અનસૂયાબહેન સારાભાઈ (જ. 11 નવેમ્બર 1885, અમદાવાદ; અ. 11 સપ્ટેમ્બર 1972, અમદાવાદ) : મજૂર પ્રવૃત્તિનાં અગ્રણી, પ્રથમ સ્ત્રી-કામદાર નેતા તથા અમદાવાદ મજૂર મહાજન સંઘનાં સ્થાપક. પિતાનું નામ સારાભાઈ અને માતાનું નામ ગોદાવરીબહેન.

અમદાવાદના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિના કુટુંબમાં જન્મ. તેમણે મહાલક્ષ્મી ટ્રેનિંગ કૉલેજમાં માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી ગૃહસ્થજીવનમાં પ્રવેશ કર્યો. સંસાર પ્રત્યેના વિરક્ત ભાવને કારણે તેઓ જૈન સાધ્વી બનવાની તૈયારી કરતાં હતાં, તેવામાં ડૉ. એરુળકર સાથે તેમની મુલાકાત થઈ જેમણે તેમને દાક્તરી વિદ્યાનો અભ્યાસ કરી સમાજસેવા કરવાની સલાહ આપી હતી. આ સલાહથી પ્રેરાઈને તેઓ 1911માં ઇંગ્લૅન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં જોડાયાં, પરંતુ વાઢકાપ પ્રત્યેના અણગમાને લીધે તેમણે તબીબી અભ્યાસનો વિચાર પડતો મૂક્યો અને મૅટ્રિકની સમકક્ષ ગણાતી કેમ્બ્રિજની પરીક્ષા પાસ કરી અને 1913માં સ્વદેશ પાછાં ફર્યાં. ઇંગ્લેન્ડના વસવાટ દરમિયાન મહિલા મતાધિકારના આંદોલનથી પ્રભાવિત થયા હતાં અને તેમાં ભાગ લીધો હતો. ત્યારબાદ તેઓ મન ખૂંપે તેવી પ્રવૃત્તિની શોધમાં હતાં. તેટલામાં ગાંધીજી સાથે સંપર્ક થયો જેને કારણે ગાંધીજી તે વખતે જે સૌથી મોટો અને મહત્ત્વનો પ્રયોગ કરવા વિચારતા હતા તે મજૂરોને સંગઠિત કરવાનો પ્રયોગ – તેમણે અનસૂયાબહેન દ્વારા કરાવ્યો. અહીંથી અનસૂયાબહેનના જીવને કરવટ બદલી અને તેઓ ગાંધીચીંધ્યા માર્ગે મજૂરપ્રવૃત્તિમાં ઓતપ્રોત થતાં ગયાં. આ પ્રવૃત્તિના આરંભ રૂપે તેમણે મજૂરોનાં બાળકો વચ્ચે જઈ કામ કરવાનું શરૂ કર્યું.

