અધ્યક્ષ, ધારાગૃહ (speaker) : ભારતમાં લોકસભા તેમજ રાજ્યોનાં ધારાગૃહની સભાનું પ્રમુખસ્થાન ધારણ કરનાર તથા તેનું સંચાલન કરનાર પદાધિકારી. આ સ્થાન વિશિષ્ટ જવાબદારીવાળું છે. તેની ગેરહાજરીમાં ધારાગૃહનું સંચાલન કરનાર ઉપાધ્યક્ષ કહેવાય છે. ધારાસભા પોતાના સભ્યોમાંથી બહુમતીના ધોરણે અધ્યક્ષ તેમજ ઉપાધ્યક્ષને ચૂંટી કાઢે છે. આ ચૂંટણી લોકસભામાં બંધારણની કલમ 93 મુજબ અને રાજ્યોમાં કલમ 178 મુજબ થાય છે. બંને સ્થાનની મુદત જે તે ધારાગૃહની મુદત પર્યંતની હોય છે. અધ્યક્ષને રાજીનામું આપવું હોય તો તે ઉપાધ્યક્ષને અને ઉપાધ્યક્ષને રાજીનામું આપવું હોય તો તે અધ્યક્ષને રાજીનામું આપી છૂટા થઈ શકે છે. લોકસભા કે રાજ્યોમાં વિધાનસભા અધ્યક્ષ કે ઉપાધ્યક્ષને તેમના સ્થાનેથી દૂર કરવાનો પ્રસ્તાવ બહુમતીથી મંજૂર થાય તો દૂર કરી શકે છે.

લોકસભા કે વિધાનસભાનું વિસર્જન થાય ત્યારે અધ્યક્ષે પોતાનું પદ ખાલી કરવાનું રહેતું નથી. નવી લોકસભા કે વિધાનસભાનું પ્રથમ સત્ર આરંભાય ત્યાં સુધી અધ્યક્ષનું પદ ચાલુ રહે છે.

ગૃહમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંને ગેરહાજર હોય તો પ્રમુખોની રચાયેલી પૅનલમાંથી કામચલાઉ અધ્યક્ષ ગૃહનું કાર્ય સંભાળે છે.

લોકસભા કે વિધાનસભાના 3 સ્તંભો મનાય છે : 1. અધ્યક્ષ, 2. વડા પ્રધાન/મુખ્યપ્રધાન 3. વિરોધપક્ષના નેતા. લોકસભામાં અધ્યક્ષ શબ્દ પર્યાય છે, જ્યારે રાજ્યસભામાં ચૅરમૅન એ શબ્દ પર્યાય છે. ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના ચૅરમૅન હોય. રાજ્યોમાં જ્યાં વિધાન પરિષદ હોય ત્યાં અધ્યક્ષને પણ ચેરમેન કહેવાય. અધ્યક્ષની ચૂંટણીમાં એક અવનવું લક્ષણ બંધારણમાં છે અને તે અધ્યક્ષપદની નિમણૂક માટે ચૂંટણી (elect) શબ્દ નથી, પણ પસંદગી (choose) શબ્દ છે. સામાન્યત: ગૃહમાં શાસક એટલે રાજકર્તા પક્ષમાંથી અધ્યક્ષપદના ઉમેદવારની પસંદગી થાય ને પછી ગૃહ મતદાન કરે. પરંતુ લોકસભાના વર્તમાન (1998) અધ્યક્ષ શ્રી જી. એમ. સી. બાલયોગી શાસક પક્ષ ભાજપના નથી, પરંતુ તે શાસક-પક્ષને મુદ્દા-આધારિત ટેકો આપનાર તેલુગુદેશમ્ પક્ષમાંથી છે. ઉપાધ્યક્ષપદ માટે સામાન્યત: વિરોધપક્ષને ઉમેદવાર રજૂ કરવા ઑફર થાય અને વિરોધપક્ષમાંથી ઉપાધ્યક્ષ હોય તેવી પ્રણાલી કેટલાક દાયકાઓથી છે. આ પ્રશ્ન 1998માં જટિલ થયેલ. ભારતમાં લોકસભાના અધ્યક્ષપદે આજ સુધીમાં મહિલાની પસંદગી થઈ નથી. જોકે રાજ્યસભામાં ડેપ્યુટી ચૅરમૅનપદે મહિલાની પસંદગી થઈ છે. હાલમાં રાજ્યસભાના ડેપ્યુટી ચૅરમૅનપદે શ્રી નઝમા હેપતુલ્લા છે. રાજ્યોની કેટલીક વિધાનસભામાં અધ્યક્ષપદે મહિલાને સ્થાન મળ્યું છે. બ્રિટનમાં હાઉસ ઑવ્ કૉમન્સમાં પ્રથમ મહિલા સ્પીકર 1992માં મિસ બીટી બૂથરૉઇડ ચૂંટાયાં છે. બ્રિટનના સંસદીય ઇતિહાસમાં તેઓ 155મા સ્પીકર છે.

