અપંગતા અને વળતર (disability and compensation) : શારીરિક તેમજ માનસિક ખોડ કે ખામી (અપંગતા) તથા તેનાથી પડતી ખોટને પૂરવા માટેનો ઉપાય (વળતર). અપંગતા સાપેક્ષ અને વ્યક્તિની જરૂરિયાત પર આધારિત હોય છે. દીર્ઘ જીવન, સૈન્યમાં કામ કરી શકાય તેવી શારીરિક ક્ષમતા, રમત-ગમતમાં ભાગ લઈ શકાય તેવી શક્તિ, રોજી મેળવવા માટે કરવા પડતા કાર્ય માટેની અને રોજબરોજનાં કાર્યો સ્વતંત્ર રીતે કરવાની ક્ષમતા તંદુરસ્તીની વ્યાખ્યામાં આ બાબતોને ધોરણ તરીકે લઈએ તો તેમાંની કોઈ પણ એક બાબત ‘ન કરી શકવાની કાયમી સ્થિતિ’ને અપંગતા કહી શકાય. આમ અપંગતાની વ્યાખ્યા નકારાત્મક છે. તેથી જ જુદા જુદા સમયે અને સ્થળે જુદી જુદી પ્રજાઓએ અપંગતાને દૈવી શાપરૂપ ગણી છે. અપંગતા દેખીતી કે અદૃશ્ય (hidden), વધતી જતી (progressive) અથવા સ્થાયી (static) પણ હોય છે. કાપેલા હાથ કે પગ, બેડોળ થઈ ગયેલો ચહેરો, કે ખોડંગાતી ચાલ એ દેખીતી અપંગતા છે. શરીરના અંદરના અવયવોની ઈજાને કારણે થયેલી અપંગતા અદૃશ્ય ગણાય; દા.ત., બહેરાશ, પગનો વા, લોહીનું ઊંચું દબાણ, જઠરમાંનું પેપ્ટિક વ્રણ (ulcer) વગેરે.

સ્થાયી (static) : કપાઈ ગયેલી આંગળી એ કાયમી ખોડ છે. તે આગળ વધવાની નથી અને તેનાથી દેખાવમાં વધારે ફરક પડવાનો નથી.

આગળ વધતી અપંગતા : ડાયાબિટીસ, લોહીનું ઊંચું દબાણ, પગના સાંધાનો વા, હૃદયરોગ વગેરે આગળ વધતા રોગો હોઈ તેમનાથી થતી અપંગતા પણ રોગ પ્રમાણે વધતી રહેવાની.

અપંગતા જન્મજાત હોઈ શકે અથવા જન્મ પછી પણ થયેલી હોય. જન્મ પછી થયેલી (acquired) ખોડખાંપણમાં જન્મ વખતની તકલીફોથી થયેલ મસ્તિષ્ક-પક્ષાઘાત (cerebral palsy) જેવી ક્ષતિ કે જન્મ પછી કોઈ રોગથી આવતી બાળલકવા જેવી અપંગતા અને મોટર-અકસ્માત જેવી ઈજાથી થયેલ ખોડખાંપણનો સમાવેશ થાય છે. દેખીતી રીતે જ જન્મજાત ખોડખાંપણ જન્મની સાથે જ જોવા મળે છે; દા.ત., વાંકાચૂંકા પગ, જન્મથી જ આંગળી અથવા પંજા વગરના હાથ. બધી જ જાતની વિકૃતિઓ કે ખોડખાંપણ માનસિક તનાવ ઉત્પન્ન કરે છે. તે લાંબો સમય ચાલુ રહે તો તેમાંથી માનસિક વિકૃતિ પણ થઈ જાય.

