અપૃષ્ઠવંશી

(Invertebrates)

કરોડસ્તંભ વિનાનાં પ્રાણીઓ. પ્રાણીજગતમાં અનેક પ્રકારનાં પ્રાણીઓ જોવા મળે છે. તેમનામાં રહેલાં સામ્ય અને ભેદને અનુસરીને પ્રાણીસમૂહોનું વર્ગીકરણ કરવામાં આવે છે. આવા બે મોટા સમૂહોને (1) અપૃષ્ઠવંશી અને (2) પૃષ્ઠવંશી તરીકે ઓળખવામાં આવે છે. અપૃષ્ઠવંશી પ્રાણીઓને પૃષ્ઠબાજુએ આધાર આપનાર કરોડસ્તંભ હોતો નથી, જ્યારે પૃષ્ઠવંશી પ્રાણીઓને કરોડસ્તંભ હોય છે.

આકૃતિ 1 : પ્રાણીઓના જુદા જુદા સમુદાયોના સંભવિત પારસ્પરિક સંબંધો

મેરુદંડી સમુદાયનાં પૃષ્ઠવંશી (અનુસમુદાય) સિવાયનાં બધાં પ્રાણીઓને અપૃષ્ઠવંશી સમૂહનાં ગણવામાં આવે છે.

(1) પ્રજીવ : આ સમુદાયનાં પ્રાણીઓ પૃથ્વી પર આશરે 90 કરોડ વર્ષો પૂર્વે ઉદ્ભવ પામ્યાં હશે તેવું માનવામાં આવે છે. પ્રજીવ પ્રાણીઓ એકલદોકલ કે સમૂહમાં ખારા કે મીઠા પાણીમાં મુક્ત કે પરજીવી (parasitic) તરીકે વસતાં જોવા મળે છે. પ્રજીવ પ્રાણીઓ એકકોષીય કે અકોષીય (acellular) સરળ રચના ધરાવતાં સૂક્ષ્મ પ્રાણીઓ છે. આ સમુદાયની ઘણી જાતિઓ છે, જેમાંની કેટલીક મનુષ્યના શરીરમાં નિવાસ કરે છે. તેઓની શરીરરચના સરળ હોવા છતાં મોટા પ્રાણીની જેમ તેઓ બધી દેહધાર્મિક ક્રિયાઓ કરતાં હોય છે. આ પ્રજીવ પૈકી કેટલાકના શરીરમાં એક કરતાં વધુ કોષકેન્દ્રો પણ જોવા મળે છે. આ પ્રાણીઓનાં કેટલાંક સામાન્ય લક્ષણો ટૂંકમાં નીચે પ્રમાણે છે :

(i) પ્રાણી એકકોષીય (unicellular) કે અકોષીય (acellular) સૂક્ષ્મ રચના ધરાવે છે.

(ii) પ્રાણીઓ મુક્તજીવી તરીકે ખારા કે મીઠા પાણીમાં કે ભેજવાળી માટીમાં જોવા મળે છે. પરોપજીવી તરીકે યજમાનના શરીરમાં વસે છે.

(iii) પ્રાણી પ્રાચલન માટે, શરીરમાં ખોટા પગ (pseudopodia), કશા (flagella), પક્ષ્મ (cilia) ધરાવે છે.

(iv) અન્નધાની(food-vacuole)માં ખોરાકનું પાચન થાય છે.

(v) શ્વસન વાયુપ્રસરણથી થાય છે.

(vi) મુખ્યત્વે મીઠાં જળાશયોમાં વસતાં પ્રજીવોના શરીરમાં રહેલી આકુંચક રસધાની (contractile vacuole) જલનિયમનનું કાર્ય કરે છે.

(vii) પ્રાણી અલિંગી પ્રજનન દ્વિભાજન (binary fission) કે બહુભાજન પદ્ધતિ દ્વારા અને લિંગી પ્રજનન આશ્લેષણ (conjugation) પદ્ધતિથી કરે છે.

પ્રાણીસૃષ્ટિનું વર્ગીકરણ

ક. પ્રાણીઓમાં ચેતાતંત્રનો અભાવ
અનુસૃષ્ટિ (Subkingdom) સમુદાય (Phylum)
(1) પ્રજીવ (Protozoa) (1) પ્રજીવ (Protozoa)

(2) છિદ્રકાય અથવા સછિદ્ર (Porifera)

(2) પરજીવ (Parazoa)
ખ. ચેતાતંત્ર વડે પ્રાણીઓમાં કાર્યોનું નિયમન
(3)    અનુજીવ (Metazoa) ખ. 1. દ્વિગર્ભસ્તરી (Diploblastica)
(3) કોષ્ઠાંત્રિ અથવા નિડેરિયા

(Coelenterata or Cnidaria)

(4) ટીનોફોરા (Tenophora)
ખ. 2. ત્રિગર્ભસ્તરી અદેહકોષ્ઠી

(Triploblastic acoelomates)

(5) પૃથકૃમિ (Platyhelminthes)
(6) રિંકોસીલા અથવા નેમર્ટિનિયા

(Rhynchocoela or Nemertinea)

(7) એંટોપ્રોક્ટા (Entoprocta)
(8) રોટિફેરા (Rotifera)
(9) ગૅસ્ટ્રોટ્રિકા (Gastrotricha)
(10) નેમાટોમોર્ફા (Nematomorpha)
(11) એકાંથોસેફાલા (Acanthocephala)
(12) સૂત્રકૃમિ (Nemathelminthes)
ખ. 3. ત્રિગર્ભસ્તરી દેહકોષ્ઠી
(Triploblastic Coelomates)
(13) નૂપુરક (Annelida)
(14) સંધિપાદ (Arthropoda)
(15) મૃદુકાય (મૃદુ શરીર) (Mollusca)
(16) ટાર્ડિગ્રાડા (Tardigrada)
(17) લિંગ્વાટ્યુલિડા (Linguatulida)
(18) એકિયુરિડા (Echiurida)
(19) એક્ટોપ્રોક્ટા (Ectoprocta)
(20) ફોરોનિડા (Phoronida)
(21) પ્રિયાપ્યુલિડા (Priapulida)
(22) બ્રેકિયોપોડા (Brachiopoda)
(23) સાઇપનક્યુલિડા (Sipunculida)
(24) કીટોનાથા (Chaetognatha)
(25) પોગોનોફોરા (Pogonophora)
(26) શૂળચર્મી (Echinodermata)
(27) સામિમેરુ (Hemichordata)
(28) મેરુદંડી (Chordata)
અનુસમુદાય (Subphylum)
28.1 પુચ્છમેરુ (Urochrodata)
28.2 શીર્ષમેરુ (Cephalochordata)
28.3 પૃષ્ઠવંશી (Vertebrata)

પ્રજીવ સમુદાયનાં પ્રાણીઓ નિશ્ચિત તેમજ અનિશ્ચિત આકાર ધરાવે છે. પ્રજીવના શરીરનો કોષરસ બે ભાગમાં વહેંચાયેલો હોય છે. બાહ્ય કોષરસ–જે પ્રમાણમાં ઘટ્ટ તેમજ સ્વચ્છ હોય છે, જ્યારે અંત:કોષરસ પ્રવાહી અને કણિકામય હોય છે. અમીબાનું પ્રાચલન ખોટા પગ વડે થાય છે, જેનું નિર્માણ જરૂરિયાત મુજબ શરીરમાંના કોષરસના વહનના પ્રવર્ધરૂપ થાય છે. જ્યારે જરૂરિયાત હોય ત્યારે તે ફરી શરીરમાં સમાઈ જાય છે. કશા અને પક્ષ્મ જેવાં પ્રચલનાંગો શરીર પર સહાય-અંગિકા (organelle) રૂપે જોવા મળે છે. આ પ્રચલન-અંગો પરથી જ પ્રજીવ સમુદાયનું વર્ગીકરણ કરવામાં આવેલું છે. અને આ સમુદાયમાં મૂલપાદ (ઉદા. અમીબા), કશાધારી (ઉદા. યુગ્લીના), પક્ષ્મધારી (ઉદા. પૅરામીશિયમ) અને બીજાણુજ (ઉદા. મેલેરિયાનો પ્રજીવ) એમ ચાર વર્ગો છે (આકૃતિ 2). બીજાણુમાં પ્રચલનાંગો હોતાં નથી.આ સમુદાયમાં સામાન્ય પ્રજીવનાં ઉદાહરણો અમીબા, પૅરામીશિયમ, યુગ્લીના, મેલેરિયાનાં જંતુ (plasmodium) વગેરે છે.

