અનુકૂલન (જીવવિજ્ઞાન) (adaptation) : વનસ્પતિ કે પ્રાણી પોતાના પર્યાવરણમાં વસવા કે ટકી રહેવાની ક્ષમતા પામે એવી પ્રક્રિયા. વારસાગત લક્ષણો નૈસર્ગિક પસંદગીની અસરોનો સમન્વય સાધે તે અનુકૂલન. દેખીતી રીતે સરખાં જણાતાં સજીવો પણ બંધારણ, કાર્યો, વિકરણ, રક્ષણ, ભક્ષણ, પ્રજનનની રીત અને વિકાસની બાબતોમાં વિભિન્ન અનુકૂલનો ધરાવે છે. અનુકૂલનમાં પોતાને અનુકૂળ પર્યાવરણમાં સ્થળાંતરનો પણ સમાવેશ થાય છે. ઘણી વાર શરીરનાં વિવિધ અંગોમાં એકસાથે અનુકૂલનો થાય છે; જેમ કે વધુ માંસાહારી પદ્ધતિમાંથી વધુ શાકાહારી જીવનપદ્ધતિ કેળવવામાં પાચનમાર્ગ ઉપરાંત ભક્ષણની ટેવ અને પદ્ધતિમાં પણ અનુકૂલન પ્રેરાય છે. ઉત્ક્રાંતિ દરમ્યાન આવાં અનુકૂલનો વડે વિવિધ પ્રકારનાં સજીવ સર્જાયાં છે. સસ્તન પૂર્વજોમાંથી આવી રીતે દોડનારાં, કૂદનારાં, વૃક્ષારોહણ કરનારાં, તરનારાં અને ઊડનારાં સજીવો વિકસ્યાં છે. એ રીતે વાતાવરણ અનુકૂળ છે કે પ્રતિકૂળ છે એ નક્કી થાય છે ને તે પ્રમાણે જીવનનું વહન ચાલે છે.

આધાર પર ચઢવા માટે ગરોળી, વૃક્ષદેડકાં તથા ટાર્સિયસ જેવાં પ્રાણીઓ ગાદીવાળાં આંગળાં ધરાવે છે, લક્કડખોદ કે પોપટનાં પગનાં આંગળાં આગળ કે પાછળ ફરી શકતાં હોય છે. તે જ રીતે વનસ્પતિ પણ સ્પ્રિંગ જેવા કે હૂક જેવા ભાગ ઉત્પન્ન કરી તેમની મદદથી આધાર પર ચઢી શકે છે. દા.ત., ઘિલોડી, મોરવેલ, કોળું, કંકાસણી વગેરે.

સમુદ્રને તળિયે ગાઢા અંધકારમાં જીવતાં પ્રાણીઓ, આગિયાની જેમ જાતે પ્રકાશ ઉત્પન્ન કરી શકે છે.

પાણીનો સંગ્રહ કરવા માટે રણમાં રહેતા જીવોનાં અનુકૂલનો પણ ધ્યાનાકર્ષક છે. ખરસાણી, કરેણ, કુંવારપાઠું, થોર વગેરે રણની વનસ્પતિ છે. તેમનાં પર્ણો જાડાં હોય છે. રણનાં પ્રાણીઓ ચારો ચરવા વહેલી સવારે, સાંજે કે રાત્રે જ નીકળે છે; દિવસ દરમ્યાન ગરમીથી બચવા ખડક નીચે, રેતીમાં દર બનાવીને, કે વનસ્પતિની છાયામાં પડી રહે છે.

ઉડ્ડયન માટે પક્ષીઓના અંગેઅંગમાં ફેરફારો નજરે ચઢે છે. તૃણભક્ષી પ્રાણીઓને ઘાસ ખેંચવાના તથા ચાવવાના દાંત હોય છે તો શિકારી પ્રાણીઓ જેવાં કે બિલાડી, કૂતરાં વગેરેના રાક્ષીદાંત મોટા અને અણીદાર હોય છે.