છેલ્લાં વર્ષોમાં પુનર્વસવાટ(rehabilitation)થી અપંગતાની સમજમાં ઘણો ફેરફાર થયો છે. તેને લીધે અપંગ માણસને તેના કામ પર, તેના કુટુંબ પાસે અને તેના સમાજમાં પાછો ગોઠવી શકાય છે. અને તે પણ ઈજા થઈ હોય તેની પહેલાં હતી લગભગ તેવી પરિસ્થિતિમાં. જોકે બધા દાખલામાં આ શક્ય નથી હોતું. અપંગ કે ખોડખાંપણવાળો માણસ સમાજમાંથી છૂટી પડી ગયેલી વ્યક્તિ બને છે. તેનું સમાજમાં પુન:સ્થાપન કરવાની જવાબદારી સમાજની છે, જે ઘણી વાર સેવાભાવી સંસ્થાઓ ઉપાડી લે છે.

અપંગતા ફક્ત શારીરિક ખોડ જ હોતી નથી. તેની સાથે માનસિક, સામાજિક, આર્થિક, કૌટુંબિક એવાં અનેક પાસાં સંકળાયેલાં હોય છે. અપંગતાની ગણતરીમાં વ્યક્તિની માનસિક પરિસ્થિતિ પણ અગત્યનો ભાગ ભજવે છે. અપંગતાની ગુણવત્તાની ગણતરી કરવા માટે હજી સુધી સંપૂર્ણ એવી ખામીરહિત વૈજ્ઞાનિક પદ્ધતિ ઉપલબ્ધ થઈ નથી. નીચેનાં લક્ષણો તેની ગણતરી દરમિયાન ધ્યાનમાં રાખવાં જોઈએ.

તબીબી લક્ષણો : (i) માનસિક પરીક્ષણ (તપાસ)  અપંગ માણસ એ ફક્ત પગ કપાયેલો કે સજ્જડ થયેલા થાપાવાળો માણસ નથી. તેને પોતાને કાર્યદક્ષતા, ધગશ, અંગત રસ, ઇચ્છાઓ, આશાઓ, સ્વપ્નો વગેરે હોય છે. (ii) નૃવંશીય તત્ત્વ (anthropological criteria). (iii) શરીરક્રિયાત્મક ધોરણ (physiological criteria). (iv) કાર્ય કરવા માટેનાં જૈવિક (biological) લક્ષણો; દા.ત., હૃદય, ફેફસાં અને ચયાપચયને લગતાં. (v) હાથ, પગ અને મણકાનાં વિશિષ્ટ કાર્યો. (vi) રોજિંદી ક્રિયાઓ કરવાની શક્તિ; દા.ત., વાતચીત કરવાની શક્તિ, પોતાનું આરોગ્ય જાળવવાની શક્તિ, ખાવા-પીવાની શક્તિ, ચાલવાની શક્તિ.

બિનતબીબી લક્ષણો : (ક) આર્થિક નુકસાન, (ખ) નોકરી કરીને અથવા અન્યથા કમાવાની શક્તિનો ક્ષય.