આકૃતિ 2 : પ્રજીવો

પ્રજીવ પ્રાણીઓમાંનાં કેટલાંક પોતાનો ખોરાક વનસ્પતિની જેમ જાતે તૈયાર કરી શકે છે, કારણ કે તેમાં હરિત દ્રવ્ય આવેલું હોય છે. બીજા પ્રજીવ અન્ય નાનાં જંતુઓ પર આધાર રાખે છે, તો કેટલાક પરોપજીવી છે. કેટલાક પ્રજીવોમાં પ્રકાશ-સંવેદના ગ્રહી શકાય તેવાં અક્ષબિંદુ (eyespot) આવેલાં છે (ઉદા. યુગ્લીના), જે પ્રાણીની ક્રિયાઓનું સંકલન કરવામાં ઉપયોગી નીવડે છે.

(2) છિદ્રકાય : આ સમુદાયનાં પ્રાણીઓ છિદ્રોવાળાં હોવાથી તેને છિદ્રકાય કે સછિદ્ર કહે છે. આ સમુદાયમાં વાદળી(sponge)-પ્રાણીનો સમાવેશ થાય છે. તેઓ મુખ્યત્વે સમુદ્રવાસી હોય છે. પણ કેટલીક વાદળીઓ મીઠાં પાણીમાં પણ મળી આવે છે. આ પ્રકારનાં પ્રાણીઓ સ્થાયી અને વિવિધ આકર્ષક રંગો ધરાવે છે. શરીર બહુકોષીય હોવા છતાં આ કોષો કોઈ ચોક્કસ પેશીઓ કે અંગતંત્ર રચતાં નથી. તેમનાં શરીર અરીય (ત્રિજ્યાસમ) સમરચના ધરાવે છે. મોટા ભાગનાં પ્રાણીઓ નિશ્ચિત આકારનાં હોય છે, પણ કેટલાંક અનિશ્ચિત આકાર પણ ધરાવે છે. દ્વિસ્તરીય શરીર-દીવાલમાં નાનાં છિદ્રો અને તેની સાથે સંકળાયેલી નલિકાઓ દ્વારા પાણીનો પ્રવાહ પસાર થઈ શકે છે. શરીર પર અગ્રભાગે આવેલા આસ્યક (osculum) નામના મોટા છિદ્રમાંથી પાણી શરીરની બહાર વહે છે. શરીરના કોષોને આધાર આપવા ચૂના અને સિલિકાની દૃઢાઓ (spicules) હોય છે અને કેટલાંક પ્રાણીઓમાં સ્પોન્જિનના રેસા પણ જોવામાં આવે છે.

શરીરમાંનો દરેક કોષ સ્વતંત્ર રીતે બધી જૈવિક ક્રિયાઓ કરે છે. અંત:સ્તરના નિવાપકોષો (collar cells) તથા મધ્યશ્લેષ(mesoglea)ના અમીબાકાર કોષો પ્રાણીના શરીર-દીવાલના સ્તરમાં આવેલાં છિદ્રોમાંથી પસાર થતા પાણીમાંના ખોરાકના કણોને ગ્રહણ કરી આંતરકોષીય પાચન કરે છે સાથે સાથે બધા કોષો પાણીના સંપર્કમાં આવતા હોવાથી પાણીમાંનો ઑક્સિજન ગ્રહણ કરે છે. ઉત્સર્ગ-દ્રવ્યો પાણીના પ્રવાહમાં ભળી જઈ આસ્યક દ્વારા બહાર ફેંકાય છે. પ્રાણીઓ લિંગી અને અલિંગી બંને પ્રકારે પ્રજનન કરે છે. ખાસ કરીને અલિંગી પ્રજનન બાહ્ય કલિકા દ્વારા થાય છે. વાદળીમાં પુનર્જનનશક્તિ (regeneration) પણ હોય છે. તે અલિંગી પ્રકારનું પ્રજનન છે. વાદળીઓમાં કોઈ ચોક્કસ પ્રકારના જનનપિંડો (gonads) હોતા નથી. પરંતુ માત્ર પ્રજનન ઋતુમાં તે આદિકોષો, શુક્રકોષો અને અંડકોષોનું નિર્માણ કરે છે. ફલિતાંડ(zygote)માંથી કેશયુક્ત ડિંભ ઉદભવે છે. આ સમુદાયનાં પ્રાણીઓ બહુકોષી હોવા છતાં તેમના શરીરમાં ચોક્કસ પ્રકારની પેશીય સંરચના બનતી નથી, તેથી તેઓ એકકોષીય અને પેશીય સંરચનાવાળાં પ્રાણીઓ વચ્ચેની કક્ષાનું પ્રતિનિધિત્વ ધરાવે છે. આ સમુદાયમાં સ્નાનવાદળી, સાયકોન, ગ્રૅન્શિયા, સ્પોન્જિલા વગેરે વાદળીઓનો સમાવેશ થાય છે.

આકૃતિ 3 : સછિદ્રો

(3) કોષ્ઠાંત્રી અથવા નિડેરિયા : પ્રાણીસૃષ્ટિમાં આ સમુદાયમાં પહેલી વાર આયોજિત શ્રમવિભાજન જોવામાં આવે છે. કોષ્ઠાંત્રીનો અર્થ જેનો દેહકોષ્ઠ અને અન્નમાર્ગ એક છે તેવાં પ્રાણીઓ એમ થાય છે. આ સમુદાયનાં પ્રાણીઓ એકાકી (solitary) કે વસાહતી (colonial) હોય છે. તે સામાન્ય રીતે શરીરના આધારબિંબ(disc)ની મદદ વડે ખડક અથવા બીજા કોઈ આધાર પર ચોંટી રહે છે અને સ્થાયી જીવન ગુજારે છે. મહદ્અંશે આ પ્રાણીઓ સમુદ્રવાસી હોય છે. બહુકોષીય શરીરમાં પેશીઓ અને પેશીઓના સંગઠનથી અંગો બને છે. શરીરસમરચના અરીય (ત્રિજ્યાસમ) પ્રકારની અને દ્વિગર્ભસ્તરી હોય છે. બે સ્તરની વચ્ચે કોષવિહીન મધ્યશ્લેષ હોય છે. આ પ્રકારના પ્રાણીની શરીરરચના નળાકાર, છત્રક કે ઉભય સ્વરૂપની હોય છે. શરીરમાં અંત:સ્તરથી આચ્છાદિત કોષ્ઠાંત્ર નામની પાચનગુહા હોય છે, જે દેહગુહા (coelom) તરીકે પણ કાર્ય કરે છે, જેથી તેને આંત્રપરિવાહક (entero-transport) ગુહા તરીકે પણ ઓળખવામાં આવે છે.

કોષ્ઠાંત્રના અગ્ર છેડે મુખ અને મુખની ફરતે સૂત્રાંગો આવેલાં છે. સૂત્રાંગોમાં ખાસ પ્રકારના હિપ્નોટૉક્સિન નામનું ઝેરી દ્રવ્ય ધરાવતા ડંખકોષો (cnidoblasts) આવેલા છે, જે અન્ય પ્રાણીને બેભાન કરવા અને પોતાનું રક્ષણ કરવા તેમજ ભક્ષણ મેળવવામાં સહાયરૂપ છે. સૂત્રાંગોનો ઉપયોગ કેટલાંક પ્રાણીઓ પ્રચલન માટે પણ કરે છે. પ્રાણીઓ પાણીમાં રહેતાં હોવાથી વાયુપ્રસરણ દ્વારા શ્વસન કરે છે. ઉત્સર્જિત પદાર્થને મુખ દ્વારા અથવા બાહ્યસ્તરની સપાટી દ્વારા બહાર ફેંકવામાં આવે છે. વિવિધ કાર્ય કરતાં અંગોનું સંકલન કરવા માટે તેમનામાં ચેતાતંત્ર આવેલું છે અને તેથી ઉદવિકાસની દૃષ્ટિએ પ્રજીવ અને સછિદ્ર સમુદાયનાં પ્રાણીઓ કરતાં આ કોષ્ઠાંત્રી પ્રાણીઓ ઉચ્ચ કક્ષાનાં છે. ચેતાકોષોના જોડાણથી બનતું પ્રાથમિક કક્ષાનું ચેતાતંત્ર આ સમુદાયનાં પ્રાણીઓ ધરાવે છે. પ્રજનન અલિંગી તેમજ લિંગી એમ બંને પ્રકારનું જોવા મળે છે. બાહ્યકલિકા પદ્ધતિ એ સામાન્ય અલિંગી પ્રજનનપદ્ધતિ છે, જ્યારે લિંગી પ્રજનનમાં શરીરસપાટી પર જનનપિંડો ઉત્પન્ન થાય છે. જનનકોષોના સંયોગથી બનેલા ફલિતાંડમાંથી ‘પ્લેન્યુલા’ ડિંભ ઉદભવે છે. પ્રાણીઓ એકલિંગી કે ઉભયલિંગી હોય છે. પ્રવાળ (પરવાળાં) આ સમુદાયનાં ધ્યાન ખેંચે તેવાં પ્રાણીઓ છે. તેમનાં શરીરના બાહ્યસ્તરના સ્રાવથી સમુદ્રમાં પ્રવાળના મોટા ખડકો પણ બને છે. આ સમુદાયનાં પ્રાણીઓને જલજીવક (hydrozoa), પુષ્પજીવક (anthozoa) અને છત્રક (scyphozoa) એમ ત્રણ વર્ગમાં વહેંચવામાં આવે છે. દા.ત., જળવ્યાળ, જેલીપ્રાણી, સમુદ્રફૂલ, પરવાળાં ઇત્યાદિ.