અધ્યક્ષપદે કાયદાના સ્નાતક હોય તેવું આવશ્યક નથી. આ પદ માટે સામાન્યત: રાજકર્તા પક્ષમાંની પ્રશાંત અને પીઢ વ્યક્તિની મોટેભાગે પસંદગી થાય છે.

અધ્યક્ષપદનો ઉદગમ ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટમાં ઈ. સ. 1377માં થયો હતો. ટૉમસ હંગરફર્ડ આમસભાના પ્રથમ અધ્યક્ષ (speaker) થયા. તે ‘સ્પીકર’ કહેવાયા, કારણ કે સૈકાઓ પહેલાં તે રાજા પાસે જતા અને રાજાનો સંદેશો ગૃહના સભ્યોને કહેતા. તેમ ગૃહના નિર્ણય પછી તે રાજાને કહેતા.

અધ્યક્ષની મુખ્ય ફરજ ગૃહનું સંચાલન કરવાની છે. આ સંચાલન દેશના બંધારણ, રાજ્યની વિધાનસભાના નિયમો તેમજ સંસદીય પ્રણાલી મુજબ કરવાનું હોય છે. ગૃહમાં વ્યવસ્થા જાળવવી તે તેમનું કર્તવ્ય હોય છે. તેઓ ગૃહના વડા છે, પ્રથમ પ્રતિનિધિ છે તે સાથે તેના સેવક છે. અધ્યક્ષ હેઠળનું વહીવટી ખાતું બંધારણ મુજબ એક સ્વતંત્ર સચિવાલય તરીકે રહે છે એટલું જ નહિ, પણ ગૃહના મકાનના કેટલાક ભાગની સર્વ હકૂમત અધ્યક્ષ હેઠળ હોય છે. તેમાં રાજ્યની કે અન્ય કોઈની સત્તા નથી. ગૃહનું રક્ષકદળ અધ્યક્ષ હેઠળ હોય છે. અંદાજપત્ર, વિધેયકોની ચર્ચા, તેની મંજૂરી-નામંજૂરી, મત લેવા તેમજ પ્રસ્તાવો તથા સંકલ્પોની ચર્ચા – આ બધું તેમના નિયંત્રણ હેઠળ રહે છે. અધ્યક્ષ નક્કી કરે અને જેનું નામ બોલે તે જ સભ્ય ગૃહમાં બોલી શકે છે. ગૃહમાં સામાન્યત: પ્રથમ કલાક પ્રશ્ર્નોત્તરીનો હોય છે. પ્રશ્નોત્તરીમાં એકીસાથે ઘણા સભ્યો પ્રશ્નો પૂછવા ઊભા થાય, ત્યારે અધ્યક્ષ જેનું નામ બોલે તે જ પ્રશ્ન પૂછી શકે છે. અહીં જે સભ્ય અધ્યક્ષના દૃષ્ટિપથમાં પ્રથમ આવે (catching speaker’s eye) તેને તે બોલવાની છૂટ આપે છે.

