અનુકરણ (પ્રાણીશાસ્ત્ર)

January, 2001

અનુકરણ (પ્રાણીશાસ્ત્ર) (mimicry) : જીવનને ટકાવી રાખવાની આવશ્યક ક્રિયારૂપે અન્ય પ્રાણી કે પ્રાણીઓના સહવાસની અસર રૂપે તેમના વર્તનની નકલ કરવી તે. જોકે અસાધારણ કે અસંભાવ્ય ગણાતી અમુક પ્રક્રિયાઓનું યથાર્થ અનુકરણ તો માનવી કે ચિમ્પાન્ઝી જેવાં અંગુષ્ઠધારી સસ્તનો પૂરતું જ મર્યાદિત હોય છે.

પ્રાણીસૃષ્ટિમાં નીચલી કક્ષાનાં સજીવોમાં અનુકરણની વૃત્તિ ખાસ જોવા મળતી નથી. જ્યારે વિહગ કે સસ્તન જેવાં ઉચ્ચકક્ષાનાં પ્રાણીઓમાં આ વૃત્તિ સહજ છે. અનુકરણ માટે, સામે યોગ્ય નમૂના(model)ની જરૂર પડે છે. બદલામાં યોગ્ય વળતર પણ અનુકરણ કરનારને મળતું હોય છે. પ્રાણીઓમાં અનુકરણ દ્વારા ‘શીખવાની વૃત્તિ’ (learning) પણ કોઈક વાર જોવા મળે છે; જેમ કે, પોતાની જાતિનાં અન્ય પક્ષીઓને ગાતાં સાંભળીને તેનું અનુકરણ કરવાનું બચ્ચાંઓ શીખતાં હોય છે. પ્રાયોગિક રીતે જો આવાં બચ્ચાંને આ પર્યાવરણથી વિમુખ કરવામાં આવે તો તેઓ ગાઈ શકતાં નથી. અનુકરણની બાબતમાં ભારતીય પક્ષી ‘મેના’ વિશ્વમાં કદાચ પ્રથમ નંબરે આવે.

મનુષ્યમાં અનુકરણ દર્શાવતી ઘણી ક્રિયાઓમાં ઊંચો કૂદકો મારતી વખતે પગ વાળવાની ક્રિયા, બીજાંને બગાસું ખાતાં જોવાથી બગાસું ખાવાની ક્રિયા કે સામેની વ્યક્તિના હસવાથી આપણને હસવું આવે તે તેનાં સામાન્ય ઉદાહરણો છે. 6થી 12 માસની ઉંમર ધરાવતા બાળકમાં પણ તેમને પ્રભાવિત કરતી ક્રિયાઓ; જેવી કે-હાથપગ ઊંચા કરવા, હસવું વગેરે અનુકરણનાં જ ઉદાહરણો છે.

મનુષ્યમાં તેમજ અન્ય પ્રાણીઓમાં અનુકરણશીલ વર્તનનો અભ્યાસ મહત્ત્વનું સ્થાન ધરાવે છે, કારણ કે તેના દ્વારા તેઓમાં થતી સામાજિકીકરણની પ્રક્રિયા કે ભાષાકીય વિકાસ વધુ સરળતાથી સમજાવી શકાય છે. સેલરનાં ચિમ્પાન્ઝી પર તેમજ ટીનબર્જનના બુલ ફીન્ચીઝ પર કરવામાં આવેલા પ્રયોગો અનુકરણ વિશેની રસપ્રદ અને આધુનિક માહિતી પૂરી પાડે છે.

માનવબાળની સાથે સરખી કાળજીથી ગોરીલા કે ચિમ્પાન્ઝીબાળને ઉછેરવામાં આવે તો તેઓ પણ ઘરેલુ સાધનોનો ઉપયોગ તેમજ ઘણી જટિલ ક્રિયાઓ કરવા સમર્થ બને છે. પરંતુ શબ્દોને ગ્રહણ કરી તેને વાચાનું સ્વરૂપ આપવું તેમને માટે કઠિન બને છે. ઘણા પ્રયત્નો બાદ બાળચિમ્પાન્ઝી દ્વારા માત્ર ‘મામા’, ‘પાપા’ અને ‘કપ’ જેવા શબ્દોનું ઉચ્ચારણ શક્ય બન્યું છે.