રક્ષણ માટે વનસ્પતિને કાંટા, ખંજવાળ ઉત્પન્ન કરે તેવા રોમ (દા.ત., કૌવચ) કે સ્ફટિક (દા.ત., અળવી) વગેરે હોય છે. પ્રાણીઓના રંગ તેમના પર્યાવરણમાં ભળી જાય તેવા હોવાથી દુશ્મનો તેમને પારખી શકતા નથી. દા.ત., ખડમાંકડી જેવાં કીટકો ઘાસ જેવાં દેખાય છે, ટીંટોડીનાં ઈંડાં કાંકરા જેવાં જ દેખાતાં હોય છે વગેરે. સેપિયા જેવાં પ્રાણીઓ દુશ્મન પાછળ પડે ત્યારે પાણીમાં શાહી જેવા પ્રવાહીનું આવરણ રચીને નાસી છૂટે છે; ગરોળી પોતાની પૂંછડી કાપી નાખીને છટકી જાય છે; તો કિરણ-મત્સ્ય, (ray fish) વીંછી, મધમાખી વગેરે ઝેરી ડંખ ધરાવે છે. કેટલીક માછલીઓ વિદ્યુતના આંચકા પણ શિકારીને આપી શકે છે.

ઘણી વનસ્પતિ તથા કેટલાંક પ્રાણીઓ કલિકાઓ ઉત્પન્ન કરી તેના દ્વારા પ્રજનન કરે છે. દા.ત., હાઇડ્રા, પાનફૂટી વગેરે. સજીવોમાં સ્વગોત્રી પ્રજનન ન થાય તેવાં અનુકૂલનો પણ ઘણાં જોવા મળે છે. અતિઠંડા પ્રદેશમાં રહેતાં પક્ષીઓ શિયાળો શરૂ થતાં ઠંડીથી બચવા હૂંફાળા પ્રદેશો તરફ પ્રવાસ કરે છે.

પરોપજીવી વનસ્પતિ કે પ્રાણી યજમાનના શરીરમાંથી પોષણ મેળવે તેવી રીતે અનુકૂલિત થયેલાં હોય છે.

પ્રતિકૂળ વાતાવરણમાં સજીવોની જીવન ટકાવી રાખવાની શક્તિને અનુકૂલન કહે છે. પ્રતિકૂળ વાતાવરણ દરમ્યાન સજીવ કોષોની દેહધાર્મિક ક્રિયાઓમાં ફેરફાર થવાથી કદીક તેનું ર્દશ્ય સ્વરૂપ બદલાય છે, જે અનુકૂળ વાતાવરણ થતાં પાછું મૂળ સ્વરૂપમાં આવી જાય છે. બદલાયેલું લક્ષણ વંશ-વારસાગત ઊતરતું નથી. અનુકૂલનમાં સજીવોનું જનીન સ્વરૂપ બદલાતું નથી. અનુકૂલન સૂક્ષ્મ જીવાણુઓમાં પણ અગત્યનો ભાગ ભજવે છે. ક્ષારચાહક, ઉષ્માચાહક, ઠંડીચાહક તેમજ વૈકલ્પિક અવાતજીવી જીવાણુ અનુકૂલનનાં સર્વસામાન્ય ઉદાહરણો છે. પ્રતિજીવાણુ પદાર્થ-ઍન્ટિબાયૉટિકનો પ્રતિકાર કે મનુષ્યની પ્રતિકારશક્તિનો સામનો કરતા જીવાણુ કે વિષાણુનો ઉદ્ભવ પણ અનુકૂલનને લીધે હોય છે. આ જ પ્રક્રિયાને લીધે કેટલાંક કીટકો કીટકનાશકો સામે પ્રતિકાર કરતાં થયાં છે.

હાલમાં માનવ દ્વારા પર્યાવરણમાં કરાતા ઝડપી ફેરફારોને કારણે ઘણી સજીવ જાતિઓ અનુકૂલિત ન થઈ શકતાં નષ્ટપ્રાય બની ગઈ છે.

સજીવોમાં જનીનિક વિભિન્નતાઓ (differentiation) સર્જતા મુખ્ય ચાર કારકો છે : જનીન વિકૃતિ, રંગસૂત્રીય વિકૃતિ, જનીન પુન: સંયોજન અને જનીન પ્રવાહ. આથી તે પ્રવર્તમાન વાતાવરણમાં વધારે અનુકૂલનોથી વધુ કાર્યક્ષમતાથી કાર્ય કરવા શક્તિમાન બને છે. બીજી રીતે કહીએ તો આવી જાતિઓ તેમના પૂર્વજો કરતાં વધારે અનુકૂલિત થયેલી હોય છે. આમ, ઉદ્વિકાસ અનુકૂલન તરફ દોરી જાય છે. અનુકૂલનો રચનાત્મક, વર્તનાત્મક તેમજ દેહધાર્મિક હોય છે.

નરેન્દ્ર ઈ. દાણી

વિનોદ સોની

દિલીપ શુક્લ,

પ્રમોદ રતિલાલ શાહ