ધારાગૃહ સમક્ષનો ખરડો (bill) મંજૂર કે નામંજૂર થાય તે પહેલાં ખરડો ત્રણ વાચનમાંથી પસાર થાય છે, જેનું સંચાલન અધ્યક્ષ કરે છે અને પરિણામ જાહેર કરે છે. ગૃહમાં મત લેવાય અને બંને પક્ષે સરખા મત પડે ત્યારે અધ્યક્ષ નિર્ણાયક મત (casting vote) આપી શકે છે, જેને આધારે ખરડાનો નિકાલ થાય છે.

કોઈ ખરડો નાણાકીય છે કે નહિ તે નક્કી કરવાની સત્તા અધ્યક્ષની હોય છે. ગૃહમાં ત્રણેય વાચનમાંથી ખરડો એટલે કે બિલ પસાર થાય પછી તેનું પ્રમાણપત્ર વિધાનસભાના અધ્યક્ષ રાજ્યપાલને મોકલે છે. લોકસભાના અધ્યક્ષ તેવું પ્રમાણપત્ર રાષ્ટ્રપતિને મોકલે છે. રાષ્ટ્રપતિ કે રાજ્યપાલની સંમતિ પછી તે રીતસરનો કાયદો બને છે. આમ અધ્યક્ષની અનેકવિધ સત્તાઓ અને જવાબદારીઓ હોય છે. સભાગૃહમાં કોઈ સભ્ય કે પ્રેક્ષક ગરબડ કરે કે ધાંધલ કરે તો તે વખતે અધ્યક્ષને વ્યવસ્થા જાળવવાની સત્તા હોય છે. કોઈ સભ્ય ધાંધલ કરે તો તેને અધ્યક્ષ નામ દઈને સંબોધે (naming the member) અને ગૃહ છોડી જવાનો આદેશ પણ આપી શકે છે. કેટલાક સંજોગોમાં ગૃહના પ્રસ્તાવ પછી તે સભ્યને સસ્પેન્ડ પણ કરી શકે છે. ધાંધલ કરતા પ્રેક્ષકો ઉપર પણ તે પગલાં લઈ શકે છે. સભાગૃહમાં વિશેષાધિકારના ભંગના કિસ્સાઓમાં જેલનો આદેશ અપાય તેવા ગૃહના પ્રસ્તાવ પછી અધ્યક્ષના આદેશ મુજબ કેદની સજા થઈ શકે છે.

ગૃહમાં કરવામાં આવતાં બધાં જ પ્રવચનો સભ્યશ્રીઓએ અધ્યક્ષને સંબોધીને કરવાનાં હોય છે અને અધ્યક્ષની આમન્યા સંપૂર્ણપણે જાળવવાની હોય છે. સભ્યો તેમનાં સંબોધનો ‘માનનીય અધ્યક્ષશ્રી’ એમ કહીને કરે તેવી પ્રણાલી છે. અધ્યક્ષ ઊભા થાય કે ઊભા હોય ત્યારે કોઈ પણ સભ્ય ઊભા થઈ શકતા નથી અને જો સભ્યો ઊભા હોય તો બેસી જવું પડે છે. એક સભ્ય બોલતા હોય ત્યારે બોલનાર સભ્ય અને અધ્યક્ષ વચ્ચે થઈને કોઈથી પસાર થઈ શકાય નહિ. વક્તાની બોલવાની સમયમર્યાદા અધ્યક્ષ નક્કી કરે છે. અધ્યક્ષ પોતાની પાસે ઘંટડી રાખે છે અને તેનો ઉપયોગ યથાવકાશ કરે છે. સભાગૃહમાં કાનૂની મુદ્દા ઉપરાંત ઔચિત્યના કે અન્ય મુદ્દા ઊભા થાય ત્યારે અધ્યક્ષ તેનો નિર્ણય કરે છે. ગૃહમાં વ્યવસ્થા જાળવવા માટે ‘ઑર્ડર, ઑર્ડર’ શબ્દો અધ્યક્ષ બોલતા હોય છે. 1986માં પસાર થયેલા પક્ષપલટાવિરોધી કાયદામાં અધ્યક્ષને કેટલીક સત્તા આપવામાં આવી છે. ગૃહમાં સમિતિઓ નિમાય છે તેમની ઉપરનો અંકુશ પણ અધ્યક્ષનો હોય છે. ગૃહમાં કોઈ પણ નિર્ણયની આખરી સત્તા અધ્યક્ષને હોય છે. અધ્યક્ષના નિર્ણયને સામાન્યત: ન્યાયાલયમાં પણ પડકારી શકાતા નથી. ગૃહના સભ્યોના વિશેષાધિકારો(privileges)નું જતન પણ અધ્યક્ષ કરે છે. કોઈ વિશેષાધિકારનો ભંગ થાય તેનો ઇલાજ પણ તે સૂચવી શકે છે. ગૃહને કોઈક પ્રસંગે અચોક્કસ કે ચોક્કસ મુદત સુધી તે મુલતવી રાખી શકે છે. જોકે આવી સત્તાના અધ્યક્ષ દ્વારા દુરુપયોગ થયાના કેટલાક દુ:ખદ બનાવો ભારતમાં બન્યા છે. અધ્યક્ષો પક્ષીય બન્યા હોય કે ઉછાંછળા થયા હોય તેવા પ્રસંગો પણ નોંધાયા છે. બીજી બાજુ ગૃહમાં કે ગૃહ બહાર તટસ્થ નીતિ અને વ્યક્તિત્વ દ્વારા અધ્યક્ષના સ્થાનને દીપાવ્યાના દાખલા પણ બન્યા છે.