વળતર : દેશ, રાજ્ય, સમાજ અને વ્યક્તિગત રીતે વ્યક્તિઓએ જુદી જુદી સંસ્થાઓ દ્વારા અપંગ વ્યક્તિઓને વળતર આપવાની યોજના કરી છે. એક નાની યાદી નીચે મુજબ છે. (1) શિક્ષા અર્થે શિષ્યવૃત્તિ. (2) ઉચ્ચતર તાંત્રિક (technological) શિક્ષણ માટે અલગ (અનામત) જગ્યાઓ. (3) સરકારી અને અર્ધસરકારી કચેરીઓમાં અને સંસ્થાઓમાં અપંગો માટે અનામત બેઠકો. (4) 40 %થી વધુ ખોડખાંપણવાળાઓને સરકારી કચેરીઓમાંથી મૂળ પગારના 10% વધુ વાહનભથ્થા તરીકે. (5) 50 % કે 60 %થી વધુ ખોડખાંપણ હોય તેમને આવકવેરામાં રૂ. 10,000ની વધુ છૂટછાટ. (6) અપંગને રેલવે મુસાફરી કરવા માટે ભાડામાં 75 % તેમજ તેના જોડીદાર(સહયાત્રી)ને 50 % રાહત (અપંગને મદદ કરવા માટે). (7) નગરપાલિકાઓની બસમાં મુસાફરી માટે ભાડામાં રાહત (concession). (8) સરકાર તરફથી ચાલતા સમાજ કલ્યાણ ખાતા તરફથી પણ શિષ્યવૃત્તિ અપાય છે. (9) અપંગોને પોતાનો ધંધો શરૂ કરવા તેમજ ચલાવવા માટે કે હેરફેર માટે સાધનોની જરૂરિયાત ઊભી થાય છે તે પણ સમાજસુરક્ષા ખાતું અને એવી બીજી સંસ્થાઓ પૂરી કરે છે. દા.ત., બંને પગે અપંગ હોય તેમને ત્રિચક્રી સાઇકલ તથા ધંધો શરૂ કરવા સીવણ-સંચો વગેરે. (10) સરકારી સંસ્થાઓ તેમજ સરકારની મદદથી કાર્ય કરતી સંસ્થાઓ અપંગોને ધંધાકીય પુન:સ્થાપના માટે અથવા વ્યાવસાયિક પુન:સ્થાપના માટે મદદ કરે છે. (11) અકસ્માતમાં ઘવાયેલાં અને અપંગ થયેલાંઓને નાણાકીય વળતર ચૂકવવામાં આવે છે. રેલવે અકસ્માત કે રાજ્ય પરિવહનની બસથી અપંગ થયેલાંઓને સરકાર વળતર ચૂકવે છે. મિલમાં કે કારખાનાંઓમાં ઈજા પામેલાંઓને જે તે માલિક અથવા કામદાર રાજ્ય વીમા યોજના વળતર ચૂકવે છે. મોટર-અકસ્માતમાં ઈજા પામેલાંને વીમા કંપની વળતર ચૂકવે છે. મોટર-અકસ્માત માટે MACT (Motor Accident Claim Tribunal) નામની જુદી અદાલત છે – જે આ દાવાઓનો નિર્ણય કરી વળતર ચૂકવવાનો હુકમ આપે છે. કામદાર વળતર ધારો, 1923 (Workman’s Compensation Act) એ વિશ્વની ઘણી જૂની યોજના છે, જે અપંગતાની ગણતરી કરી વળતર ચૂકવે છે.

કામદારને નોકરી દરમિયાન અને તેના કારણે અકસ્માત થાય અને તે અપંગતા કે મૃત્યુમાં પરિણમે તો તે માટે વળતર અપાવવાની જોગવાઈ ‘કામદાર વળતર ધારો, 1923’માં કરવામાં આવેલી છે. ‘કામદાર’ની વ્યાખ્યા જોતાં ઉપર દર્શાવેલ કાયદાના પરિશિષ્ટ–2માં જણાવેલ વ્યવસાયમાં રોકાયેલા કામદારો જ આવો લાભ મેળવી શકે છે. આમ છતાં તેની વ્યાખ્યા વિશાળ છે. તમામ પ્રકારનું કામ કરતા કામદારોને તેમાં સમાવી લેવામાં આવ્યા છે, તે માટે પગાર અંગેની પણ કોઈ મર્યાદા બાંધવામાં આવી નથી. વધુમાં આ બાબતમાં નોંધ લેવી જરૂરી છે કે મુંબઈ દુકાન અને સંસ્થા ધારો, 1948ની કલમ 38ની જોગવાઈના કારણે તે ધારામાં જે વ્યક્તિઓનો કામદાર તરીકે સમાવેશ થાય છે તેઓ પણ કામદાર વળતર ધારો, 1923ની વળતર અંગેની જોગવાઈઓનો લાભ મેળવી શકે છે.

કાયમી સંપૂર્ણ અપંગતા માટે કામદારને વળતર તરીકે આપવાની થતી રકમની ગણતરી સદર ધારાના પરિશિષ્ટ 4માં આપેલ કોઠા મુજબ કરવાની રહે છે. આવી ગણતરી કરવા માટે કામદારોનો માસિક પગાર અને તેની વય લક્ષમાં લેવાનાં હોય છે. કામદારની વય જેમ ઓછી તેમ તેને વળતરની રકમ વધારે પ્રમાણમાં મળે તેવી જોગવાઈ છે. આ પ્રકારની અપંગતા માટે જો કામદારનું માસિક વેતન રૂપિયા એક હજાર કરતાં વધુ હોય તો તે એક હજારનું જ છે એ ગણતરીથી વળતરની રકમ નક્કી થાય છે.

