અધ્યાત્મવાદ (દર્શન) : આત્મતત્વને અંતિમ સત્તા તરીકે સ્વીકારતો સિદ્ધાંત. અંતિમ તત્વના સ્વરૂપ અને સંખ્યાના સિદ્ધાંતોની મીમાંસા કરનારી તત્વજ્ઞાનની શાખાને તત્વમીમાંસા કહે છે. ભૌતિકવાદ એ તત્વમીમાંસાનો એક સિદ્ધાંત છે, જે અનુસાર કેવળ માનવશરીર જ નહિ, પણ માનવમન કે આત્મા સહિતના તમામ પદાર્થો અંતિમ સ્વરૂપે ભૌતિક છે, અર્થાત્ આ સમગ્ર વિશ્વ ભૌતિક તત્વના વિકારરૂપ છે. અધ્યાત્મવાદ એ ભૌતિકવાદનો વિરોધી સિદ્ધાંત છે. અધ્યાત્મવાદ આત્મતત્વને અંતિમ સત્તા તરીકે સ્વીકારે છે. આત્મા કોઈ ભૌતિક દ્રવ્યના વિકારનું પરિણામ નથી એમ બધા અધ્યાત્મવાદીઓ સ્વીકારે છે. પણ આત્માની સંખ્યા અંગે અધ્યાત્મવાદીઓમાં મતૈક્ય નથી. જે અધ્યાત્મવાદીઓ એક અને અદ્વિતીય એવા નિર્ગુણ અને સર્વથી નિરપેક્ષ એવા એક, અને માત્ર એક જ, આત્માનો અંતિમ તત્વ તરીકે સ્વીકાર કરે છે તેમનો સિદ્ધાંત નિર્ગુણ બ્રહ્મવાદ કે નિરપેક્ષ તત્વવાદ તરીકે ઓળખાય છે. ભારતીય તત્વજ્ઞાનની પરંપરામાં શંકરાચાર્યે નિર્ગુણ બ્રહ્મવાદનું અને પાશ્ચાત્ય પરંપરામાં હેગલ અને બ્રૅડલી જેવા વિચારવાદી ચિંતકોએ નિરપેક્ષ તત્વવાદનું પ્રતિપાદન કરેલું છે. નિરપેક્ષ તત્વવાદને મોટેભાગે અમૂર્ત એકતત્વવાદ કે કેવલાદ્વૈત તરીકે ઘટાવવામાં આવે છે, જોકે તેને સર્વેશ્વરવાદ કે શુદ્ધાદ્વૈત તરીકે પણ ઘટાવી શકાય તેમ છે. પાશ્ચાત્ય તત્વચિંતકોમાં સ્પિનોઝા સર્વેશ્વરવાદના પ્રતિપાદક તરીકે અને ભારતીય પરંપરામાં વલ્લભાચાર્ય શુદ્ધાદ્વૈતના પ્રતિપાદક તરીકે સુવિખ્યાત છે.

નિરપેક્ષ એકતત્વવાદ કે સર્વેશ્વરવાદ એ અધ્યાત્મવાદનો એક પ્રકાર છે, પરંતુ એકમાત્ર પ્રકાર નથી. અનેક જીવો, અનેક પદાર્થોથી યુક્ત ભૌતિક જગત અને જીવો તેમજ જગતનું નિયંત્રણ કરનાર એક ઈશ્વર એ તત્વત્રયનો સ્વીકાર કરનાર ઈશ્વરવાદ એ પૂર્વ અને પશ્ર્ચિમના તત્વજ્ઞાનની પરંપરામાં ઘણી વ્યાપક રીતે જોવા મળતો અધ્યાત્મવાદનો બીજો પ્રકાર છે. આમ મોટા ભાગના અધ્યાત્મવાદીઓ ઈશ્વરવાદી હોય છે. ઈશ્વરવાદીઓ ભૌતિક જગતને સ્વીકારનારા છતાં ભૌતિકવાદીઓના નહિ, પણ અધ્યાત્મવાદીઓના વર્ગમાં એટલા માટે આવે છે કે તેમના મતે ઈશ્વર જગતનો નૈતિક નિયામક છે; અને તેથી અનેક જીવો પોતાના સંકલ્પ-સ્વાતંત્ર્યથી જે કર્મો કરે છે તેનું યોગ્ય ફળ તેમને મળી રહે તેવી ઈશ્વરયોજના છે. આમ આત્માઓના પ્રયોજનને અનુલક્ષીને ભૌતિક જગત સાધન તરીકે વપરાતું હોઈ, ઈશ્વરવાદી જીવનદૃષ્ટિમાં ભૌતિક જગતને પોતાનું આગવું મહત્વ રહેલું નથી અને તેથી ઈશ્વરવાદ ભૌતિક જગતને સત્તા તરીકે સ્વીકારતો હોવા છતાં તેનો અભિગમ ભૌતિકવાદી બનતો નથી.