અધ્યક્ષમાં તટસ્થતા, મક્કમતા, ન્યાયવૃત્તિ, ત્વરિત નિર્ણય લેવાની શક્તિ તેમજ કાયદા અને નિયમોનું જ્ઞાન જરૂરી છે. અધ્યક્ષમાં પ્રતિભા, ગાંભીર્ય અને કોઠાસૂઝ પણ એટલાં જ જરૂરી ગણાય. અધ્યક્ષને ગૃહમાં જેટલું ઓછું બોલવું પડે તેટલી તેની કાર્યક્ષમતા ઓપે. વાસ્તવમાં અધ્યક્ષના ચહેરા-મહોરા પર વિધાનસભાનું સંચાલન આધારિત હોય છે. તેનો પ્રભાવ જેટલો વધારે તેટલું તેનું સંચાલન વધુ અસરકારક. સત્તાધારી પક્ષ જ્યારે તેની બહુમતીના જોરે વિરોધપક્ષને અન્યાય કરે ત્યારે અધ્યક્ષે વિરોધપક્ષને રક્ષણ આપવાનું હોય છે. સંપૂર્ણ તટસ્થતા અધ્યક્ષની ફરજ નહિ, પણ ધર્મ થઈ પડે છે.

અધ્યક્ષ સામાન્યત: ચર્ચામાં ભાગ ન લે, નિર્લેપ રહે તે ઇષ્ટ છે. ક્યારેક ગૃહમાં બુદ્ધિપૂર્ણ સંસદીય વિનોદ હોઈ શકે, પણ ગૃહનું ગૌરવ અતૂટ રહેવું જોઈએ. અધ્યક્ષ સભાગૃહનું ગૌરવ છે. પંડિત જવાહરલાલ નેહરુના કહેવા પ્રમાણે અધ્યક્ષ ગૃહનું પ્રતિનિધિત્વ કરે છે, ગૃહના સ્વાતંત્ર્યનું પ્રતિનિધિત્વ કરે છે, કારણ કે ગૃહ પ્રજાનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી અધ્યક્ષ પ્રજાનાં સ્વાતંત્ર્ય તથા મુક્તિના પ્રતીક છે.

