અનામત કિંમત (reservation price) : કિંમતની એવી લઘુતમ સપાટી, જે સપાટીએ વિક્રેતા માલ વેચવાને બદલે માલ અનામત રાખે છે. અનામત કિંમતનાં નિર્ણાયક પરિબળો મુખ્યત્વે પાંચ છે : ભાવિ કિંમતની ધારણા, રોકડ નાણાની માગની તીવ્રતા, સંગ્રહખર્ચ, વસ્તુનું ટકાઉપણું અને તેનું ભાવિ ઉત્પાદન-ખર્ચ. ભવિષ્યમાં કિંમત ઘટશે એવી ધારણા હોય, વિક્રેતાને રોકડ નાણાની તાત્કાલિક જરૂર હોય, વસ્તુનો સંગ્રહખર્ચ વધુ હોય અથવા તેના ઉત્પાદનખર્ચમાં ઘટાડાની સંભાવના હોય ત્યારે અનામત કિંમત નીચી હોય છે. પૂર્ણ હરીફાઈયુક્ત બજારમાં ખૂબ ટૂંકા ગાળામાં ટકાઉ વસ્તુઓની કિંમતનિર્ધારણની પ્રક્રિયા તેમજ લિલામના સંદર્ભમાં આ વિભાવનાનો ઉપયોગ થાય છે. લિલામ કરનારની અપેક્ષિત લઘુતમ કિંમત અનામત કિંમત બને છે.

ગુલામહુસેન પીરભાઈ મલમપટ્ટાવાલા