ભૌતિક જગત અને ચેતન આત્માઓના નિયામક તરીકે ઈશ્વરનો સ્વીકાર કરનારી તાત્વિક પરંપરાઓ અને તત્વચિંતકોની યાદી ઘણી મોટી થાય છે, કારણ કે પૂર્વ તેમજ પશ્ચિચિમના તત્વચિંતનની પરંપરામાં સ્થળ, કાળ અને પુરસ્કર્તાઓની સંખ્યા – એ ત્રણેની દૃષ્ટિએ વ્યાપક એવો કોઈ વાદ તત્વજ્ઞાનના ઇતિહાસમાં સોંસરો ચાલ્યો આવતો હોય તો તે ઈશ્વરવાદ છે. ઈશ્વરના અસ્તિત્વ, કર્તૃત્વ અને નિયંતૃત્વનો સ્વીકાર કરી તેને આધારે જીવન પ્રત્યેનો અધ્યાત્મવાદી અભિગમ સ્વીકારનારા પાશ્ચાત્ય ચિંતકોનાં બહુ મોટાં નામોમાં પ્લેટો, ઍરિસ્ટૉટલ, પ્લૉટિનસ, સંત ઑગસ્ટિન, એવરોઝ, સંત ટૉમસ ઍક્વાયનસ, દેકાર્ત, લાયબ્નિઝ, બર્કલી, કૅન્ટ, બર્ગસાં, વ્હાઇટહેડ અને આધુનિક આસ્તિક અસ્તિત્વવાદીઓનો સમાવેશ થાય છે. ભારતીય ઈશ્વરવાદીઓમાં ન્યાય-વૈશેષિક પરંપરાના દાર્શનિકો, શંકરાચાર્ય સિવાયના વેદાંતના તમામ આચાર્યો અને અનેક સંતપુરુષોનો સમાવેશ થાય છે.

પાશ્ચાત્ય તત્વચિંતનની પરંપરામાં નિરીશ્વરવાદ અને ભૌતિકવાદ હમેશાં સાથે જોવા મળે છે, જ્યારે ભારતીય તત્વચિંતનની પરંપરામાં નિરીશ્વરવાદને પણ અધ્યાત્મવાદની સાથે સુસંગત બનાવવાના પ્રભાવક પ્રયત્નો થયેલા છે. આમ ભારતીય સંદર્ભને અનુલક્ષીને કહી શકાય કે નિરીશ્વરવાદી અધ્યાત્મવાદ એ અધ્યાત્મવાદનો ત્રીજો પ્રકાર છે. નિરીશ્વરવાદી અધ્યાત્મવાદીઓના મતે આત્માઓની સંખ્યા અનેક છે, અને તેમાંના પ્રત્યેકનો કર્મ માટેનું સંકલ્પ-સ્વાતંત્ર્ય છે. પ્રત્યેક આત્માને પોતાના કર્મ પ્રમાણે ફળ મળી રહે તેવી સંસારવ્યવસ્થા ઈશ્વરથી નિરપેક્ષ રીતે ચાલે છે અને તેથી આત્મા અને તેના નૈતિક પ્રયોજન પ્રમાણેની જગતવ્યવસ્થામાં માનવા માટે ઈશ્વરમાં માનવાનું જરૂરી નથી. પ્રત્યેક આત્મા જેમ સાંસારિક ફળ આપનારાં કર્મો કરવા માટે સ્વાતંત્ર્ય ધરાવે છે, તેમ કર્મફળમાત્રથી મુક્ત થઈ મોક્ષાવસ્થાની સ્થિતિ માટેનો પ્રયત્ન કરવાનું સ્વાતંત્ર્ય પણ તેની પાસે છે. આમ નિરીશ્વરવાદી અધ્યાત્મવાદ પ્રત્યેક આત્માના તાત્વિક અને નૈતિક ગૌરવને અત્યંત સુરક્ષિત રાખે છે. અને મોટેભાગે તેને ખાતર જ ઈશ્વરના કર્તૃત્વનો અને ઈશ્વરકૃપાનો જેમાં અનિવાર્યપણે સ્વીકાર થાય છે એવા ઈશ્વરવાદી અભિગમનો વિરોધ કરે છે. આ પ્રકારનો નિરીશ્વરવાદી અભિગમ સ્વીકારનારા ભારતીય અધ્યાત્મવાદીઓમાં બૌદ્ધો અને જૈનો ઉપરાંત સાંખ્યો અને મીમાંસકોનો પણ સમાવેશ થાય છે.

તમામ પ્રકારના અધ્યાત્મવાદીઓ મૂળભૂત રીતે આત્માના અભૌતિક અને ચેતન એવા સ્વરૂપનો સ્વીકાર કરે છે. અધ્યાત્મવાદીઓની તત્વમીમાંસાની આ વ્યાપક લાક્ષણિકતા છે. જો આત્મા શરીરથી ભિન્ન એવું તત્વ હોય તો શરીરનું મૃત્યુ એ આત્માનો નાશ હોઈ શકે નહિ. આમ તમામ અધ્યાત્મવાદીઓ આત્માના અમરત્વનો અને એક યા બીજા પ્રકારની પરલોકની સ્થિતિનો સ્વીકાર કરે છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે અધ્યાત્મવાદનું ઇહલોકવાદ(secularism)ની દૃષ્ટિએ મહત્વ હોઈ શકે છે, પણ અધ્યાત્મવાદ સંપૂર્ણપણે ઇહલોકવાદી હોઈ શકે નહિ.

અધ્યાત્મવાદી તત્વમીમાંસામાં કેન્દ્રસ્થાને આત્મા હોવાથી અધ્યાત્મવાદી જ્ઞાનમીમાંસામાં ઇન્દ્રિયજ્ઞાનવાદ કરતાં બુદ્ધિવાદ, અંત:સ્ફુરણાવાદ અને રહસ્યવાદને વિશેષ મહત્વ મળે છે. એ જ રીતે, અધ્યાત્મવાદી નીતિમીમાંસામાં સ્વાર્થપરક ઇન્દ્રિયસુખવાદને નિષેધીને પરમાર્થપરક સદગુણવાદ અને મોક્ષવાદને પુરસ્કારવામાં આવે છે.

જ. આ. યાજ્ઞિક