અનહદ નાદ (1964) : પંજાબી કાવ્યસંગ્રહ. ડૉ. ગોપાલસિંહ ‘દરદી’ના આ કવિતાસંગ્રહને 1964નો સાહિત્ય અકદામી પુરસ્કાર મળ્યો છે. સંગ્રહની કવિતાઓમાં આધુનિક યુગમાં થઈ રહેલ મૂલ્યોના હ્રાસથી થતી મનોવેદનાને વ્યક્ત કરી છે. તેમણે નૈતિક અને વૈજ્ઞાનિક મૂલ્યોની પુન:સ્થાપનાની હિમાયત કરી છે. માત્ર પ્રવર્તમાન પરિસ્થિતિનું વાસ્તવિક નિરૂપણ અને વિશ્લેષણ કરવા ઉપરાંત એક સુંદર સૃષ્ટિની કલ્પના કરી છે – જ્યાં કોઈ શોષિત નથી, કોઈ શોષક નથી, કોઈ ઉચ્ચ નથી, કોઈ નીચ નથી, બધાં સમાન છે, બધાં સુખચેનમાં જીવન વ્યતીત કરે છે. આ કાવ્યસંગ્રહનાં કાવ્યોનો અંગ્રેજી અનુવાદ પણ થયો છે.

ગુરુબક્ષસિંહ