અબૂ બક્ર (ઈ.સ. છઠ્ઠી સદી) : પહેલા ખલીફા. નામ અબ્દુલ્લાહ બિન ઉસ્માન બિન આમિર. અટક (કુન્યાત) અબૂ બક્ર. સિદ્દીક તેમજ અતીક એમના લકબ (ઉપનામ) હતા. એમના પિતાની કુન્યાત અબૂ કહાફા હતી. છઠ્ઠી પેઢીએ એમનો વંશ હઝરત મોહંમદ મુસ્તફા સાથે ભળી જાય છે. તેઓ એક ધનિક અને પ્રામાણિક વેપારી હતા. પુરુષોમાં સૌપ્રથમ એમણે જ ઇસ્લામ અંગીકાર કર્યો હતો. રસૂલે કરીમની સાથે એમણે મદીના મુનવ્વરા તરફ હિજરત કરી. રસ્તામાં સવ્ર નામની ગુફામાં આશ્રય લીધો હતો. મદીનામાં તેઓને હઝરતે હારિસા બિન ઝુહેરે પોતાના ભાઈ તરીકે સ્વીકાર્યા. ત્યાં પહેલી મસ્જિદ એમના જ ખર્ચે બંધાઈ હતી. એમની સુપુત્રી હઝરતે આયશાને હઝરતે મોહંમદ સાથે પરણાવી હતી. તેઓ પહેલા ખલીફા હતા. એમની ખિલાફતનો ગાળો સવા બે વર્ષ જેટલો છે.

ઝુબેર કુરેશી