અન્ના અખ્માતોવા

January, 2001

અન્ના અખ્માતોવા (જ. 23 જુન 1889, ઓડિસા, યુક્રેન; અ. 5 માર્ચ 1966, મોસ્કો, રશિયા) : રશિયાની પ્રમુખ કવયિત્રી. રશિયન ઊર્મિકવિતાના અભિનવ સ્વરૂપનું ઘડતર કરી તેની સબળ પરિપાટી ર્દઢ કરી આપનાર તરીકે તે અનન્ય પ્રતિષ્ઠા પામ્યાં છે. તેમના પતિ ગ્યૂમિલોફ વિખ્યાત કવિ હતા. તેમની પાસેથી અખ્માતોવાએ કાવ્યશિક્ષણના પાઠ લીધા હતા. અન્ના અખ્માતોવાનાં કાવ્યોમાં ક્યારેક ગ્રીક કવયિત્રી સાફોનાં કાવ્યો જેવું ઘૂંટાયેલું કારુણ્ય જોવા મળે છે. ઉત્તમ લયવાહી પ્રેમકાવ્યો રચીને તેમજ ગ્યૂમિલોફની પાસેથી છૂટાછેડા મેળવ્યા પછીથી કરુણ કાવ્યો સર્જીને અખ્માતોવાએ ઉત્તમ ઊર્મિકવિ તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. ભાવોદ્રેક વગરની સંયમિત સ્વસ્થ કાવ્યવાણી દ્વારા પ્રણયાવસ્થાની મન:સ્થિતિનું અને પ્રણયવૈફલ્યના પરિતાપનું કથન તેમણે સહજ રીતે કર્યું છે. ‘ઇવનિંગ’, ‘રોઝરી’ આદિ તેમના ઉત્તમ કાવ્યસંગ્રહો છે. જીવનનાં સુખદુ:ખનું સરળ ગાન એમની કવિતાનું મહત્વનું અંગ છે.  પ્રેમ, વિફલપ્રેમ, નૈરાશ્ય, એકલતા અને પ્રેમીમાં અપાર શ્રદ્ધા  – એમની કવિતાના ખાસ વિષયો છે. એમણે નગરજીવનના કવિ તરીકે પણ અનન્ય ખ્યાતિ મેળવી છે. પીટ્સબર્ગનાં દેવળો, મકાનો, ઉદ્યાનો, નીવા નદીના કાંઠા ઉપરના પુલો, મહાલયો–આખું પીટ્સબર્ગ અખ્માતોવાની કવિતામાં ઊપસી આવે છે. મનુષ્ય મનુષ્ય વચ્ચેના સંબંધોને કવિતા દ્વારા સમજવા સદાય ઉદ્યુક્ત રહેતાં કવિજનોમાંનાં એક અખ્માતોવા છે.

નલિન રાવળ