચેરી(પુદુચેરી) જઈ રહ્યા હતા ત્યારે 27 ઑક્ટોબર 1937ના રોજ ટ્રેનમાં તેમની તબિયત બગડી અને તે સીંગા પેરુમલ સ્ટેશને ઊતરી પડ્યા. નમાઝ પઢી અને દરબારી કાનડાનો આલાપ શરૂ કરીને સૂઈ ગયા તે ફરીથી ઊઠ્યા નહિ. તેમના શબને મિરજ લાવી ખ્વાજા ભિરાસાહેબની દરગાહ નજીક દફનાવવામાં આવ્યું.

ઑડિયન કંપનીએ અબ્દુલ કરીમખાંની બાવીસેક રેકર્ડ બહાર પાડી છે. જીવનનાં છેલ્લાં ત્રણચાર વર્ષોમાં તેમણે ગાયેલ વસંત, ગુજિરી તોડી, બિલાવલ, જોગિયા, તિલંગ, નાયકી કાનડા, અભોગી કાનડા, માલકૌંસ અને દરબારી કાનડા રાગો આ રેકર્ડોમાં સંગૃહીત છે. વીરરસના શંકરારાગ સાથે કરુણ રસનું સફળ મિશ્રણ તેમની રેકર્ડ ‘આજ સુહાગ કી રાત’માં સંભળાય છે.

ખાંસાહેબે મુંબઈમાં અને પુણેમાં ‘આર્ય સંગીત વિદ્યાલય’ સ્થાપી સંગીતપ્રચારનું કાર્ય ચાલુ રાખેલું. તેઓ સિતાર, બીન અને જલતરંગ પણ સરસ વગાડતા. તેમણે શરૂ કરેલી કિરાના ઘરાનાની ગાયકી આજે પણ ખૂબ લોકપ્રિય છે.

કૃષ્ણવદન જેટલી