1914ની 15મી માર્ચે જ્યુબિલી મિલની નજીકની અમરપુરા ચાલીના વિસ્તારમાં મજૂરબાળકો માટે શાળા શરૂ કરીને તેમણે પોતાની સેવાપ્રવૃત્તિના શ્રીગણેશ કર્યા. એ જમાનામાં આ કામ ઘણું કપરું હતું, પણ તે તેમણે જારી રાખ્યું. ધીમે ધીમે આ કાર્યપ્રવૃત્તિનો વિસ્તાર કરી તેમણે મજૂર મહોલ્લાઓમાં બાળમંદિર, રાત્રિશાળા, કન્યાછાત્રાલય, અભ્યાસગૃહો અને પ્રૌઢશિક્ષણની પ્રવૃત્તિઓનો આરંભ કર્યો અને તે દ્વારા શ્રમિકોના જીવનમાં પરિવર્તન લાવવાના પ્રયાસો આરંભ્યા. આ પ્રવૃત્તિઓ દરમિયાન મજૂરોની બેહાલીનું મૂળ કારણ ગરીબી છે તેની તેમને સતત પ્રતીતિ થતી રહી. બાર કલાકની સતત મહેનત કરનાર મજૂર ભરણપોષણને માટે પૂરતી ગણાય તેટલી આમદાની પણ મેળવી શકતો નથી – આ વિચારણા તેમના મનમાં પ્રબળ થતી ગઈ જેને કારણે તેમણે આરંભેલી મજૂરપ્રવૃત્તિને એક ચોક્કસ દિશા હાંસલ થઈ. મજૂરોની આર્થિક સ્થિતિ સુધારવાનો તેમણે નિર્ણય લીધો. આ લક્ષ્યના ભાગ રૂપે તેમણે મજૂરોના પગારની સુધારણાની લડત ચલાવી. 1917ની 4થી ડિસેમ્બરના રોજ અમદાવાદમાં મજૂરહડતાળનો પ્રારંભ થયો. ત્યારથી અમદાવાદના મજૂરો 4થી ડિસેમ્બરને ‘મજૂર દિન’ ગણે છે. આ હડતાળ દ્વારા અનસૂયાબહેન મજૂરજગતમાં પ્રવેશ પામી શક્યાં. આશરે ત્રણેક માસ બાદ મજૂરોની માંગણીનો સ્વીકાર થયો અને તેમનો વેતનવધારો માન્ય રાખવામાં આવ્યો. આ લડતથી મજૂરોમાં નવું જોમ આવ્યું. 1918માં સાળખાતાના મજૂરોની લડતમાં પણ તેમણે માર્ગદર્શન પૂરું પાડ્યું. આ લડતમાં પ્રતિપક્ષે તેમના નાના ભાઈ અંબાલાલ સારાભાઈ હોવા છતાં તેમણે મજૂરોની માંગણીઓની ન્યાયી અને ઉચિત રજૂઆત કરી. ભાઈ-બહેન વચ્ચેના આ ન્યાયોચિત સંઘર્ષને મહાદેવભાઈ દેસાઈએ ‘ધર્મયુદ્ધ’ તરીકે ઓળખાવ્યું હતું. આ લડતમાં તેમણે મિલમાલિકો સામે ગાંધી-ચીંધ્યા માર્ગે લડત ચલાવી અંતે સમાધાન કર્યું. મજૂરો સાથે કામ કરતાં કરતાં તેમને લાગ્યું કે તેમના પ્રશ્નો અગણિત છે અને તે ધીરજપૂર્વક ઉકેલાવા જોઈએ. આ માટે તેઓ ગાંધીજીનું સતત માર્ગદર્શન મેળવતાં. ગાંધીજી પણ મજૂરોના પ્રશ્નો સત્ય, અહિંસા અને સમજદારીપૂર્વક ઉકેલવાના આગ્રહી હતા. ગાંધીવિચારોથી પ્રેરાઈને મજૂરોના તમામ પ્રશ્નોના ઉકેલ માટે તેમણે 1920ના 25મી ફેબ્રુઆરીના રોજ ‘મજૂર મહાજન સંઘ’ની સ્થાપના કરી. આ સંસ્થા સાથે ‘મહાજન’ શબ્દ પ્રયોજવાનો મુખ્ય હેતુ મજૂરોના શ્રમના ગૌરવની પ્રતિષ્ઠા કરવાનો હતો. આ સંગઠન દ્વારા મજૂરોના પગારવધારાની વાજબી માંગણીઓ, કામના નિશ્ચિત કલાકો જેવી બાબતોમાં ધીરે ધીરે નિર્ણયો લેવાવા લાગ્યા. તેમણે મજૂર મહાજનનું એક સંસ્થા તરીકે સુપેરે સંચાલન કરતાં કરતાં તેને મજબૂત પાયા પર મૂકી મજૂરો અને માલિકો બંનેનો વિશ્વાસ સંપાદન કર્યો તથા ગાંધીમાર્ગ સ્વીકારીને મજૂરો અને માલિકો વચ્ચે સમજૂતી, સહકાર અને વિશ્વાસનું વાતાવરણ કાયમ કર્યું. ઔદ્યોગિક શાંતિના સંદર્ભમાં ‘મજૂર મહાજન સંઘ’ એક અનન્ય સંસ્થા બની રહી જેમાં અનસૂયાબહેનનો ફાળો અસાધારણ હતો. 52 વર્ષ સુધી તેમણે આ સંસ્થાનું પ્રમુખપદ સંભાળી ‘મહાજન’ના પ્રશ્નો ઉકેલવામાં અપ્રતિમ ધીરજ અને કુનેહ દાખવી. તદુપરાંત, સ્ત્રી-મજૂરોનાં બાળકો માટે બાલવાડી અને આંગણવાડીઓ સ્થાપી વિવિધ રીતે મજૂરોના જીવનના પ્રશ્નો ઉકેલવાના પ્રયાસ કરતાં રહ્યાં, જેને પરિણામે તેઓ ગુજરાતની ‘મજૂર-આલમનાં માતા’ બની રહ્યાં.

ઉષા ઘનશ્યામભાઈ ભટ્ટ

રક્ષા મ. વ્યાસ