આકૃતિ 4 : કોષ્ઠાંત્રીઓ

(4) ટીનોફોરા : આ સમુદ્રનાં પ્રાણીઓ ઈંડાં કે દડા જેવાં દેખાય છે. તેમનાં શરીર પર કાંસકા જેવી તકતીઓ આઠ હારમાં ગોઠવાયેલી હોય છે. આ તકતીઓની મદદથી પ્રાણીઓ દરિયામાં પાણીમાં તરે છે. મોટેભાગે તેઓ પારદર્શક અને રંગવિહીન હોય છે, જોકે કેટલાંક પ્રાણીઓ ચળકતા રંગવાળાં હોય છે. સ્વયંપ્રકાશી (self-luminent) તરીકે તેઓ જાણીતાં છે. સૂક્ષ્મ પ્રાણીઓનું ભક્ષણ કરીને તેઓ જીવે છે. પાચનની શરૂઆત કંઠનળીમાં થાય છે. પચેલા ખોરાકને અન્નમાર્ગના પાચકકોષો સીધા જ ખોટાપગની મદદથી ખોરાકનું ગ્રહણ કરે છે. લિંગી પદ્ધતિ વડે બચ્ચાંને જન્મ આપવા ઉપરાંત પુનર્જનનથી પણ તેઓ નવાં બાળકો પેદા કરે છે.

(5) પૃથુકૃમિ : ચપટાં કૃમિઓના સમૂહને પૃથુકૃમિ સમુદાય નામ 1857માં આપવામાં આવ્યું હતું. આ સમુદાયનાં પ્રાણીઓ ત્રિગર્ભસ્તરી હોવા ઉપરાંત દ્વિપાર્શ્વ સમરચનાવાળાં હોય છે. મોટા ભાગનાં આ પ્રાણીઓ પરોપજીવી હોય છે અને તેઓ મનુષ્ય, ઢોર, ઘેટાં, બકરાં વગેરેનાં શરીરમાં રહે છે. જ્યારે થોડાં મુક્તજીવી હોય છે, જે મીઠા પાણીમાં, સમુદ્રમાં કે ભીની પોચી જમીન પર વસે છે. પરોપજીવી પૃથુકૃમિઓ શરીરના અગ્રભાગે આવેલાં શોષક (sucker) અને આંકડી (hooks) વડે યજમાનનાં આંતરડાંની દીવાલ સાથે ચોંટી રહે છે. આ સમુદાયનાં પ્રાણીઓનાં શરીરનું આયોજન વધુ જટિલ હોય છે. તેમાં શ્રમવિભાજન સ્પષ્ટ જોઈ શકાય છે. પ્રાણીઓમાં ચોક્કસ અગ્ર અને પશ્ચ બાજુ તેમજ પૃષ્ઠ અને વક્ષ બાજુ હોય છે. આ પ્રાણીઓમાં શરીર-દીવાલ અને અન્નમાર્ગ વચ્ચેની જગ્યા, મધ્યસ્તરીય, મૃદૂતક (parenchymatous) કોષોથી ભરેલી હોય છે. તેથી આ પ્રાણીઓ અદેહકોષ્ઠી (acoelomates) પણ કહેવાય છે.

આ પ્રાણીઓમાંનાં ઘણાં પરોપજીવી જીવન ગુજારતાં હોવાથી તેમનામાં પ્રચલનઅંગોનો અભાવ હોય છે. મુક્તજીવી પૃથુકૃમિઓ કેશતંતુઓની મદદથી પ્રાચલન કરે છે. સ્વતંત્રજીવી પ્રાણીઓ શરીરસપાટી દ્વારા જારક (aerobic) પદ્ધતિથી શ્વસન કરે છે, જ્યારે અંત:પરોપજીવીઓ અજારક (anaerobic) પદ્ધતિથી શ્વસન કરે છે. ઉત્સર્જન શરીરમાં જ્યોતકોષો (flame cells) દ્વારા થાય છે. તેમના શરીરમાં ચેતાસૂત્ર અને ચેતાકડીયુક્ત સાદું ચેતાતંત્ર હોય છે. સુવિકસિત પ્રજનનઅંગો ધરાવતાં આ ઉભયલિંગી પ્રાણીઓ છે. પરોપજીવીઓમાં સ્વફલન પણ થઈ શકે છે. કેટલાંક પરોપજીવીઓનો જીવનક્રમ બહુ જટિલ હોય છે અને તેમને બે યજમાનોમાંથી પસાર થવું પડે છે. સ્વજીવી પ્લેનેરિયા જેવાં પ્રાણીઓમાં પુનર્જનનશક્તિ હોય છે, જ્યારે અન્ય પ્રાણીઓ ઘણાં ડિંભ ઉત્પન્ન કરે છે. આ પ્રાણીઓને ત્રણ વર્ગોમાં વહેંચવામાં આવે છે : ચિપટપર્ણ (Turbellaria), વિદ્ધપત્રી (Trematoda) અને અનાંત્રી (Cestoda) એટલે કે આંતરડાં વગરનાં. યકૃતકૃમિ, પટ્ટીકૃમિ, પ્લેનેરિયા વગેરે આ સમુદાયનાં ઉદાહરણો છે.

આકૃતિ 5 : પૃથુકૃમિઓ

(6) રિંકોસીલા અથવા નેમર્ટિનિયા : દ્વિપાર્શ્વ સમરચના ધરાવતા આ અદેહકોષ્ઠી કૃમિઓ પટ્ટી જેવા આકારના હોય છે. તેમની સૂંઢ મુખગુહામાં છુપાયેલી હોય છે. પરંતુ ખોરાક ગ્રહણ કરતી વખતે તે ઊલટ ફરીને શરીરની બહાર આવે છે. પરિવહનતંત્રના ભાગ રૂપે તેઓ બે પાર્શ્વવાહિનીઓ ધરાવે છે. કેટલાકમાં ત્રીજી પૃષ્ઠવાહિની પણ હોય છે. ચેતાતંત્રમાં એક જોડ મસ્તિષ્ક ચેતાકંદ અને બે લાંબાં ચેતાસૂત્રોનું બનેલું હોય છે. મોટા ભાગનાં પ્રાણીઓ દરિયામાં વસે છે અને સામાન્યપણે પથ્થર જેવી વસ્તુઓની નીચે જોવા મળે છે. આ પ્રાણીઓની 550 જાતિઓ હોય છે.

(7) એંટોપ્રોક્ટા : આ સમુદાયનાં પ્રાણીઓ મોટેભાગે દરિયામાં વસે છે અને દરિયાઈ શેવાળ ઉપર વસાહત બનાવીને રહે છે. તેમનામાં અન્નમાર્ગ ‘U’ આકારનો હોય છે અને મુખ તેમજ મળદ્વારની ફરતે સૂત્રાંગો આવેલાં હોય છે. પ્રજનન અલિંગી કે લિંગી પ્રકારનું હોય છે. સમૂહમાં આવેલાં પ્રાણીઓ સૂત્ર જેવા ભૂસ્તરી(stolon)થી જોડાયેલાં હોય છે, જ્યારે એકલાં હોય તે ભૂસ્તરી વગરનાં હોય છે. પ્રત્યેક પ્રાણી મદ્યપાનમાં વપરાતા દાંડીવાળા પ્યાલા જેવા આકારનું દેખાય છે. આ સમુદાયમાં આશરે 125 જેટલી જાતિઓ ઉપલબ્ધ છે.

(8) રોટિફેરા : તેઓ સ્વતંત્રજીવી સૂક્ષ્મ પ્રાણીઓ તરીકે જળાશયોમાં જોવા મળે છે. અગ્રભાગમાં તે કેશતંતુઓથી ઢંકાયેલું કોરોના (corona) તરીકે ઓળખાતું અંગ ધરાવે છે. અને તે ચક્રની જેમ ફરે છે. આ પ્રાણીની દ્વિપાર્શ્વ સમરચના હોય છે. તેમનામાં પાચન, ઉત્સર્જન, ચેતા તેમજ પ્રજનનાંગો સારી રીતે વિકાસ પામેલાં હોય છે, પરંતુ શ્વસન તેમજ પરિવહનનાં અંગો હોતાં નથી.

