અબ્દુલ અહદ નદીમ (19મી સદી) : કાશ્મીરી સૂફી કવિ. સૂફી પરંપરા અનુસાર ઈશ્વરને સનમરૂપે સંબોધીને તેમણે કાવ્યો લખ્યાં છે. એમનાં કાવ્યો ભક્તિમૂલક હોઈ, એમાં પરમાત્માના મિલનની ઝંખના અને વિરહવ્યથાનો સૂર સંભળાયા કરે છે. તેમની વિશેષતા એ છે કે, સનમ ઉપરાંત ઈશ્વરના પુરુષસ્વરૂપની પણ એટલા જ ભાવોદ્રેકથી ઉપાસના કરી છે. એમના એક કાવ્યમાં એમણે કહ્યું છે કે ‘હઝરતના નામ પર હું કુરબાન થઈ જાઉં. પવનની મારફત હું મારો સંદેશ એમને પહોંચાડીશ. હું મારું દુ:ખ એમને સંભળાવીશ. આંસુના ગરમ જળથી હું એમના પગ ધોઈશ. હું મારા સૂકા હોઠોથી એમના પગ લૂછીશ.’ મુસ્લિમ સંતસાહિત્યમાં તેમની ભક્તિકવિતા અનોખી છાપ પાડે છે. એમનાં કાવ્યો કાશ્મીરના પ્રચલિત કાવ્યરૂપ ‘નાટ’માં રચાયાં છે.

ચન્દ્રકાન્ત મહેતા