અનુવૃત્તિ (વ્યાકરણ)

January, 2001

અનુવૃત્તિ (વ્યાકરણ) : અનુવર્તન, અનુસરણ. સંસ્કૃત વ્યાકરણનાં સૂત્રોમાં એક કે તેથી વધારે પદોની પુનરાવૃત્તિ કરવી એ દોષ મનાય છે. તેવું પુનરાવર્તન કરવું ન પડે અને સાથોસાથ સૂત્રની સંક્ષિપ્તતા (સ્વલ્પાક્ષરતા) સાધી શકાય તે હેતુથી આ યુક્તિનો આશ્રય લેવામાં આવે છે. ખાસ કરીને, પાણિનીય વ્યાકરણનાં સૂત્રોમાં આગલા સૂત્રમાં આવતું પદ તે પછીનાં સૂત્રોમાં ગંગાના પ્રવાહની જેમ સતત આવ્યા કરતું હોય છે.

જયદેવ જાની