અબ્દુલ અહદ ‘આઝાદ’

January, 2001

અબ્દુલ અહદ ‘આઝાદ’ (જ. 1903, ચાદુરા; અ. 4 એપ્રિલ 1948, શ્રીનગર) : કાશ્મીરના ક્રાન્તિકારી સાહિત્યના સર્જક તથા સાંસ્કૃતિક નવજાગરણના પ્રણેતા. એમના પિતા સુલતાન દરવેશ સાહિત્ય-જગતમાં જાણીતા હતા. શરૂઆતમાં ‘અહદ’ તખલ્લુસથી લખતા, પણ પછીથી એમણે ‘જાંબાજ’ નામથી લખવા માંડ્યું. પુત્રના મૃત્યુથી ધર્મ પ્રત્યેનું એમનું ર્દષ્ટિબિન્દુ બદલાયું, અને ‘આઝાદ’ તખલ્લુસથી લખવાનું શરૂ કર્યું. 1942માં તેઓ સમાજવાદથી અત્યંત પ્રભાવિત થયા. સાથે કાવ્યની સરવાણી પણ વેગીલી બની. તે પછી ધર્મશાસ્ત્રો તથા ઈશ્વરવાદી વિચારસરણીને પણ એમણે પડકાર્યાં. સામાજિક શાસનતંત્રનો વિરોધ કરીને તે પૂરેપૂરા ક્રાન્તિકારી બન્યા. એમની કવિતાને ત્રણ શ્રેણીમાં વહેંચી શકાય: (1) ઉર્દૂ અને ફારસી કવિઓના પ્રભાવવાળી ગીતકવિતા. (2) પ્રકૃતિસૌન્દર્ય નિરૂપતીં કવિતા. (3) પરંપરાને તોડવાનું આહ્વાન આપતી ક્રાંતિકારી કવિતા. એમનાં તમામ કાવ્યોનો એક સંચય સાહિત્ય અકાદમીએ પ્રકાશિત કર્યો છે. કાશ્મીરી કવિતામાં, ક્રાંતિનો શંખ ફૂંકનાર ‘આઝાદ’ પ્રથમ આધુનિક કવિ હતા. તેમનું ‘કાશ્મીરી જબાન ઔર શાયરી’ એ ઉર્દૂમાં લખેલું પુસ્તક ત્રણ ભાગમાં પ્રકાશિત થયેલું છે.

ચન્દ્રકાન્ત મહેતા