(9) ગૅસ્ટ્રોટ્રિકા : આ જલવાસી સૂક્ષ્મ પ્રાણીઓ કેશતંતુઓની મદદથી પ્રચલન કરે છે. તેઓની બાહ્યત્વચા (cuticle) તકતી, ભીંગડાં કે શૂળ જેવા આકારની હોય છે. મુખ્યત્વે શેવાળ તેમજ પ્રજીવોના સાન્નિધ્યમાં આ પ્રાણીઓ જોવા મળે છે.

આકૃતિ 6 : ગૌણ સમુદાયનાં અદેહકોષ્ઠી પ્રાણીઓ

(10) નેમાટોમૉર્ફા : કેશકૃમિ તરીકે ઓળખાતાં આ પ્રાણીઓની તુલના સૂત્રકૃમિઓ સાથે કરી શકાય. ડિંભાવસ્થામાં તેઓ સંધિપાદોના પરોપજીવી તરીકે વાસ કરે છે, જ્યારે પુખ્તાવસ્થામાં મુક્તજીવી જલવાસી તરીકે જીવન ગુજારે છે. આ પ્રાણીઓ દુનિયામાં સર્વત્ર પ્રસરેલાં છે. તેની દોઢ મીટર જેટલી લંબાઈ હોય છે. કદમાં માદા પ્રાણીઓ નર કરતાં સહેજ વધુ લાંબાં હોય છે. રંગે તેઓ સહેજ પીળાં, તપકીરી રંગનાં કે કાળાં હોય છે. તેમની શરીર-દીવાલ ત્રણ સ્તરોની બનેલી હોય છે : (i) બહારની બાજુએ તંતુમય બાહ્યત્વચા આવરણ હોય છે, (ii) વચ્ચેનો ભાગ એક સ્તરમાં ગોઠવાયેલા અધિચર્મીય કોષોનો બનેલો હોય છે, (iii) સૌથી અંદરના સ્તરમાં ઊભા વિસ્તરેલા સ્નાયુતંતુઓ આવેલા હોય છે. તેની આશરે 225 જેટલી જાતિઓ દુનિયામાં વસે છે.

(11) એકાંથોસેફાલા : આ કૃમિઓ પરોપજીવી તરીકે પૃષ્ઠવંશીઓના અન્નમાર્ગમાં વાસ કરે છે. તેઓ સામાન્યપણે શૂળશીર્ષકૃમિ (spiny head worms) તરીકે ઓળખાય છે. માછલીઓના શરીરની અંદર આ કૃમિઓ સવિશેષ જોવા મળે છે. તેમની લંબાઈ 1 મિમી.થી 40 સેમી. જેટલી હોઈ શકે છે. આ કૃમિના શરીરને ત્રણ ભાગોમાં વહેંચી શકાય : (i) આંકડી અને/અથવા શૂળવાળી સૂંઢ, (ii) સાદી ગ્રીવા અને (iii) ધડ. સૂંઢ વડે તે યજમાનને ચીટકી રહે છે. આ પ્રાણીઓમાં પાચનતંત્રનો સંપૂર્ણ અભાવ હોય છે. નરમાં શુક્રપિંડોની એક જોડ તેમજ સિમેંટ ગ્રંથિઓ આવેલી હોય છે. માદામાં અંડપિંડ માત્ર વિકાસની શરૂઆતમાં જોવા મળે છે. ત્યારબાદ ટુકડા થઈને ઈંડાના દડાની જેમ મુક્તપણે ખોટી દેહગુહામાં તરતા હોય છે. સૂંઢમાં એક મુખ્ય ચેતાકંદ આવેલો હોય છે. તેના પરથી બે ચેતાસૂત્રો નીકળે છે, જે ધડની દીવાલનું ચેતાકરણ (innervation) કરે છે. મોટા ભાગનાં પ્રાણીઓમાં ઉત્સર્ગતંત્રનો અભાવ હોય છે.

(12) સૂત્રકૃમિ : આ સમુદાયનાં પ્રાણીઓ નળાકાર, લાંબી અથવા તંતુમય શરીરરચના ધરાવે છે, માટે તેને સૂત્રકૃમિ તરીકે ઓળખવામાં આવે છે. સૂત્રકૃમિઓનું નિવાસસ્થાન, ભીની પોચી કાદવવાળી જમીનમાં કે વનસ્પતિ તેમજ પ્રાણીઓનાં શરીરમાં પરોપજીવી તરીકે આવેલું હોય છે. પ્રાણીઓ ત્રિગર્ભસ્તરીય, દ્વિપાર્શ્વ સમરચનાવાળાં હોય છે. શરીર ખંડવિહીન અને બંને છેડે અણીદાર હોય છે. શરીર પર બાહ્યત્વચાનું જાડું આવરણ આવેલું હોય છે. અન્નમાર્ગની આસપાસ રસધાનીયુક્ત કોષો કે પ્રવાહી ભરેલું હોય છે. શરીરમાં પ્રચલનપ્રાણી શરીર-દીવાલના સ્નાયુઓના સંકોચનથી હલનચલન કરવા શક્તિમાન થાય છે. પરોપજીવી તરીકે તે યજમાનના શરીરનો પ્રવાહી ખોરાક લે છે. શ્વસન સંપૂર્ણપણે અજારક પ્રકારનું હોય છે. ઉત્સર્જન ઉત્સર્ગનલિકાઓની મદદથી થાય છે. રુધિરાભિસરણ તંત્રનો તદ્દન અભાવ હોય છે. જીવક્રિયાઓના સંકલન માટે શરીરના અગ્રભાગે અન્નનળીની આસપાસ ચેતાકડી હોય છે, જે ચેતાસૂત્રો ધરાવે છે. પ્રાણીઓ લિંગી પ્રજનન કરે છે. નર અને માદા જુદાં જુદાં હોય છે. નર કરતાં માદા પ્રાણી મોટું હોય છે. પ્રજનનતંત્ર સુવિકસિત અને નલિકાસ્વરૂપે હોય છે. હજારોની સંખ્યામાં તેઓ ફલિતાંડોનું નિર્માણ કરે છે, તેમનું જીવનચક્ર જટિલ હોય છે અને તેમનામાં પુનર્જનનશક્તિ પણ હોય છે.

આ પ્રાણીઓ પરોપજીવી હોઈ યજમાનના તૈયાર ખોરાકનો ઉપયોગ કરે છે, જેથી યજમાનને રક્તક્ષીણતા તથા પેટમાં દુખાવો જેવી ફરિયાદો રહે છે. આ પ્રાણીઓનું યજમાનમાં પ્રસરણ ડિંભ મારફતે પાણી તેમજ ખોરાક દ્વારા થાય છે. આ સમુદાયનાં સામાન્ય પ્રાણીઓ–કરમિયાં, કરમ, વાળો, હાથીપગો, કૃમિ વગેરે છે.

આકૃતિ 7 : સૂત્રકૃમિઓ

(13) નૂપુરક અથવા વલયકૃમિ : આ સમુદાયનાં પ્રાણીઓમાં સાચી શરીરગુહા જોવામાં આવે છે. પ્રાણીઓ પાણીમાં, સમુદ્રમાં, ભીની પોચી જમીનમાં મુક્તજીવી અથવા બાહ્ય પરોપજીવી તરીકે જીવન ગુજારે છે. તેઓ ત્રિગર્ભસ્તરી દ્વિપાર્શ્વ સમરચના ધરાવનારાં પ્રાણીઓ છે. તેમનું શરીર નળાકાર કે સહેજ ચપટું અને લાંબા કીડા જેવું હોય છે. શરીરની બહારની બાજુએ આંતરખંડીય ખાંચો સ્પષ્ટ દેખાય છે. પ્રાણીનું શરીર આંતરખંડીય વિટપો (septa) દ્વારા અનેક ખંડોમાં વહેંચાયેલું હોય છે. મહદ્અંશે આ ખંડોમાં અંગોનાં પ્રકાર, સંખ્યા અને ગોઠવણીની દૃષ્ટિએ સમાનતા જોવા મળે છે, તેથી તેને સમખંડતા (metamerism) કહે છે. આ, પ્રાણીઓમાં પ્રચલન માટે શરીર-દીવાલમાં વજ્રકેશો (setae) અને અભિચરણો(parapodia)ની રચના કરે છે. (ઉદા. અળસિયું અને રેતીકીડો).

