અનુકરણ (સામાજિક મનોવિજ્ઞાન) (imitation) : એક એવી પ્રક્રિયા કે જેમાં એક વ્યક્તિ અન્ય વ્યક્તિને અમુક વર્તન કરતી જોઈને તેના જેવું જ વર્તન કરવાનો પ્રયત્ન કરે. માતાના પોતાની સાથેના વર્તન જેવું જ વર્તન પોતાની ઢીંગલી સાથે કરવા પ્રયત્ન કરતું બાળક તેમજ માબાપ જેવું બોલે તેવું જ બોલવાનો પ્રયત્ન કરીને ભાષાનો પ્રયોગ શરૂ કરતું બાળક અનુકરણની પ્રક્રિયાનો નિર્દેશ કરે છે.
અનુકરણની પ્રક્રિયા જન્મદત્ત સહજવૃત્તિ પ્રેરિત છે કે સંપાદિત અથવા શીખેલી છે તે પ્રશ્ન અંગે બે પ્રકારના વિચારો વ્યક્ત કરવામાં આવ્યા છે. બાલ્ડવિને તથા વિલિયમ જેમ્સે તેને સહજવૃત્તિપ્રેરિત પ્રક્રિયા તરીકે ઓળખાવી છે, જ્યારે વિલિયમ મેકડુગલ અને જી. ડબલ્યૂ. ઑલપૉર્ટ તેને સહજવૃત્તિપ્રેરિત પ્રક્રિયા ગણતા નથી. મેકડુગલે તેને સહજવૃત્તિ ગણી નથી કારણ કે તેની લાક્ષણિકતા સૂચવનારાં કોઈ ચોક્કસ વર્તન-સ્વરૂપો નથી. જી. ડબલ્યૂ. ઑલપૉર્ટે દર્શાવ્યું છે કે અનુકરણમાં પાંચ ક્રિયાતંત્રો (mechanisms) સમાયેલાં છે : (1) સ્નાયુજન્ય ક્રિયાઓની નકલ (motor mimicry), (2) શાસ્ત્રીય અભિસંધાન (classical conditioning), (3) સાધનરૂપ અભિસંધાન (instrumental conditioning), (4) વિચારપૂર્વકની નકલને અને આંતરસૂઝ દ્વારા તેના તે વર્તનના પુનરાવર્તનને સમાવતું બોધાત્મક ક્ષેત્રનું સંગઠન (cognitive structuring including deliberate copying and insightful reproduction), (5) તાદાત્મ્ય (identification). આ પાંચમાંથી ચાર તંત્રો એવાં છે કે જે ‘શીખવાની’ પ્રક્રિયાને તેના પરિણામ તરીકે નહિ પરંતુ તેના આધાર તરીકે સમાવે છે.
વિવિધ વિદ્વાનોએ જુદી જુદી દૃષ્ટિએ અનુકરણના વિવિધ પ્રકારો પાડીને આ પ્રક્રિયાને સમજાવી છે. સમાજજીવનમાં અનુકરણના મહત્ત્વ પર ગ્રેબિયલ ટાડે ભાર મૂક્યો. તેણે સમાજને એકબીજાનું અનુકરણ કરતા માનવીઓના સમૂહ તરીકે ઓળખાવીને અનુકરણના નિયમો નીચે પ્રમાણે તારવ્યા છે :
વ્યક્તિના સામાજિક વર્તનનું મૂળ શોધો(inventions)માં પડેલું હોય છે. શોધો એટલે વ્યક્તિ દ્વારા આરંભાતા નવા વિચારો અને નવા માર્ગો. અનુકરણની પ્રક્રિયા દ્વારા નવી શોધો સમાજમાં સ્વીકારાય છે અને ફેલાય છે. અનુકરણને નીચેનાં પરિબળો અસર કરે છે :
(ક) સામાન્ય નિયમ : અનુકરણો તેમના આરંભબિંદુથી ગુણોત્તર પ્રમાણમાં વ્યક્તિઓને અસર કરીને ઉત્તરોત્તર વ્યાપક બને છે.
(ખ) ભૌતિક અને જૈવિક અસરો : અનુકરણોનું તેમના માધ્યમ દ્વારા વક્રીભવન થાય છે અને શારીરિક તેમજ જૈવિક લક્ષણો અનુકરણને અસર કરે છે.
(ગ) સામાજિક અસરો : 1. તર્કાધારિત (logical) : સમાજમાં વત્તાઓછા પ્રમાણમાં સ્વીકૃત થઈ ચૂકેલી શોધો સાથે નવી શોધનો સુમેળ કે કુમેળ. નવી-જૂની શોધોના કુમેળ હોય તો તેના ફેલાવામાં અવરોધ આવે. 2. તર્ક-બાહ્ય (extra-logical) : (1) અનુકરણની પ્રક્રિયામાં સૌપ્રથમ વિચારોનું અનુકરણ થાય છે અને ત્યારબાદ આચરણોનું-પહેલાં સાધ્યોનું ત્યારબાદ સાધનોનું (2) સમાજમાં નિમ્ન સ્તરના લોકો ઉચ્ચ સ્તરના લોકોનું અનુકરણ કરે છે. (3) જ્યાં ભૂતકાળની પ્રતિષ્ઠા કરવામાં આવે છે એવા રૂઢિ-રિવાજોના યુગો અને જ્યાં નવીનતાની પ્રતિષ્ઠા કરવામાં આવે છે એવા ફૅશનના યુગો સમાજમાં વારાફરતી આવે છે. (4) એકબીજાની સમીપતાના પ્રમાણમાં માનવીઓ એકબીજાનું અનુકરણ કરતા હોય છે. ટોળામાં અને શહેરોમાં જ્યાં લોકો વધુ સમીપતાનો સંપર્ક ધરાવે છે ત્યાં અનુકરણના બનાવોનું પુન: પુન: આવર્તન થતું હોય છે.
અનુકરણ સમાજજીવનમાં ગૂંથાયેલી એક અગત્યની પ્રક્રિયા છે. સમૂહજીવનને ઘડવામાં તેનો અગત્યનો ફાળો છે. વ્યક્તિની શીખવાની પ્રક્રિયાઓમાં સુગમતા ઊભી કરવાની તેની કામગીરી ખાસ નોંધપાત્ર છે. આમ હોવા છતાં તમામ સમાન સામાજિક વર્તનની સમજ માટે અનુકરણની પ્રક્રિયાને આગળ કરનારા વિચારને આધુનિક સમાજલક્ષી મનોવૈજ્ઞાનિકો અને સમાજશાસ્ત્રીઓ સ્વીકારતા નથી. સમાજની દરેક રીતરસમ કે ફૅશનનું અનુકરણ લોકો દ્વારા કરવામાં આવતું હોતું નથી. બાળકો દ્વારા મા-બાપ, શિક્ષકો કે મિત્રોના અમુક જ વર્તનનું કરવામાં આવતું અનુકરણ એ બાબતનો નિર્દેશ કરે છે કે અમુક વ્યક્તિના અમુક વર્તનનું અનુકરણ કરવાથી અમુક જરૂરિયાતને પૂરી કરી શકાશે એમ સમજીને વ્યક્તિ તેના વર્તનનું અનુકરણ કરે છે. તેથી જ મિલર અને ડોલાર્ડે દર્શાવ્યું છે કે લોકો હંમેશાં અનુકરણ દ્વારા શીખતા નથી પરંતુ ઘણી વખત પોતાના લાભને સમજીને અનુકરણ કરતાં શીખે છે.
વિપિન શાહ