અનાઈમૂડી : તામિલનાડુ રાજ્યના કૉઇમ્બતૂર જિલ્લામાં તેમજ કેરળ રાજ્યમાં પથરાયેલી અનાઈમલય પર્વતમાળાનું એક શિખર. ભૌગોલિક સ્થાન : 100 10´ ઉ. અ. અને 770 04´ પૂ. રે. કોડાઈ કેનાલની દક્ષિણે આવેલું આ શિખર 2,695 મીટરની ઊંચાઈ ધરાવે છે. અનાઈમલયનો અર્થ હાથીઓનો પર્વત અને અનાઈમૂડીનો અર્થ હાથીનું મસ્તક એવો થાય છે. અહીંનું પેરિયાર અભયારણ્ય હાથીઓ માટે જાણીતું છે. પશ્ચિમ ઘાટની આ અનાઈમલય પર્વતમાળાનું આ શિખર હાથીના મસ્તક જેવું દેખાતું હોવાથી તેને અનાઈમૂડી નામ આપેલું છે. આ પર્વતમાળાનાં અન્ય ઊંચાં શિખરોમાં કાઠુમલય, કરિનકૉલા તથા તંગાચી મુખ્ય છે. તે બધાં પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતાં હોઈ પર્યટકો માટે વિહારધામો તરીકે વિકસ્યાં છે.

મહેશ મ. ત્રિવેદી