આકૃતિ 8 : નૂપુરક સમુદાય

આ સમુદાયનાં પ્રાણીઓમાં અન્નમાર્ગ સંપૂર્ણ અને સુવિકસિત હોય છે. પ્રાણીશરીરમાં સાચી દેહગુહાના ઉદભવ સાથે અભિસરણતંત્ર પ્રથમ વાર જોવામાં આવે છે. શ્વસનરંજક તરીકે હીમોગ્લોબિન રુધિરરસમાં ઓગળેલું હોય છે. પ્રાણીઓમાં ઉત્સર્જન ગૂંચળાકાર અને કોષાંતરીય નલિકા ધરાવતી ઉત્સર્ગિકા દ્વારા થાય છે. શરીરનાં અંગોના સંકલન માટે સુવિકસિત ચેતાતંત્ર હોય છે, જે ચેતાકડી તથા ચેતાકંદમય ચેતાસૂત્રથી બનેલું હોય છે. પ્રાણીઓ એકલિંગી કે ઉભયલિંગી હોય છે અને પરફલન દ્વારા લિંગી પ્રજનન કરે છે. ફલિતાંડ કેટલીક જાતિઓમાં ડિંભમાં રૂપાંતર પામ્યા બાદ પુખ્ત પ્રાણી તરીકે ઉદભવે છે. આ પ્રાણીઓમાં શરીર અને અંગો પુનર્જનનશક્તિ ધરાવે છે, જે પદ્ધતિથી અલિંગી પ્રકારનું પ્રજનન થાય છે. કેટલાંક પ્રાણીમાં શરીર પર કલિકા (ઉદા. સાયલીસ) ઉત્પન્ન થાય છે, જે માતૃશરીરથી છૂટી પડી પુનર્જનનશક્તિથી નવા ખૂટતા ભાગો ઉત્પન્ન કરી પુખ્ત પ્રાણીમાં રૂપાંતરિત થાય છે. આ સમુદાયનાં પ્રાણીઓના ત્રણ વર્ગ છે : અલ્પલોમી (oligochaeta), બહુલોમી (polychaeta) અને જલૌકા (hirudinea), જેનાં ઉદાહરણ અનુક્રમે અળસિયું, રેતીકીડો અને જળો છે.

(14) સંધિપાદ : પ્રાણીસૃષ્ટિનો આ સૌથી મોટો સમુદાય છે. કુલ સંખ્યાનાં 80 % પ્રાણીઓ આ સમુદાયમાં આવે છે. આ પ્રકારનાં પ્રાણીઓ સાંધાવાળાં ઉપાંગો ધરાવે છે તેથી તે સંધિપાદ કહેવાય છે. જીવનની શક્યતા હોય તેવી કોઈ પણ જગ્યાએ આ સમુદાયનાં પ્રાણીઓ નજરે પડે છે. તેઓ જમીનમાં, જમીન ઉપર, મીઠા પાણીમાં, ખારા પાણીમાં–સમુદ્રમાં કોઈ પણ ઊંડાઈએ, ઉષ્ણ કટિબંધ તેમજ શીત કટિબંધ પ્રદેશોમાં અને હવામાં વસવાટ કરે છે. તેમાંનાં કેટલાંક પ્રાણીઓ (જેવાં કે મધમાખી, કીડી, ઊધઈ વગેરે કીટકો) સમૂહજીવનનાં આદર્શ ઉદાહરણો પૂરાં પાડે છે. તેમના સામાજિક જીવનમાં શ્રમવિભાજનની પ્રથાને આશ્ચર્યચકિત કરી નાખે તેવી હોય છે. આ સમુદાયનાં સામાન્ય પ્રાણીઓ આદિસંધિપાદ (ઉદા. પેરિપેટસ); સ્તરકવચી (ઉદા. કરચલાં, જિંગા); કીટક (ઉદા. પતંગિયાં, માખી, વંદો વગરે) અને અષ્ટપાદ (ઉદા. કરોળિયા, વીંછી ઇત્યાદિ) છે.

આ પ્રાણીઓ દ્વિપાર્શ્વ સમરચનાવાળાં, ત્રિગર્ભસ્તરી તથા ખંડયુક્ત દેહવાળાં હોય છે. શરીરમાંની ગુહાનો મોટો ભાગ રુધિરથી ભરેલો હોય છે, માટે દેહગુહાને રુધિરગુહા પણ ગણે છે. રુધિરમાં હીમોગ્લોબિન અથવા હીમોસાયનિન નામનાં રક્તરંજકો ભળેલાં હોય છે. આ સમુદાયમાં પ્રાણીના શરીરની ફરતે કાઇટિનનું બનેલું બહિર્કંકાલ હોય છે. પ્રાણીનું શરીર શીર્ષ, ઉરસ્ તથા ઉદર એમ ત્રણ વિભાગમાં સ્પષ્ટપણે વહેંચાયેલું હોય છે. કેટલાંક પ્રાણીઓમાં શીર્ષ તથા ઉરસ્ જોડાઈને શિરોરસ્ અને કેટલાંકમાં ઉરસ્ અને ઉદર જોડાઈને ઉરોદર બનાવે છે. શીર્ષ પર એક અથવા બે જોડ સ્પર્શકો, એક જોડ સંયુક્ત આંખ તથા મુખમાં મજબૂત જડબાં હોય છે. અલગ અલગ રહેઠાણને અનુરૂપ શ્વસનક્રિયા માટે ઝાલરો, શ્વસનનલિકાઓ કે ફેફસાંપોથી જેવાં શ્વસનઅંગો આ પ્રાણીઓ ધરાવે છે. ડિંભ અવસ્થામાં તેમજ કેટલાંક પુખ્ત પ્રાણીઓ પણ ત્વચા દ્વારા શ્વસન કરે છે. આ સમુદાયનાં પ્રાણીઓ એકલિંગી હોય છે. અંડનું ફલન ઘણે ભાગે આંતરિક પ્રકારનું હોય છે. અમુક પ્રાણીઓ અંત:ગર્ભવિકાસક હોવાથી તે અપત્યપ્રસવી (viviparous) હોય છે અને જીવતા બચ્ચાને જન્મ આપે છે. જ્યારે અન્ય પ્રાણીઓ પાણીમાં કે  જમીન પર ઈંડાં મૂકે છે. ઈંડાંમાંથી ઇયળ, ડિંભ અને કોષિતની અવસ્થા પસાર કરી રૂપાંતર દ્વારા પુખ્ત અવસ્થાએ તે પહોંચે છે. સંધિપાદ પ્રાણીઓ વખતોવખત નિર્મોચનની ક્રિયા કરી પોતાનો શરીરવિકાસ સાધે છે. (જૂના બહિષ્કંકાલનો ત્યાગ કરી નવું બહિષ્કંકાલ ઉત્પન્ન કરવાની ક્રિયાને નિર્મોચન કહે છે.) શરીર-દીવાલ પર સ્નાયુસ્તર હોતું નથી. રુધિરાભિસરણ તંત્ર ખુલ્લા પ્રકારનું હોય છે. પ્રાણીઓ ઉત્સર્જન માટે હરિતપિંડ અને માલ્પિઘિયન નલિકા જેવાં અંગો ધરાવે છે. આ પ્રાણીઓમાં બધાં જ તંત્રોનો વિકાસ થયો છે. ચેતાતંત્ર સુવિકસિત હોય છે અને તે ચેતાકંદમય, બેવડાં ચેતાસૂત્રોનું બનેલું હોય છે. આ ચેતાકંદો શીર્ષપ્રદેશમાં પૃષ્ઠ બાજુએ મગજની રચના કરે છે. ચેતાતંત્રનો બાકીનો ભાગ અન્નમાર્ગની વક્ષ બાજુએ મધ્યરેખામાં હોય છે. આ સમુદાયમાં આર્થિક અગત્ય ધરાવતા કીટકોનો પણ સમાવેશ થાય છે. અને સાથે સાથે માનવીને હાનિકારક કીટકો તેમજ ઝેરી અષ્ટપાદો (જેવાં કે વીંછી વગેરે) પણ આમાં સમાયેલાં છે. આ સમુદાયના પાંચ વર્ગો છે : આદિસંધિપાદ (onychophora), સ્તરકવચી (crustacea), બહુપાદ (myriapoda), ષટ્પાદ અથવા કીટકો (insecta), અષ્ટપાદ (arachnida), જેનાં ઉદાહરણો અનુક્રમે પેરિપેટસ, કરચલાં, કાનખજૂરા, વંદો અને વીંછી છે.