બે કે અધિક સજીવો વચ્ચે જીવનને ટકાવી રાખવા માટે અનુકૂલન (adaptation) દ્વારા સધાતું સામ્ય કે એકરૂપતા. અનુકૂલન દ્વારા સધાતા આ સામ્યને કારણે તેમાંથી કોઈકનો પરિરક્ષણરૂપ લાભ થતો હોય છે. આ ઘટના સૌપ્રથમ પતંગિયામાં જોવા મળી હતી. બાહ્ય સ્વરૂપના સામ્ય ઉપરાંત ઘણા કિસ્સાઓમાં સ્વર, વાસ, વર્તન વગેરેમાં પણ આ પ્રકારનું અનુકરણ (mimicry) જોવા મળે છે. આ ઘટનાના કેટલાક પ્રકારો નીચે પ્રમાણે છે : પતંગિયાની વિશિષ્ટ રંગ ધરાવતી એક જાત પક્ષીઓ માટે અભક્ષ્ય છે. જ્યારે બીજી એક જાતિને પક્ષીઓ ભક્ષ્ય તરીકે સ્વીકારતાં હોય છે. આ ભક્ષ્ય જાતનાં પતંગિયાં દેખાવમાં અભક્ષ્ય પ્રાણી જેવાં જ હોય છે. તેથી પક્ષીઓ તેઓને અભક્ષ્ય સમજીને ખાતાં નથી. આ પ્રકારના અનુકરણને જીવશાસ્ત્રી એચ. ડબલ્યુ. બેઇટ્સે સૌપ્રથમ નોંધેલું તેથી તે બેઇટ્સિયન અનુકરણ તરીકે ઓળખાય છે. બીજા પ્રકારના એક અનુકરણમાં બંને જાતના કીટકો અભક્ષ્ય હોવા છતાં રૂપરંગમાં એકબીજા સાથે સામ્ય ધરાવે છે. આની સમજ આપનાર ફ્રિટ્ઝ મૂલરના નામ ઉપરથી આ પ્રકારનું અનુકરણ મૂલેરિયન અનુકરણ તરીકે ઓળખાય છે. પક્ષીઓ આ સમૂહની જાતિઓ ભક્ષ્ય કે અભક્ષ્ય છે તે શોધી કાઢવા શરૂઆતમાં કેટલાંક પતંગિયાંઓનો નાશ કરે છે. આ નાશનું પ્રમાણ બંને જાતિઓમાં સરખી રીતે વહેંચાયેલું હોઈ કોઈ એક જ જાતિમાં મોટો ઘટાડો થતો અટકે છે, જેથી તે જાતિનો સમૂળ ઉચ્છેદ થતો નથી. આક્રમક અનુકરણમાં કોયલની વિવિધ જાતિઓ પોતાનાં ઈંડાં જેવાં કદ, આકાર અને રંગનાં ઈંડાં કાગડાના માળામાં મૂકે છે. ‘યજમાન જાતિ’ તેને પોતાનાં સમજીને સેવે છે.

કીટાહારી વનસ્પતિના અમુક ભાગો, કુંભ (jug) આકારનાં પાંદડાં, પાંદડાં ઉપર ટીપાં રૂપે સ્રાવ વગેરે કીટકોને આકર્ષે છે. એ રીતે વનસ્પતિ પોતાનો ખોરાક મેળવે છે. ઓર્કિડ મધ આપતાં ફૂલોના જેવાં પણ ગંધ વગરનાં ફૂલો વડે કીટકોને આકર્ષે છે, જેથી ફલનને મદદ થાય છે. કેટલાંક ફૂલોના ભાગનો આકાર માદા પતંગિયાં જેવો હોય છે. નર પતંગિયાં આકર્ષાઈને તેની સાથે સંવનન કરવા જતાં ફલન શક્ય બને છે.

જીવસૃષ્ટિના ઉદ્વિકાસમાં આવાં અનુકરણો અગત્યનો ભાગ ભજવે છે.

દિલીપ શુક્લ

નરેન્દ્ર ઈ. દાણી