અધ્યક્ષે કેમ વર્તવું તેની લેખિત કલમો બંધારણમાં નથી પરંતુ પ્રણાલીના ઇતિહાસમાં માર્ગદર્શક રેખાઓ છે. તેણે શું કરવું તેના કરતાં શું ન કરવું તેની લક્ષ્મણરેખા આ સઘળી મૌખિક રેખામાં મહત્વની છે. અહીં કેટલીક આવી લક્ષ્મણરેખા આપી છે :

  1. ગૃહમાં ઘાંટો પાડીને બોલાય નહિ. અધ્યક્ષના સ્થાનમાં શાંત બેસાય, વધુપડતું હલનચલન થાય નહિ.
  2. ગૃહમાં ખડખડાટ ન હસાય, કોઈક પ્રસંગે અપવાદરૂપી સાહિત્યમાંથી અવતરણો ટંકાય, પરંતુ શાયરી, ગઝલો ન પીરસાય.
  3. ગૃહમાં પહેરવેશ એક જ પ્રકારનો હંમેશ જળવાય. તે પીઢ વ્યક્તિને શોભે તેવો હોવો જોઈએ.
  4. પોતાના પક્ષ સહિત કોઈ પણ રાજકીય પક્ષના કાર્યાલયમાં ન જવાય. સમારંભોમાં જ્યાં બે જૂથો હોય ત્યાં ન જવાય. વિવાદાસ્પદ નિવેદનો ન કરાય. પોતાની ચેમ્બરમાં કોઈ નિવેદનો, મેમોરૅન્ડમો વગેરે રજૂ કરવા માંગે તો તે શક્ય તેટલું ટાળવું. ચેમ્બરમાં ફોટા ન પડે તેની કાળજી લેવી.
  5. સત્ર પૂરું થાય ત્યારે માહિતી આપવા એક પ્રેસ કૉન્ફરન્સ બોલાવાય; તે સિવાય અધ્યક્ષ અન્ય પ્રેસ કૉન્ફરન્સ બોલાવી ન શકે.
  6. અધ્યક્ષપદની નિવૃત્તિ પછી પણ અધ્યક્ષથી ઊંચાં પદ સ્વીકારાય, નીચાં પદ નહિ. નિવૃત્તિમાં પણ અધ્યક્ષપદની ગરિમા રાખવી રહી.

ચૂંટાયા પછી અધ્યક્ષને પક્ષમાં નિષ્ક્રિય બનવું પડે છે. અધ્યક્ષપદ પ્રાપ્ત કર્યા પછી પોતાના પક્ષમાંથી રાજીનામું આપ્યાનાં દૃષ્ટાંત છે. સંજીવ રેડ્ડીએ 1967માં લોકસભાના અધ્યક્ષ થયા પછી કૉંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપેલું. સામાન્યત: આ રીતે રાજીનામું આપવાનું હોતું નથી. અધ્યક્ષ પક્ષમાં સભ્ય તરીકે ચાલુ રહી શકે છે, પણ જાહેર રીતે સક્રિય ન રહે કે પક્ષની સભાઓમાં હાજર ન રહે તે આવશ્યક છે. અધ્યક્ષ વાદવિવાદથી પર રહે તે ઇષ્ટ છે. સભાગૃહમાં જ નહિ, પણ ગૃહની બહાર પણ તેનું વર્તન વાદવિવાદથી પર અને મોભાદાર રહેવું જોઈએ. જાહેર જીવનમાં અન્ય ક્ષેત્રોમાં પણ અધ્યક્ષે વાદવિવાદવાળાં મંડળો, સંગઠનો કે સભારંભોમાંથી દૂર રહેવું જોઈએ તેવી અપેક્ષા રહે છે.

અધ્યક્ષને માનાર્હ વેતન તેમજ સમારંભાદિ યોજવાનાં ભથ્થાં મળે છે. સામાન્યત: અધ્યક્ષનો દરજ્જો વડાપ્રધાન કે મુખ્યમંત્રી પછીનો અને અન્ય પ્રધાનોની ઉપરનો હોય છે. અધ્યક્ષ પોતાના મતદાર વિભાગની મુલાકાત લઈ શકે છે. રાજ્ય બહાર નિયમાનુસાર પ્રવાસ કરી શકે છે. અધ્યક્ષ બેસે છે તે સુશોભિત ખુરશી ગૃહમાં મંચની ઉપર રાખવામાં આવે છે.