આકૃતિ 9 : સંધિપાદ સમુદાય

(15) મૃદુકાય (મૃદુ શરીર) : આ સમુદાયનાં પ્રાણીઓ માંસલ અને કોમળ શરીરરચના ધરાવે છે. ઘણાંખરાંનાં શરીર પર કઠણ કવચ હોય છે. મૃદુકાય પ્રાણીઓ ભીની જમીન પર, મીઠા પાણીમાં કે સમુદ્રમાં મુક્ત કે સ્થાયી સ્થિતિમાં વસતાં જોવા મળે છે. તેમનાં શરીર ખંડવિહીન અને ઉપાંગવિહીન હોય છે. શરીરરચના દ્વિપાર્શ્ર્વીય સમરચના ધરાવે છે, પણ તેમના ગર્ભવિકાસ દરમિયાન વલયનની પ્રક્રિયા (torsion) થતાં પુખ્ત પ્રાણી દ્વિપાર્શ્વીય સમરચના ગુમાવે છે. આ ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓના શરીરના ચાર ભાગ હોય છે : શીર્ષ, મૃદુપગ, પ્રાવાર (mantle) અને અંત:સ્થ અંગો. મોટેભાગે તેઓ શરીર-રક્ષણાર્થે બાહ્ય કે અંત:કવચ ધરાવે છે. શરીર-દીવાલ પર બહારની બાજુએ આવેલી માંસલ ગડી (fold) તે પ્રાવાર નામનું મૃદુ આવરણ છે. આને પરિણામે આકાર પામેલી ગુહાને પ્રાવારગુહા કહેવામાં આવે છે. તેમાં ઝાલર, મળાશય અને જનનનલિકા આવેલાં હોય છે. અમુક પ્રાણીઓમાં પ્રાવાર શ્વસનાંગો તરીકે પણ કાર્ય કરે છે. પ્રાવારની શરીર-દીવાલમાંથી CaCO3, કોન્ચિન, કોન્ચિઓલીન વગેરે પદાર્થોનો સ્રાવ થઈને બાહ્ય કવચ કે અંત:કવચ બને છે. પ્રચલન માટે આ પ્રાણીઓ માંસલ મૃદુપગ ધરાવે છે. અલગ અલગ આકારના મૃદુપગો આ સમુદાયનાં પ્રાણીઓમાં જોવા મળે છે. કેટલાંક પ્રાણીઓમાં આ મૃદુપગનું રૂપાંતર સૂત્રાંગોમાં થાય છે. અન્નમાર્ગ સુવિકસિત અને ગૂંચળાંવાળો હોય છે. મુખમાં રેત્રિકા (radula) નામની દંતપટ્ટી આવેલી હોય છે, જેના વડે પ્રાણી ખોરાકનો ઘસીને બારીક ભૂકો કરી શકે છે. પાણીમાં રહેનારાં મૃદુકાય પ્રાણીઓ ફક્ત ઝાલર દ્વારા અને જમીન ઉપર વસનારાં પ્રાવારગુહાથી બનેલાં ફેફસાં દ્વારા શ્વસનકાર્ય કરે છે. શરીરગુહાને રુધિરગુહા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનું અભિસરણતંત્ર ખુલ્લું હોય છે. હીમોસાયનિન નામનો શ્વસનરંજક રુધિરરસમાં ભળેલો હોય છે. ઉત્સર્જન માટે કોથળી આકારના મૂત્રપિંડો જેવી રચના ધરાવતાં અંગો હોય છે. શીર્ષપ્રદેશમાં સુવિકસિત ચેતાકંદો આવેલા છે. અને આ ચેતાકંદો એકબીજા સાથે જોડાઈ જઈને વલય આકાર બનાવે છે, જે અન્નમાર્ગની આસપાસ વીંટળાયેલા રહે છે, તેમજ શરીરમાં મધ્યસ્થ ચેતાતંત્ર પણ હોય છે, જે ચેતાકંદ અને ચેતાસૂત્ર રૂપે જોવા મળે છે. આ પ્રાણીઓ વધુમાં સ્થિતકોષ્ઠ જેવાં સંવેદી અંગો પણ ધરાવે છે, જે પ્રાણીને પોતાનું સમતુલન જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. તેઓ એકલિંગી તેમજ ઉભયલિંગી પ્રાણીઓ રૂપાંતરણ (metamorphosis) દ્વારા વિકાસ પામીને પુખ્ત પ્રાણી તરીકે પણ ઉદભવે છે. આ ક્રમ દરમિયાન તેઓ ડિંભ અવસ્થામાંથી પસાર થાય છે. આ સમુદાયનાં પ્રાણીઓ તેમના ગુણધર્મો મુજબ દ્વિચેતા (amphineura), પરશુપાદ (bivalvia), ઉદરપાદ (gastropoda), નૌકાપાદ (scaphopoda), શીર્ષપાદ (cephalopoda) જેવા વર્ગોમાં વહેંચાયેલાં છે, જેનાં ઉદાહરણો અનુક્રમો કાઇટૉન, છીપ, સેપિયા, શંખ, ડેન્ટેલિયમ, અષ્ટકવચ, મોતીની છીપ, શંખ, કોડી, ગોકળગાય, અષ્ટસૂત્રાંગી વગેરે છે. આ પ્રાણીઓની તેમજ તેમના કવચની આર્થિક અગત્ય ઘણી છે.

(16) ટાર્ડિગ્રાડા : આ પ્રાણીઓ કદમાં અતિસૂક્ષ્મ એટલે કે 50 માઇક્રૉનથી 1 મિલિમીટર જેટલી લંબાઈનાં હોય છે. તેમનું શરીર ચાર સમખંડોમાં વહેંચાયેલું હોય છે અને પ્રત્યેક પર ક્યુટિકલની બનેલી નહોરની એક જોડ આવેલી હોય છે. મુખગુહામાં તીક્ષ્ણ શૂળ આવેલાં હોય છે જેની મદદથી તે વનસ્પતિના કોષોને ભોંકી તેમાંથી રસ ચૂસે છે. તે પ્રતિકૂલ સંજોગોમાં નિષ્ક્રિય અવસ્થામાં જીવી શકે છે. આ કૃમિઓ સામાન્યપણે ભેજવાળી જગ્યામાં જોવા મળે છે. એકલિંગી હોય છે. પ્રજનન અંત:ફલનથી થાય છે. તેમાંનાં ઘણાંખરાં શેવાળ પર જીવે છે.

(17) લિંગ્વાટ્યુલિડા : આ કૃમિઓનું શરીર કાઇટિનની બનેલી બાહ્યત્વચાથી છવાયેલું હોય છે. મોટેભાગે તેઓ સરીસૃપો, પક્ષીઓ તેમજ સસ્તનોનાં ફેફસાં તેમજ શ્વસનમાર્ગોમાં વસે છે. તેઓમાં શ્વસનાંગો, અભિસરણતંત્ર તેમજ ઉત્સર્જનતંત્ર હોતાં નથી. દેખાવમાં સમખંડિત કૃમિ જેવા હોય છે.

આકૃતિ 10 : મૃદુકાય સમુદાય

(18) એકિયુરિડા : દરિયામાં રહેતાં આ પ્રાણીઓ નૂપુરકો જેવાં દેખાય છે. પુખ્તાવસ્થામાં તેમની સમખંડિતતા લોપ પામે છે. ઉત્સર્જન તેમજ પરિવહનાંગો આદિ નૂપુરકોનાં તંત્રોના જેવાં હોય છે. મધ્યસ્થ ચેતાતંત્ર બહુ સાદું હોય છે. લાંબી બની શકે તેવી ખાંચાવાળી સૂંઢ તે આ પ્રાણીઓની લાક્ષણિકતા છે. આ સૂંઢ નૂપુરકોના અગ્રમુખના છાજલી જેવા ભાગને મળતી આવે છે અને ખાંચામાં વળે છે. તે કેશતંતુથી ભરેલી હોવાથી ખોરાક પકડવામાં મદદરૂપ બને છે. બોનેલિયા જાતનાં આ સમૂહનાં પ્રાણીઓ જામનગર પાસે આવેલા પિરોટન દ્વીપમાં સવિશેષ જોવા મળે છે.

(19) એક્ટોપ્રોક્ટા : દેહકોષ્ઠ ધરાવતાં સૂક્ષ્મ કદનાં આ પ્રાણીઓ મીઠા પાણીમાં કે દરિયામાં વસાહતી તરીકે, પોતે સ્રાવ કરેલો ઝૂશિયમ (zoocium) રસ ઠરી જતાં બનેલાં બાહ્યકંકાલના ખોખામાં રહે છે. આ વસાહતો દેખાવમાં શેવાળની નાની ચટાઈ જેવી હોય છે. તેમનાં કેશતંતુમય સૂત્રાંગો ચાંદ જેવા આકારમાં ગોઠવાયેલાં હોય છે, જે તેમને ખોરાક લેવામાં મદદરૂપ બને છે. ફેલાયેલાં સૂત્રાંગો ખોરાક ગ્રહણ કરીને આકુંચનથી તેને મુખ તરફ ખેંચે છે. અન્નમાર્ગ ‘U’ આકારનો હોય છે. ચેતાતંત્ર શરીર-દીવાલ પર જાલિકા રૂપે પ્રસરેલો હોય છે. એક મુખ્ય ચેતાકંદ મુખ અને મળદ્વાર વચ્ચે આવેલું હોય છે. આ કૃમિઓમાં પરિવહનતંત્ર, શ્વસનતંત્ર અને ઉત્સર્જનતંત્ર હોતાં નથી. મોટેભાગે ઉભયલિંગી હોય છે. આ પ્રાણીઓની આશરે 4,000 જેટલી જાતિઓ દુનિયામાં વસે છે.

