અપરાજિતા (2)

January, 2001

અપરાજિતા (2) (1972) : સિંધી વાર્તાસંગ્રહ. રચયિતા ગુનો સમતાણી. 1950થી 1968 સુધીમાં લખાયેલી છ વાર્તાઓ એમાં સંકલિત છે. આ પુસ્તકને માટે લેખકને 1972નો વર્ષના શ્રેષ્ઠ સિંધી પુસ્તકનો પુરસ્કાર મળેલો.

આ વાર્તાઓનો જુદો જુદો પરિવેશ હોવા છતાં કથાનકોનું લક્ષ્ય તો એક જ રહ્યું છે. એ છે મર્ત્ય શરીરમાં અમર્ત્ય એવા પ્રેમની ખોજ. ગુનો સમતાણીએ સિંધી સાહિત્યને રંગદર્શિતા તરફ વાળ્યું. આ કૃતિની વાર્તાઓનાં લગભગ બધાં જ પાત્રો અમર પ્રેમની ખોજમાં ભટકતાં હોય છે. કરુણતા એ છે કે એમની ખોજ સફળ થતી નથી, એથી સૌ હતાશ થાય છે, પણ એ હતાશાનો અનુભવ પણ આનંદજનક હોય છે. આથી જ વાર્તાઓનો સૂર રંગદર્શી બન્યો છે. એમાંની એક વાર્તા ‘ખંડહર’ પૂર્ણાંશે આધુનિક પ્રકારની વાર્તા છે. એમાં નિખાલસતા તથા સંવેદનશીલતાને કારણે માનવજીવનમાં જે સમસ્યાઓ ઊભી થાય છે તેનું હૃદયંગમ નિરૂપણ છે. પુરાકલ્પનોનો છૂટથી ઉપયોગ કરીને લેખકે વક્તવ્યને વધારે ચોટદાર બનાવ્યું છે.

જયંત રેલવાણી