કાયમી આંશિક અસમર્થતા માટે વળતરની રકમ માટેની ગણતરી પરિશિષ્ટ 1માં નિર્દિષ્ટ ઈજાઓ અંગેની જોગવાઈઓ અથવા ઈજાના કારણે કામદારે કાયમી રીતે ગુમાવેલી કમાવાની શક્તિના પ્રમાણને લક્ષમાં રાખીને પરિશિષ્ટ 4માં આપેલા કોઠા મુજબ કરવાની રહે છે. કામદાર બંને હાથ અથવા એક હાથ અને એક પગ ગુમાવે તો પરિશિષ્ટ 1 મુજબ તેણે કમાવાની શક્તિ સો ટકા ગુમાવેલ છે એવું ગણવાનું રહે અને જે તે કામદારનો માસિક પગાર રૂ. 700 હોય અને તેની વય પરિશિષ્ટ 4 મુજબ 30 કરતાં વધારે ન થતી હોય તો તેને કાયદાની કલમ 4 મુજબ રૂ. 63,433 વળતર તરીકે મળે. આવા સો ટકા અપંગતાના કિસ્સામાં કામદારને ઓછામાં ઓછા રૂપિયા 24,000ની રકમ વળતર તરીકે આપવાની જોગવાઈ છે. કોઈ કામદાર વચલી આંગળી ગુમાવે તો તેણે 12 ટકા કમાવાની શક્તિ ગુમાવી છે એવું ગણાય છે. અને જો તે કામદારનો પગાર અને વય ઉપર જણાવ્યા મુજબ હોય તો તેને ઉપર જણાવેલી રકમના 12 ટકા રકમ એટલે કે રૂ. 7612/- વળતર તરીકે મેળવવાના રહે.

કામદાર રાજ્ય વીમા ધારો, 1948 : આ કાયદા હેઠળ જે કામદારોનો સમાવેશ થાય છે તેમણે તમામ પ્રકારની અસમર્થતા માટે આ કાયદાની જોગવાઈ અનુસાર વળતર મેળવવાનું રહે છે. આવા કામદારો ઉપર જણાવેલ કામદાર વળતર ધારો, 1923ની જોગવાઈઓ મુજબ વળતર મેળવવા માટે હકદાર બનતા નથી. અસમર્થતાનો ભોગ બનનાર કામદાર નિશ્ચિત સમયે કાયદાના પ્રથમ પરિશિષ્ટમાં જણાવેલા દરથી રકમ મેળવી શકે છે. કાયમી અસમર્થતા માટે આજીવન વળતરનો લાભ મેળવવા માટે પણ ઉપરના કાયદામાં જોગવાઈ છે.

