અપરાજિતા (1)

January, 2001

અપરાજિતા (1) : બંગાળી નવલકથા (1932) અને ફિલ્મ (1956). બંગાળના સુપ્રસિદ્ધ નવલકથાકાર વિભૂતિભૂષણ બંદોપાધ્યાયની ‘પથેર પાંચાલી’ નવલકથાના અનુસંધાનમાં આ નવલકથા લખાઈ છે. બંને નવલકથાઓ લેખકના જીવન પર આધારિત છે. બાળપણથી જ પ્રકૃતિની ગોદમાં ઊછરેલી વ્યક્તિનું માનસ કેવું ઘડાય છે તે કથાનાયક અપુના પાત્ર દ્વારા લેખકે દર્શાવ્યું છે. અપુને પ્રાકૃતિક તત્ત્વો તરફ એટલો પ્રેમ છે કે મહેનત કરીને કમાયેલા પૈસામાંથી પોતે ખાવાને બદલે વાંદરાઓને સીંગ ખવડાવે છે. અપુને એના કાકા પુરોહિતના કામમાં લગાડે છે, પણ એને રુચતું નથી. એની મા એને ભણાવે છે. ભણવામાં તે ઘણો હોશિયાર હોય છે. એ મૅટ્રિકની પરીક્ષામાં પહેલો આવે છે અને માસિક દશ રૂપિયા છાત્રવૃત્તિ મેળવે છે. અપુને આગળ ભણવું છે, પણ એકનો એક છોકરો પોતાની નજર આગળ રહે એમ મા ઇચ્છે છે. પણ આખરે પુત્રના હિતનો વિચાર કરી એને રજા આપે છે. થોડા દિવસ શહેરમાં વસમું લાગ્યું, પછી તો શહેરી જીવનની એને એવી મોહિની લાગી કે રજામાં ગામમાં આવે છે પણ ત્યાં એને ગોઠતું નથી, કૉલકાતા ભાગી જવાનું મન થાય છે. અપૂર્વના મનના ભાવ માતા કળી ગઈ છે. તેથી પોતાની માંદગી વિશે એને કશું જણાવતી નથી. અપુ કૉલકાતામાં પરીક્ષાની તૈયારી કરે છે, ત્યાં માતાના અવસાનનો પત્ર એને મળે છે ને અપુ ગામ જાય છે. અપુના જીવનની પછીની ઘટનાઓ આ કથામાળાની છેલ્લી નવલકથા ‘અપૂર સંસાર’માં આવે છે.

આ નવલકથા પરથી સુપ્રસિદ્ધ ફિલ્મ-દિગ્દર્શક સત્યજિત્ રેએ 1956માં ફિલ્મ બનાવી હતી. પટકથા સત્યજિત્ રેએ જ લખી હતી અને દિગ્દર્શન પણ એમણે જ કર્યું હતું. એમાં મુખ્ય કલાકારો હતાં  કાનુ બૅનરજી, કરુણા બૅનરજી, સ્મરણ ઘોષાલ અને ચારુપ્રકાશ ઘોષ. આ નવલકથાત્રયીની પહેલી નવલકથા ‘પથેર પાંચાલી’ પરથી 1952માં સત્યજિત્ રેએ ફિલ્મ ઉતારી હતી. એનાથી સત્યજિત્ રેને જગતના એક ઉત્કૃષ્ટ દિગ્દર્શક તરીકે દેશવિદેશમાં પ્રતિષ્ઠા મળી હતી.

ચન્દ્રકાન્ત મહેતા

કેતન મહેતા