અપુ : બંગાળી નવલકથાનું પ્રસિદ્ધ પાત્ર. વિભૂતિભૂષણ બંદોપાધ્યાયની ત્રણ નવલકથાઓ ‘પથેર પાંચાલી’, ‘અપરાજિત’ તથા ‘અપુર સંસાર’નો નાયક અપૂર્વ છે. એનું લાડકું નામ અપુ છે. ‘અપુ’ના પાત્ર દ્વારા લેખક જ પોતાના જીવનમાં થોડા કાલ્પનિક રંગો પૂરી પોતાની જ કથા નિરૂપે છે. ગામડામાં ઊછરેલો બાળક, શહેરમાં જતાં, ત્યાં શરૂઆતમાં એકલતા અનુભવે અને પછી શહેરી જીવનનો ચસકો લાગતાં, ગ્રામજીવન કેવું અકારું લાગે તે અપુ દ્વારા દર્શાવી, પછી કથાન્તે, શહેરના કડવા ઘૂંટડાઓને પી જઈ, શાંતિની શોધમાં પુન: પોતાના ગામમાં આવીને પ્રકૃતિની ગોદમાં એ પોતાના ખોવાયેલા વ્યક્તિત્વને પુન: પામીને શાંતિ પામે છે.

ચન્દ્રકાન્ત મહેતા