કાર્યકારી અધ્યક્ષ : જ્યારે ગૃહના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંનેનું પદ ખાલી હોય ત્યારે અધ્યક્ષના પદની ફરજો બજાવવા માટે ગૃહના સૌથી વરિષ્ઠ સભ્યની નિમણૂક [કલમ 95 (1) અનુસાર] રાષ્ટ્રપ્રમુખ કાર્યકારી અધ્યક્ષ તરીકે કરે છે. જો સમાન વરિષ્ઠતા ધરાવતા સભ્યો એકથી વધારે હોય તો તેવે સમયે વરિષ્ઠ સભ્યોમાંના સૌથી વધુ વય ધરાવતા સભ્યની નિમણૂક કાર્યકારી અધ્યક્ષ તરીકે કરવામાં આવે છે. તદુપરાંત, નવી ચૂંટાયેલી લોકસભાની પ્રથમ બેઠકના સંચાલનની શરૂઆત કરવા માટે કાર્યકારી અધ્યક્ષની નિમણૂક કરવામાં આવે છે. આ રીતે નીમવામાં આવેલ કાર્યકારી અધ્યક્ષ, નવા અધ્યક્ષ ચૂંટાય ત્યાં સુધી હોદ્દા પર રહે છે. અધ્યક્ષની ચૂંટણી પૂરી થાય અને નવા અધ્યક્ષ ઘોષિત થાય તે સાથે જ કાર્યકારી અધ્યક્ષના હોદ્દાનો આપોઆપ અંત આવે છે.

આ પ્રથાનો આરંભ બ્રિટનની પાર્લમેન્ટમાં થયો હતો. બ્રિટિશ પાર્લમેન્ટમાં એવી પ્રણાલિકા છે કે કાર્યકારી અધ્યક્ષ, અધ્યક્ષના મૂળ સ્થાનની ડાબી બાજુ સ્થાન ગ્રહણ કરે, જ્યાં સામાન્ય રીતે આમસભાના ક્લાર્ક બેસે છે.

ભારતમાં કાર્યકારી અધ્યક્ષનાં કાર્યો અને સત્તાઓ અધ્યક્ષને પ્રાપ્ત થયેલાં કાર્યો અને સત્તાઓ જેવાં જ હોય છે.

વિધાનસભાની સમિતિઓમાં કામકાજ સલાહકાર સમિતિ (business advisory committee) હોય છે, જેના પ્રમુખપદે અધ્યક્ષ હોય છે. કેટલીક સમિતિઓના ચૅરમૅનોને અધ્યક્ષ નીમે છે. સામાન્ય રીતે અધ્યક્ષને મુખ્ય પ્રધાન, ગૃહના નેતા, સંસદીય બાબતોના પ્રધાન, વિરોધપક્ષના નેતા તથા વિવિધ પક્ષોના દંડકોનો વધુ સંપર્ક રહે છે.

સ્વાતંત્ર્યપ્રાપ્તિ પહેલાં વિઠ્ઠલભાઈ પટેલે તથા સ્વાતંત્ર્યોત્તર ભારતમાં લોકસભાના પ્રથમ અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવળંકરે પોતાની તટસ્થતા, મક્કમતા, જ્ઞાન અને પ્રતિભાથી લોકશાહીના ઇતિહાસમાં સ્મરણીય સ્થાન પ્રાપ્ત કર્યું છે અને ભાવિ પેઢીઓ માટે લોકશાહીની તંદુરસ્ત અને ઉત્તમ પ્રણાલી પ્રસ્થાપિત કરી આપી છે. 27 ફેબ્રુઆરી 1956ના રોજ માવળંકરના નિધન વખતે પંડિત જવાહરલાલ નેહરુએ તેમને અંજલિ આપતાં કહેલું કે તેમની વિદાયથી લોકસભા માથા વિનાના ધડ જેવી થઈ ગઈ છે. તેમણે માવળંકરને લોકસભાના પિતા કહ્યા હતા.