(20) ફોરોનિડા : આ પ્રાણીઓ કૃમિ જેવાં દેખાય છે. આશરે 15 જેટલી જાતિનાં ફોરોનિડા દરિયાકિનારે મુખ્યત્વે કાદવ હોય તેવી જગ્યાએ પોતાના સ્રાવથી નિર્માણ કરેલ નળાકાર ઘરમાં વસે છે. આ વસાહત ક્યુટિકલની હોઈ રેતી તેમજ છીપલાંથી આવરેલી હોય છે. ચંદ્રાકારમાં ગોઠવાયેલાં આ પ્રાણીઓનાં સૂત્રાંગો પાણીમાં પ્રસરીને ફૂલ જેવાં દેખાય છે. આછો સ્પર્શ થાય કે તરત જ ત્વરિત ગતિએ તે ઘરમાં સરી જાય છે. નળાકાર આંતરડું ‘U’ આકારનું હોય છે અને મળદ્વાર માથા પાસે આવેલું હોય છે. મળદ્વારની પાસે ઉત્સર્ગિકાઓની એક જોડ હોય છે. પરિવહનતંત્ર બે મુખ્ય લંબવાહિનીઓનું બનેલું હોય છે અને તેમાં હીમોગ્લોબિનયુક્ત રક્તકણો આવેલા હોય છે. ચેતાતંત્ર જાલિકા રૂપે આવેલું હોય છે. સૂત્રાંગોના તલસ્થ પ્રદેશની ફરતે એક મોટી ચેતાકંટયુક્ત મુદ્રિકા આવેલી હોય છે. પ્રાણીઓ એકલિંગી કે ઉભયલિંગી હોય છે. ગુજરાતના કચ્છના અખાતના દરિયાકિનારે ફોરોનિસ જાતિનાં પ્રાણીઓ જોવા મળે છે.

આકૃતિ 11 : કેટલાંક દેહકોષ્ઠી ગૌણ સમુદાયનાં પ્રાણીઓ

(21) પ્રિયાપ્યુલિડા : આ સમુદાયનાં માત્ર 5 જાતિનાં પ્રાણીઓની માહિતી આજે ઉપલબ્ધ છે. તે દરિયામાં રહે છે. તેઓની શરીરગુહા કોષવિહીન સ્તરથી છવાયેલી હોય છે. અન્નમાર્ગ સીધી નળી જેવો હોય છે અને નીચેના છેડે ખૂલે છે. કેટલાક વિજ્ઞાનીઓ તેમને અદેહકોષ્ઠી પ્રાણીઓ તરીકે ગણે છે.

(22) બ્રેકિયોપોડા : તેઓ દેખાવમાં મૃદુ શરીર સમુદાયનાં છીપલાં જેવાં હોય છે, પરંતુ તેમનાં કવચો શરીરના મૃદુ ભાગો સાથે પૃષ્ઠ અને વક્ષબાજુએથી જોડાયેલાં હોય છે. છીપલામાં આ જોડાણ પાર્શ્વ બાજુએથી થયેલું હોય છે. ચંદ્રાકારમાં ગોઠવાયેલાં સૂત્રાંગોની મદદથી આ પ્રાણીઓ ખોરાક ગ્રહણ કરે છે. સૂત્રાંગો વચ્ચે મુખ આવેલું હોય છે, મુખ અન્નનળીમાં ખૂલે છે. ત્યારપછી આવેલું જઠર એક જોડ અથવા વધારે અંધાંત્રો (diverticulae) બનાવે છે. આંતરડાનો છેડો બંધ હોય છે, અથવા તો મળદ્વાર રૂપે ખોરાક-ગ્રહણગુહામાં ખૂલે છે. પરિવહનતંત્ર ખુલ્લા પ્રકારનું હોય છે. અન્નમાર્ગની ઉપર મધ્યપૃષ્ઠવાહિની આવેલી હોય છે. મોટેભાગે આ પ્રાણીઓ એકલિંગી હોય છે. આ સમૂહનાં લિંગ્યુલા (Lingula) નામથી ઓળખાતાં પ્રાણીઓ કચ્છના અખાતના દરિયાકિનારે કાદવમાં જોવા મળે છે.

(23) સાઇપનક્યુલિડા : દરિયાકિનારે કાદવમાં ખૂંપીને રહેતાં આ પ્રાણીઓ પુખ્તાવસ્થામાં સમખંડતા ગુમાવે છે. શરીરગુહા પહોળી અને અખંડ હોય છે. શરીર પર વજ્રકેશો હોતા નથી અને અગ્રમુખ(prostomium)નો અભાવ હોય છે. અન્નમાર્ગ ‘U’ આકારનો હોય છે. આ સમૂહનાં પ્રાણીઓ લગભગ 300 જાતિમાં વહેંચાયેલાં છે. સામાન્યપણે તેઓ દરિયાકિનારે આવેલા કાદવમાં મળી આવે છે. સાઇપનક્યુલસ (sipunculus) જાતિનાં ઘણાં પ્રાણીઓ ભારતના દરિયાકિનારે વસે છે.

(24) કીટોનાથા : સમુદાયનાં આ સૂક્ષ્મ પ્રાણીઓ પ્લૅન્કટન (plankton) તરીકે દરિયાનાં પાણીમાં તરતાં હોય છે. તેઓ સર્વત્ર વસેલાં હોય છે. બાણ જેવા આકારનાં હોવાથી તેઓ બાણકૃમિ (arrow-worms) તરીકે જાણીતાં છે. મોટાભાગના બાણકૃમિઓ સેજિટા (sagitta) પ્રજાતિનાં હોય છે. શરીર અસમખંડિત હોય છે અને પાર્શ્વ સમરચના ધરાવે  છે. મુખની ફરતે ખોરાક-ગ્રહણ માટેની શૂળો આવેલી હોય છે. જેની મદદથી અન્ય સૂક્ષ્મજીવોને પકડીને તે ભક્ષણ કરે છે. તેની બંને બાજુએ પાંખો આવેલી હોય છે. શીર્ષ પ્રદેશમાં ચેતાકંદોની એક જોડ હોય છે, જે આંખોનું ચેતાકરણ કરે છે. અન્નમાર્ગ સીધો અને લાંબો હોય છે. શરીર પરનાં વિટપો શરીરગુહાને શીર્ષ, ધડ અને પુચ્છ- એમ ત્રણ ભાગમાં વહેંચે છે. તેમનામાં પરિવહન, શ્વસન કે ઉત્સર્જન માટેનાં ખાસ અંગો હોતાં નથી. પ્રાણીઓ ઉભયલિંગી હોય છે. કેટલીક વાર સ્વફલનથી પણ પ્રજનન કરે છે.

(25) પોગોનોફોરા : આ પ્રાણીઓ દરિયામાં ઊંડા પાણીમાં કાઇટિનથી નલિકા રૂપે પોતે બાંધેલી વસાહતમાં રહે છે. તેઓ આકારમાં કૃમિ જેવાં દેખાય છે. શરીર 20 સેમી. જેટલું લાંબું હોવા છતાં તેમનામાં અન્નમાર્ગ હોતો નથી. પરિવહન બંધ પ્રકારનું હોય છે અને હૃદય ધરાવે છે. શરીર ત્રણ ભાગમાં વહેંચાયેલું હોય છે. આગળના ભાગમાં એક અથવા વધારે સૂત્રાંગો આવેલાં હોય છે. આશરે 45 જાતિમાં આ પ્રાણીઓ વહેંચાયેલાં છે.

