અપમૂત્રપિંડી સંલક્ષણ

January, 2001

અપમૂત્રપિંડી સંલક્ષણ (nephrotic syndrome) : સમગ્ર શરીરના સોજાના કારણરૂપ મૂત્રપિંડનો વિકાર. સમગ્ર શરીરમાં સોજા (જળશોફ) આવે; હૃદય, ફેફસાંની આસપાસ પાણી ભરાય; જલોદર (ascites) થાય, લોહીમાં ચરબીનું પ્રમાણ વધે તથા આલ્બ્યુમિન નામના પ્રોટીનનું પ્રમાણ ઘટે અને પેશાબમાં દરરોજ 5 ગ્રામથી વધુ આલ્બ્યુમિન વહી જાય તે લક્ષણસમૂહને અપમૂત્રપિંડી સંલક્ષણ કહે છે. આ લક્ષણોનો સમૂહ મૂત્રપિંડના વિવિધ રોગોમાં જોવા મળે છે. મૂત્રપિંડના ક્રિયાલક્ષી તથા રચનાલક્ષી એકમને મૂત્રલ(nephrone) કહે છે. તેમાં કેશવાહિનીઓનું જાળું હોય છે જેમાંથી લોહીમાંની અશુદ્ધિઓ ગળાયીને ગળણ જેવા ભાગમાંથી પસાર થાય અને પાતળી નલિકાઓમાં મૂત્રરૂપે પરિવર્તન પામે છે. કેશવાહિનીઓના ગૂંચળાને કેશિકાગુચ્છ(glomerulus) કહે છે. મૂત્રલ(nephrone)ના કેશિકાગુચ્છ(glomerulus)ની પારગમ્યતા (permeability) જ્યારે વધી જાય છે ત્યારે મૂત્રપિંડના ઘણા પ્રાથમિક કેશિકાગુચ્છી (glomerular) રોગોમાં અપમૂત્રપિંડી સંલક્ષણ માલૂમ પડે છે. આ રોગ-સમૂહમાંનો લઘુતમ વિકાર(minimal change)રૂપ રોગ સામાન્ય રીતે નાનાં બાળકોમાં જોવા મળે છે. વ્યાપક રક્તકોષભક્ષિતા (systemic lupus erythematosis), એમિલૉઇડતા અને આમવાતી સંધિશોથ (rheumatoid arthritis) મૂત્રપિંડમાં વિકૃતિ સર્જે છે તેવી જ રીતે આલ્પોર્ટના સંલક્ષણ અને દાત્રકોશી પાંડુતા (sickle cell anaemia) જેવા આનુવંશિક રોગોમાં પણ મૂત્રપિંડી વિકૃતિ સર્જાય છે. ‘બી’ પ્રકારનો યકૃતશોથ (hepatitis-B), કુષ્ઠરોગ (રક્તપિત્ત), ચેપી અંત:હૃદયશોથ (infective endocarditis) અને મલેરિયા જેવા વિવિધ ચેપ; સુવર્ણ અને પારાના ક્ષારો, પેનિસિલેમાઇન, કૅપ્ટોપ્રિલ, હેરૉઇન જેવાં રસાયણો અને ઔષધો, હૉજકિનનો રોગ, લસિકાર્બુદ (lymphoma), ફેફસાંનું કૅન્સર જેવાં કૅન્સર; દીર્ઘકાલી અન્યજનીની પ્રતિરોપણ (chronic allogenic transplant) તથા મધમાખીના ડંખ વગેરે મૂત્રપિંડમાં વિકૃતિ સર્જે છે. આ સર્વ રોગોની મૂત્રપિંડી વિકૃતિ અપમૂત્રપિંડી સંલક્ષણ સર્જે છે. નિદાન માટે લોહી અને પેશાબની તપાસ ઉપરાંત મૂત્રપિંડના જીવપેશી-પરીક્ષણ (biopsy) પરથી મૂત્રપિંડના રોગ અને ઉપચાર અંગેની જરૂરી માહિતી મળે છે.

અપમૂત્રપિંડી સંલક્ષણને કારણે મોઢા પર આવેલા સોજા

બાળકોના લઘુતમ વિકારરૂપ રોગના ઉપચારમાં કૉર્ટિકોસ્ટેરૉઇડ લાભકારક ગણાય છે. જરૂર પડ્યે સાઇક્લોફૉસ્ફેમાઇડ અને ક્લૉરેમબ્યુસિલ પણ ઉપયોગમાં લેવામાં આવે છે. મોટી ઉંમરના દર્દીઓમાં વધુ ઉગ્રતાવાળા મૂત્રપિંડના રોગ થાય છે. અને તેથી ઉપર જણાવેલ ઔષધો અસર કરતાં નથી. તેમને ઓછા મીઠાવાળો, વધુ પ્રમાણમાં પ્રોટીનવાળો આહાર (કઠોળ, મલાઈ વગરનું દૂધ, ઈંડાં, માંસ) આપવામાં આવે છે. મૂત્રવર્ધકો (diuretics) વડે સોજા (જળશોફ, oedema) ઓછા કરી શકાય છે. ક્યારેક નસ વાટે આલ્બ્યુમિન ચઢાવવામાં આવે છે.

મૂત્રપિંડને હાનિકારક એવાં ઉપર જણાવેલ રસાયણો અને ઔષધોનો ઉપયોગ ઘટાડી, મધુપ્રમેહ તથા શરીરમાંના કોઈ પણ ચેપનું વહેલું નિરાકરણ લાવી અપમૂત્રપિંડી સંલક્ષણ થતું અટકાવી શકાય છે. હાલ આ સંલક્ષણના વ્યાધિકરણ(pathogenesis)માં પ્રતિરક્ષા(immunity)નો શો અને કેટલો ફાળો છે તેનું વિવિધ દેશોમાં તલસ્પર્શી સંશોધન ચાલી રહ્યું છે.

હરગોવિંદ  ત્રિવેદી