સ્વાતંત્ર્ય પછી ભારતની લોકસભાના અધ્યક્ષોની યાદીમાં (1) ગણેશ વાસુદેવ માવળંકર (1947-1956), (2) અનંતશયનમ્ આયંગર (1956-62), (3) સરદાર હુકમસિંગ (1962-67), (4) નીલમ સંજીવ રેડ્ડી (1967-69), (5) ગુરુદયાલસિંહ ધિલોન (1969-75), (6) બલિરામ ભગત (1976-77), (7) કે. એસ. હેગડે (1977-79), (8) બલરામ જાખડ (1980-89), (9) રવિ રાય (1989-91), (10) શિવરાજ પાટીલ (1991-96), (11) પી. એ. સંગમા (1996-98) અને (12) જી. એમ. સી.બાલયોગી(1998-99)નો સમાવેશ થાય છે. 1999ની સામાન્ય ચૂંટણી પછી તેરમી લોકસભાના અધ્યક્ષ તરીકે તેમની સર્વાનુમતે વરણી થઈ હતી.

2002થી 2004 સુધી મનોહર જોશી લોકસભાના અધ્યક્ષ બન્યા હતા. તેઓ 13મા અધ્યક્ષ હતા. 2004ની સામાન્ય ચૂંટણી પછી સોમનાથ ચેટરજી 14મી લોકસભાના અધ્યક્ષ બન્યા હતા.

2009ની સામાન્ય ચૂંટણી બાદ મીરાં કુમારને 15મી લોકસભાના અધ્યક્ષ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યાં હતાં. મીરાં કુમાર દેશની લોકસભાનાં પ્રથમ મહિલા અધ્યક્ષ હતાં. 2014ની લોકસભાની ચૂંટણી પછી ભાજપ અને સાથીપક્ષોની સરકાર બની હતી. એ પછી સુમિત્રા મહાજનને 16મી લોકસભાનાં અધ્યક્ષ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યાં હતાં. 2019 પછી ઓમ બિરલા લોકસભાના અધ્યક્ષ છે.

ગુજરાત રાજ્યના અધ્યક્ષોની નામાવલિમાં (1) કલ્યાણજી વિઠ્ઠલજી મહેતા (1960), (2) માનસિંહજી ભાસાહેબ રાણા (1960-62), (3) ફતેહઅલી પાલેજવાલા (1962-67), (4) રાઘવજી લેઉઆ (1967-75), (5) કુંદનલાલ જ. ધોળકિયા (1975-80), (6) નટવરલાલ શાહ (1980-90), (7) બરજોરજી કાવસજી પારડીવાળા (1990), (8) શશિકાન્ત આનંદલાલ લાખાણી (1990), (9) હિંમતલાલ મૂલાણી (1991-95), (10) હરિશ્ર્ચંદ્ર લ. પટેલ (1995-96), (11) ગુમાનસિંહ વાઘેલા (1996-98) અને (12) ધીરુભાઈ શાહ(1998-2002)નો સમાવેશ થાય છે.

2002થી 2008 સુધી મંગળદાસ પટેલ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રહ્યા હતા. 2008થી 2010 સુધી અશોક ભટ્ટે ગુજરાતના વિધાનસભાની જવાબદારી સંભાળી હતી. 2010થી 2012 સુધી ગણપત વસાવા, 2012થી 2013 સુધી વજુભાઈ વાળા, 2013માં નીમાબહેન આચાર્ય અધ્યક્ષપદે કાર્યરત રહ્યાં હતાં. 2013થી 2014 વજુભાઈ વાળા બીજી વાર અધ્યક્ષ બન્યા હતા. 2014-16 સુધી ગણપત વસાવા ફરી સ્પીકર તરીકે વરણી પામ્યા હતા. 2016થી 18 સુધી રમણલાલ વોરા અધ્યક્ષ રહ્યા હતા. 2018થી 2021 રાજેન્દ્ર ત્રિવેદી,  ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે કાર્યરત છે.

અધ્યક્ષપદ લોકસભા કે ધારાસભાનું મધ્યબિંદુ છે. તેનાં માનમરતબો જળવાય તે જોવાની રાજ્યની, પ્રજાની તેમજ લોકસભા કે ધારાસભાના પ્રત્યેક સભ્યની ફરજ હોય છે.

કુંદનલાલ જ. ધોળકિયા