(26) શૂળચર્મી : શૂળચર્મી પ્રાણીઓની ઉત્પત્તિ કૅમ્બ્રિયન સમયના પૂર્વાર્ધમાં થઈ હોવાનું મનાય છે. છેલ્લાં 60 કરોડ વર્ષમાં જાતજાતનાં શૂળચર્મીય પ્રાણીઓ અસ્તિત્વમાં આવ્યાં છે, જેમાંનાં મોટા ભાગનાં આજ સુધીમાં અશ્મીભૂત થઈ ગયેલાં છે. સર્વ પ્રાણીઓ સમુદ્રવાસી છે. પ્રાણીઓની ત્વચા પર નાનાંમોટાં ચલાયમાન કે અચલ શૂળો આવેલાં હોવાથી આવાં પ્રાણીઓનું નામ શૂળચર્મી પડ્યું છે. તેઓ ત્રિગર્ભસ્તરી ખંડવિહીન રચના અને શરીરગુહા ધરાવે છે. ડિંભાવસ્થામાં શરીર દ્વિપાર્શ્વીય સમરચના ધરાવે છે, જ્યારે પુખ્તાવસ્થામાં તે પંચઅરીય (પંચત્રિજ્યાસમ) સમરચનામાં ફેરવાય છે. આ શૂળચર્મી પ્રાણીઓની ચામડીની નીચે ચૂનાની તકતીઓનું બનેલું અંત:કંકાલ આવેલું હોય છે. શરીરગુહામાં કેટલાંક પ્રાણીઓમાં પાણીનું અભિસરણ કરતું જલવાહક તંત્ર (water vascular system) હોય છે. આવું તંત્ર આ સમુદાય સિવાય બીજા કોઈ પણ સમુદાયમાં જોવા મળતું નથી. જલવાહક તંત્ર સાથે જ જલવાહક નળીઓને છેડે જોડાયેલા નાલિપગો (tube-feet) આવેલા હોય છે, જે પ્રાણીને પ્રચલન, શ્વસન તેમજ પોષણકાર્યમાં મદદ કરે છે. કેટલાંકમાં શ્વસનાંગો તરીકે ઝાલરો પણ હોય છે. પ્રાણીઓ એકલિંગી અને બાહ્યફલન દર્શાવે છે તેમજ રૂપાંતરણથી વિકાસ સાધે છે. એક કરતાં વધુ પ્રકારનાં ડિંભો પ્રાણીઓની જાતો મુજબ રૂપાંતરણ દરમ્યાન જોવામાં આવે છે. શૂળત્વચીઓની 6,000 જાતિઓને બે ઉપસમુદાય અને 10 વર્ગોમાં સમાવી લેવામાં આવેલી છે. શૂળચર્મી પ્રાણીઓનાં ઉદાહરણોવર્ગ મુજબ નીચે પ્રમાણે છે :

વર્ગ તારકિતકાય (asteroidea)–સમુદ્રતારા

વર્ગ સર્પપુચ્છ (ophiuroidea)–બરડતારા

વર્ગ ચલિતશૂળ (echinoidea)–સાગરગોટા

વર્ગ પિચ્છતારક (crinoidea)–પિચ્છતારા

વર્ગ કર્કટીકાય (Holothuroidea)–સમુદ્ર-કાકડી

આકૃતિ 12 : શૂળચર્મી

(27) સામિમેરુ : મોટા ભાગનાં પ્રાણીઓ દેખાવમાં કૃમિ જેવાં અને લાંબા કદનાં હોય છે. તેઓ સ્થાયી જીવન ગુજારે છે. મોટેભાગે તેઓ રેતીવાળા દરિયાકિનારે દરમાં રહે છે. શરીર ત્રણ ભાગમાં વહેંચાયેલું હોય છે, જેને અનુક્રમે સૂંઢ, કૉલર (collar) અને ધડ કહે છે. મુખ, સૂંઢની પાછળ કૉલરના અગ્ર છેડે ખૂલે છે. ધડ પ્રદેશના આગલા ભાગમાં ઝાલરછિદ્રો આવેલાં હોય છે. શરીરની બાહ્યસપાટી પક્ષ્મલ અર્ધચર્મથી છવાયેલી હોય છે. તેની નીચે ચેતાજાલિકા આવેલી છે. કૉલરપ્રદેશના પાછલા ભાગમાં ગોળાકાર ચેતા હોય છે. અન્નમાર્ગ લાંબો હોય છે અને મળદ્વાર ધડના અંત્ય છેડે ખૂલે છે. પ્રાણીઓ એકલિંગી હોય છે અને પ્રજનનાંગો ધડપ્રદેશના આગળના ભાગની દીવાલ સાથે ચોટેલાં હોય છે. આ સમુદાયમાં આવેલાં બેલેનોગ્લોસસ પ્રજાતિનાં પ્રાણીઓ રામેશ્વરમ્ પાસે આવેલી મન્નારની ખાડીમાં સવિશેષ જોવા મળે છે.

અગાઉ આ પ્રાણીઓને મેરુદંડી સમુદાયનાં પ્રાણીઓ તરીકે ગણવામાં આવેલાં. પરંતુ હવે તેમનું સ્વતંત્ર સમુદાય રૂપે વર્ગીકરણ થયેલું છે.

(28) મેરુદંડી : મેરુદંડી સમુદાયનાં પ્રાણીઓ ડિંભાવસ્થા દરમિયાન મેરુદંડ ધરાવે છે. તે શરીરની પૃષ્ઠ બાજુએ, લંબ અક્ષને સમાંતર, મધ્ય બાજુએથી પસાર થાય છે. પરંતુ પુખ્તાવસ્થામાં મેરુદંડ હોય અથવા ન પણ હોય. પૃષ્ઠવંશી પ્રાણીઓમાં તેના સ્થાને કરોડસ્તંભ આવેલો છે. મેરુદંડની નીચે મધ્યસ્થ ચેતાતંત્ર હોય છે જે પોલાણવાળું હોય છે. આ ચેતાતંત્રના ભાગ રૂપે આવેલ કરોડરજ્જુ પૃષ્ઠવંશીઓમાં કરોડસ્તંભની કરોડનાલીમાંથી પસાર થાય છે. કંઠનળીની પાર્શ્વ બાજુએથી ઝાલરછિદ્રો આવેલાં છે, પરંતુ પુખ્તાવસ્થામાં તેઓ માત્ર માછલીઓમાં જોવા મળે છે. વળી મેરુદંડીઓમાં શરીરના ભાગ રૂપે ગુદાદ્વારની પાછળ પૂંછડી આવેલી હોય છે.

આકૃતિ 13 : મેરુદંડી

(28.1) પુચ્છમેરુ : મેરુદંડી સમુદાયના એક અનુસમુદાય તરીકે આવેલાં આ પ્રાણીઓ ડિંભાવસ્થામાં મેરુદંડી લાક્ષણિકતાઓના ભાગ રૂપે પૃષ્ઠ બાજુએ આગળના ભાગમાં મધ્યસ્થ ચેતાદંડ અને મુખ્યત્વે એ પૂંછડી પ્રદેશમાં મેરુદંડ ધરાવે છે. વક્ષ બાજુએ હૃદય આવેલું હોય છે. વળી કંઠનળીના પ્રદેશમાં ઝાલરછિદ્રો પણ હોય છે. પુખ્તાવસ્થામાં તેઓ સ્થાયી જીવન ગુજારે છે. પથ્થર તથા હોડીના તલસ્થ પ્રદેશ જેવા ભાગોને આ પ્રાણીઓ ચોંટેલાં, એકલ અથવા સમૂહમાં રહેતાં હોય છે. તેમના શરીર પર રક્ષણાત્મક આવરણ તરીકે ટ્યુનિક આવેલું હોય છે. તેમાં સાચું કંકાલ હોતું નથી. શરીરદીવાલ પર ચેતાજાલિકા આવેલી હોય છે અને તે મધ્યસ્થ ચેતાતંત્ર સાથે જોડાયેલી છે. મોટા ભાગનું શરીર કંઠનળીથી વ્યાપેલું હોય છે. અન્નમાર્ગ ‘U’ આકારનો હોય છે અને મળદ્વાર કંઠનળીના અગ્રછેડા તરફ ખૂલે છે. મોટા ભાગનાં પ્રાણીઓ એસિડિયા (ascidia) વર્ગનાં છે. લાર્વેસિયા (larvacea) વર્ગનાં પ્રાણીઓ પ્લૅન્કટનો તરીકે દરિયાના પાણીમાં તરે છે.

(28.2) શીર્ષમેરુ : મેરુદંડીના અનુસમુદાયનાં આ પ્રાણીઓનો મોટો ભાગ ઍમ્ફિયૉક્સસ (Amphioxus) તરીકે જાણીતો છે. ત્રાક આકારનાં આ પ્રાણીઓ 4થી 5 સેમી. જેટલાં લાંબાં હોય છે. શરીર અર્ધપારદર્શક હોય છે. દરિયાકિનારે રેતીની અંદર રહેતાં આ પ્રાણીઓ પાણીમાં તરી પણ શકે છે. પૃષ્ઠ ભાગમાં મેરુદંડ હોય છે અને તેની સાથે સંકળાયેલા સ્નાયુઓ પાર્શ્વ બાજુએથી શરીર-દીવાલના ભાગ રૂપે આવેલા હોય છે. મેરુદંડની ઉપર મધ્યસ્થ ચેતાદંડ હોય છે. અન્નમાર્ગનો અડધા જેટલો ભાગ કંઠનળીનો બનેલો છે અને તેના પર ઝાલરછિદ્રો આવેલાં હોય છે. લિંગો ભિન્ન હોય છે. ભારતમાં સૌરાષ્ટ્રના દરિયાકિનારે ઓખા પ્રદેશમાં તે સારી સંખ્યામાં જોવા મળે છે.

ઉપેન્દ્ર રાવળ