અનુકૂલન (સમાજશાસ્ત્ર) (adaptation) : જે પ્રક્રિયા દ્વારા એક સજીવ દેહ, સમાજ, સમૂહ કે સંસ્કૃતિની અંદર આવતાં પરિવર્તનો તેમના જૈવ અસ્તિત્વને ટકાવી રાખવામાં સહાયક બને છે, તેને સમાજશાસ્ત્રમાં અનુકૂલન (adaptation) કહેવામાં આવે છે. અનુકૂલનની ત્રણ કક્ષા પાડવામાં આવી છે : (1) ભૌતિક (physical), (2) જૈવિક (biological), (3) સામાજિક. અનુકૂલનની પ્રક્રિયાને યથાર્થ સ્વરૂપે સમજવા માટે આ ત્રણે કક્ષાના અનુકૂલનના સ્વરૂપને સમજવું જરૂરી છે.

ભૌતિક અનુકૂલન : ભૌતિક વાતાવરણને અનુકૂળ થવાની પ્રક્રિયાને ભૌતિક અનુકૂલન કહેવામાં આવે છે. તે કુદરતના નિયમો દ્વારા નિયંત્રિત હોય છે. શિયાળામાં માનવી ગરમ કપડાં પહેરે છે અને ઉનાળામાં સુતરાઉ કપડાં પહેરે છે. તે પર્વત પર જેમ વધુ ઊંચાઈએ ચડે તેમ તેને શ્વાસ લેવામાં શ્રમ કરવો પડે છે. સૂર્યનાં કિરણો તાપમાં ઉઘાડા શરીરે ફરનારાની ચામડીના રંગને અમુક અંશે બદલી નાંખે છે. સ્વચ્છ હવા ફેફસાંને તાજગી આપે છે પણ રોગિષ્ઠ અને ધુમાડિયા વાતાવરણમાં શ્વાસ લેવાની તકલીફ પડે છે. આવી વિપરીત પરિસ્થિતિમાં પોતાના દેહને ટકાવી રાખવા માટે માનવી જે વર્તન કરે છે તે ભૌતિક અનુકૂલનની પ્રક્રિયા દર્શાવે છે. જેની ચામડીનો રંગ બદલાય છે તે એમ ઇચ્છે કે નહિ અથવા બદલાયેલો રંગ તેના જીવન માટે સારો છે કે નરસો એવા પ્રશ્નોને આવા અનુકૂલનમાં સ્થાન હોતું નથી. ભૌતિક અનુકૂલન તો અવિરત થયા જ કરે છે. તે માનવીની ઇચ્છાશક્તિ, ધ્યેયો કે પ્રયત્નો પર આધાર રાખતું નથી. માનવીના પ્રયત્નોને તેમાં સ્થાન ન હોવાથી અયોગ્ય કે અઘટિત અનુકૂલનનો પણ પ્રશ્ન પેદા થતો નથી.

જૈવિક અનુકૂલન : અમુક જીવ અમુક જ વાતાવરણમાં ટકી શકે એમ કહેવામાં આવે ત્યારે તેમાં જૈવિક અનુકૂલનનો નિર્દેશ છે. જૈવિક અનુકૂલન એટલે પ્રાણી અથવા જીવનો વાતાવરણ સાથે તેના જૈવ અસ્તિત્વને ટકાવી રાખવામાં સહાયક થાય એવો સંબંધ. સિંહને જંગલમાં જ ફાવે. માછલી પાણીમાં જ ટકી શકે. ખારા સમુદ્રની માછલી મીઠા પાણીના તળાવમાં ટકી શકતી નથી. જૈવિક અનુકૂલનમાં આપણે અનુકૂળ-પ્રતિકૂળ વાતાવરણ વચ્ચે ભેદ પાડી શકીએ છીએ. જીવનનું યોગ્ય રીતે વહન કરવા માટેની અથવા પોતાની શક્તિઓને માપદંડ તરીકે રાખીને જૈવિક અનુકૂલનમાં વાતાવરણ ઘટિત છે કે અઘટિત તે નક્કી કરી શકીએ છીએ. આમ જૈવિક અનુકૂલનમાં અને ભૌતિક અનુકૂલનમાં ફેર છે.

સામાજિક અનુકૂલન : સામાજિક અનુકૂલન એટલે સમાજ, સમૂહ કે સંસ્થાનો ભૌતિક વાતાવરણ સાથે પોતાના અસ્તિત્વને ટકાવી રાખવામાં સહાયક બને તેવો સંબંધ. કાર્યવાદ(functionalism)ના સિદ્ધાંતના અમેરિકન સમર્થકો કહે છે કે સમાજનું અર્થતંત્ર વાતાવરણ સાથે અનુકૂલન કરવાની કામગીરીમાં અગત્યનો ફાળો આપે છે અને તે માટે કાર્યવિભાજન અથવા ભૂમિકા-વિભિન્નીકરણ(role differentiation)નું ઘણું મહત્ત્વ છે.

‘અનુકૂલન’ શબ્દને વ્યક્તિ, સમાજ કે સંસ્કૃતિના અસ્તિત્વને ટકાવી રાખવા માટેનાં જરૂરી પરિવર્તનો માટે જ નહિ, પરંતુ તંત્રને કાર્યશીલ રાખવામાં અથવા તેના હેતુની સિદ્ધિમાં સહાયક બને એવાં પરિવર્તનો માટે પણ પ્રયોજી, તેના ઉપયોગનું ક્ષેત્ર વધુ વિસ્તૃત કરવાનું વલણ આજકાલ જોવા મળે છે. આ પ્રકારના ઉપયોગથી ‘અનુકૂલન’ શબ્દના અર્થની ચોકસાઈ ઘટે છે, કારણ કે બધી જ ઘટનાઓમાં સહાયક થઈ શકે એવાં અનુકૂલનકારી પરિવર્તનોની યાદી આજે પણ આપી શકાય એમ નથી. આમ હોવા છતાં સમાજશાસ્ત્રની વિચારણામાં અનુકૂલનનો વિસ્તૃત ઉપયોગ કરવાનું વલણ વધ્યું છે.

વિપિન શાહ