અનુલંબ તરંગો (longitudinal waves) : તરંગોના માધ્યમના કણોનાં દોલનો અથવા કોઈ સદિશ રાશિના તરંગના પ્રસરણની દિશાને સમાંતર દોલનો હોય તેવા તરંગો. આવા તરંગો સંગત તરંગો તરીકે પણ ઓળખાય છે. ધ્વનિના તરંગો અનુલંબ તરંગોનું ખૂબ જાણીતું ઉદાહરણ છે. તરંગોનો બીજો પ્રકાર લંબગત (transverse) તરંગો તરીકે ઓળખાય છે. તેમાં થતાં દોલનો તરંગના પ્રસરણની દિશાને લંબ હોય છે. પ્રકાશના તરંગો આવા બીજા પ્રકારના તરંગો છે. પૃથ્વીના પેટાળમાં થતા ભૂકંપ વેળાએ ઉપર વર્ણવેલ બંને પ્રકારના તરંગો પેદા થાય છે.

એક સારી લાંબી સ્પ્રિંગનો એક છેડો ભીંત સાથે બાંધી બીજો છેડો હાથમાં પકડી સ્પ્રિંગની લંબાઈની દિશામાં નિશ્ચિત સમયગાળાવાળાં દોલનો કરાવતાં સ્પ્રિંગનો અમુક ભાગ સંકોચન એટલે કે સંઘનન (condensation) પામશે, અને અમુક ભાગ વિસ્તાર એટલે કે વિઘનન (farefaction) પામશે. સ્પ્રિંગ ઉપર પ્રસરતા આ તરંગો અનુલંબ તરંગો છે. કંપિત સ્વરચીપિયા(tunning fork)થી ઉદભવતા તરંગોનું પ્રસારણ વિચારીશું તો તેમાં પણ અમુક સ્થળે હવાનું સંકોચન એટલે કે સંઘનન થશે અને અમુક સ્થળે હવાનું વિસ્તરણ એટલે કે વિઘનન થશે. હવામાં પ્રસરતા આ ધ્વનિતરંગો પણ અનુલંબ તરંગો છે.

કમલનયન ન. જોષીપુરા

કિશોર પંડ્યા