અપબીજાણુતા

January, 2001

અપબીજાણુતા (apospory) : વનસ્પતિઓમાં અર્ધસૂત્રી ભાજન અને બીજાણુ-નિર્માણ થયા સિવાય બીજાણુજનક (sporophyte) અવસ્થામાંથી જન્યુજનક અવસ્થાનો થતો વિકાસ. તેને અબીજકજનન અથવા અવબીજાણુતા પણ કહે છે. વનસ્પતિઓમાં સંતતિઓનું એકાંતરણ એટલે કે બે અવસ્થાઓ વારાફરતી જોવા મળે છે. એક તે જન્યુજનક. તેમાં નરજન્યુ અને માદાજન્યુના મિલનથી યુગ્મનક (zygote) બને અને તેમાંથી પુખ્ત ભ્રૂણ બને. બીજી અવસ્થા તે બીજાણુજનક, જેમાં બીજાણુઓ (spores) બને. બીજાણુ પોતે જ ફલન વિના સ્વયં વનસ્પતિ રચવાની ક્ષમતા ધરાવે છે. આ પ્રક્રિયા નીચેના આલેખથી સમજી શકાય.

બીજાણુના સર્જન વિના જ આકસ્મિક કારણોથી જન્યુજનક અવસ્થા જન્મે તો તે પ્રક્રિયાને અપબીજાણુતા કહેવાય. દા.ત., લીંબુ, કોઠી, બીજોરું, જાંબુ વગેરેમાં અંડકના પ્રદેહના કોષો સીધા જ ગર્ભ બનાવે છે.

સામાન્ય રીતે જન્યુજનક અવસ્થા એકકીય (n) રંગસૂત્રો ધરાવે અને બીજાણુજનક અવસ્થા દ્વિકીય (2n) રંગસૂત્રોવાળી હોય. અપબીજાણુતાથી રંગસૂત્રોની સંખ્યા જળવાતી નથી. જો 2n બીજાણુજનકમાંથી (અર્ધીકરણ વિના) સીધા જ જન્યુજનક રચાય તો તે જન્યુજનક પણ 2n રંગસૂત્રો ધરાવે. આમ અંડકમાં અન્-અર્ધીકૃત ભ્રૂણપુટ (non-reduced embryo sac) બને. દા.ત., ધંતૂરો, ટેરેક્સેકમ, આઇક્સેરીસ વગેરે. આવા ભ્રૂણપુટમાં અંડકોષ દ્વિકીય હોવાથી તે ગર્ભમાં પરિણમવાની ક્ષમતા ધરાવે છે.

સરોજા કોલાપ્પન

મુકુંદ દેવશંકર ભટ્ટ