મોટર વાહન ધારો (1939) : મોટર વાહનથી વ્યક્તિને શારીરિક ઈજાઓ થાય અને તે ઘાતક નીવડે તો મોટર વાહન ધારા(1939)ની જોગવાઈઓ લાગુ પડે છે. ઈજા પામનારને થયેલી ઈજાઓ અગર મૃત્યુ, અકસ્માત તથા ઈજાઓનું સીધું પરિણામ છે તે સાબિત કરવું પડે છે. વળતર માગનાર વ્યક્તિ પોતાને થયેલ ખાસ નુકસાનીની રકમ માગતી હોય ત્યારે તેવી ખાસ નુકસાની માટે વળતર માટેની ખરી અને સંપૂર્ણ વિગતો જણાવવી અને સાબિત કરવી પડે છે. પરંતુ દુ:ખ, વેદના, આઘાત ઇત્યાદિ માટે સામાન્ય વળતર અંદાજીને માગવાનું હોય છે. ઉપરાંત નુકસાનીની રકમ માગનાર વ્યક્તિને એ સાબિત કરવાનું હોય છે કે સામા પક્ષકારની અમુક ફરજ હતી અને તે ફરજનું સામા પક્ષકારે પાલન નહિ કરવાથી શારીરિક ઈજા કે મૃત્યુ થયેલ છે. આમ, સામા પક્ષકારની ઉપેક્ષા એ શારીરિક ઈજા કે મૃત્યુનું સીધું અને તાકીદનું કારણ હોવું જોઈએ. આ ધારા હેઠળ વળતર માટેની અરજી કારણ ઉપસ્થિત થયાથી છ માસમાં કરવાની હોય છે; જોકે પૂરતું કારણ સાબિત કરવામાં આવે તો સમયમર્યાદાની ઢીલ દરગુજર કરવાની અદાલતને સત્તા હોય છે. આ પ્રકારની અરજી સ્વીકારવાની, સાંભળવાની અને ફેંસલો કરવાની સત્તા જિલ્લા અદાલતો અને જિલ્લા અદાલતની સમકક્ષ અદાલતોને સોંપવામાં આવેલી હોય છે. જે સ્થળે અકસ્માત થયો હોય અગર શારીરિક ઈજાઓનું પરિણામ આવેલું હોય અગર સામો પક્ષકાર હકીકતમાં અને સ્વેચ્છાએ વસવાટ કરતો હોય, ધંધો કે વેપાર કરતો હોય કે કમાવા માટે કામ કરતો હોય તે સ્થળ ઉપર ભૌગોલિક હકૂમત ધરાવનાર મોટર ઍક્સિડન્ટ ક્લેઇમ ટ્રિબ્યુનલ (MACT) સમક્ષ અરજી કરવાની હોય છે. સામાન્ય રીતે રૂ. 25,000થી ઓછી રકમના વળતર માટેની અરજીનો નિકાલ પક્ષકારે રજૂ કરેલા સોગંદનામા ઉપરથી કરવામાં આવે છે, જ્યારે બાકીના કિસ્સાઓમાં પક્ષકારે મૌખિક પુરાવાઓ આપવાના હોય છે. વળતર માગનાર વ્યક્તિ કૉર્ટ ફીના સ્ટૅમ્પની રકમ આપી શકે તેમ ન હોય તો અકિંચન તરીકે શરૂઆતમાં કૉર્ટ ફી આપ્યા વગર પિટીશન રજૂ કરી શકે છે. ઉપરાંત પોતાનો કેસ રજૂ કરવા માટે વકીલ રોકવા અશક્ત વ્યક્તિને રાજ્યના ખર્ચે મફત કાનૂની સલાહ પણ મળી શકે છે.

મોટર-અકસ્માતથી ઈજા પામનારને થયેલી ઈજા અને હાનિના વળતર માટે અદાલતે કેટલાંક ઘટક તત્ત્વો ધ્યાનમાં લેવાનાં હોય છે. તે ઉપરથી વળતરની રકમ અંદાજવામાં આવે છે. ત્યારબાદ તે વ્યક્તિના શેષ જીવનના સમયનો અંદાજ કાઢી બાકીના સમયમાં કેટલું નુકસાન થાય તે અંદાજવા માટે ગુણાંક પદ્ધતિનું ધોરણ અદાલતોએ માન્ય કર્યું હોય છે. તે મુજબ 42 વર્ષ સુધીની વ્યક્તિને 15ના ગુણાંકથી, 43થી 50 વર્ષ સુધીની વ્યક્તિને 13ના ગુણાંકથી અને 51થી 55 વર્ષ સુધીની વ્યક્તિને 10ના ગુણાંકથી અને 56થી 65 વર્ષ સુધીની વ્યક્તિને 8ના ગુણાંકથી વળતર આપવાની પદ્ધતિ છે.

જ્યોતીન્દ્ર પંડિત

શીરાઝભાઈ ઈનાયતઅલી રંગવાલા
શિલીન નં. શુક્લ