અધિકારી, હેમુ (જ. 31 જુલાઈ 1919, પુણે, મહારાષ્ટ્ર; અ. 25 ઑક્ટોબર 2003, મુંબઈ, મહારાષ્ટ્ર) : વિખ્યાત ભારતીય ક્રિકેટ ખેલાડી. અભ્યાસ બી.એ. સુધીનો – બરોડા હાઈસ્કૂલ તથા બરોડા કૉલેજમાં. રણજી ટ્રોફી ખેલાડી – ગુજરાત (1936–37), વડોદરા (1937–38થી 1949–50), સર્વિસિઝ (1950–51થી 1956–60, પ્રથમ ત્રણ વર્ષ કપ્તાન); ટેસ્ટ ખેલાડી (1947–48થી 1958–59, 1 વર્ષ કપ્તાન). સમર્થ બૅટ્સમૅન, જમણેરી લેગ-બ્રેક બૉલર. ફીલ બ્રેઇલીએ કહ્યું છે તેમ, કવરના ક્ષેત્રરક્ષક તરીકે તેમની ગણના વિશ્વમાં નીલ હાર્વે પછી થતી.

કુલ રન 8,638 (સરેરાશ 41.74), ટેસ્ટના 872 (31.14). સહસદીઓ 17. એક ટેસ્ટમૅચમાં બે સદીઓ–128, 151 (અણનમ) નવાનગર સામે, 1945–46. ઉચ્ચાંક 230 (અણનમ) રાજસ્થાન સામે, 1951–52. ત્રણ ભાગીદારીઓ 300 ઉપર. વિક્રમ : ટેસ્ટમાં 10મી વિકેટની ભાગીદારી-109 રન ગુલામ અહમદ સાથે, પાકિસ્તાન સામે, 1952–53. પ્રવાસ : ઑસ્ટ્રેલિયા (1947–48), ઇંગ્લૅંડ (1952) (ઉપ-કપ્તાન). મૅનેજર : ઇંગ્લૅંડ, 1971 અને 1974) ભારતીય શાળાની ટીમના મૅનેજર : ઇંગ્લૅંડ (1967), ઑસ્ટ્રેલિયા (1968–69). ભારતીય ટીમના પસંદગીકાર (1961–62થી 1967–68), રાષ્ટ્રીય તાલીમ શિક્ષક (1974થી ’84). નિવૃત્ત લશ્કરી અધિકારી (કર્નલ).

આણંદજી ડોસા