અધિકૃત નાણું : ધારાકીય જોગવાઈઓ અનુસાર અનિવાર્યપણે સર્વ સ્વીકાર્ય નાણું. તેને કાયદેસર કે ચલણી નાણું પણ કહે છે. કરવેરા કે/અને કરજની ચુકવણી પેટે વસૂલાતના યોગ્ય સ્થળે અને સમયે લેણદારે જેને સ્વીકારવું જ જોઈએ એ નાણું. વિશ્વના પ્રત્યેક દેશનું પોતાનું અલગ અધિકૃત નાણું હોય છે. રિઝર્વ બૅન્ક ઑવ્ ઇન્ડિયાની ચલણી નોટો અને ભારત સરકારના ચલણી સિક્કા ભારતનું અધિકૃત નાણું છે.

સામાન્ય રીતે, કરજદારે કરજની રકમ જેટલાં જ અધિકૃત નાણાં લેણદારને બિનશરતી સુપરત કરવાનાં હોય છે. જો તેથી વધુ રકમનાં નાણાં સ્વીકારાયાં હોય તો ઉપરની રકમ અધિકૃત નાણાંમાં જ પરત કરવી પડે છે. અધિકૃત નાણાંની સોંપણીનો અસ્વીકાર કરવામાં આવે તો તેથી કરજનો લોપ થતો નથી, પરંતુ કરજની રકમ ઉપર વ્યાજની ગણતરી સ્થગિત થઈ જાય અને લેણદારના પૂર્વાધિકાર(lien)નો લોપ થાય છે. ઉપરાંત, કરજની વસૂલાત અંગેની અદાલતની કાર્યવાહીનો સઘળો ખર્ચ લેણદારે ભોગવવો પડે છે.

નાણાકીય લેવડદેવડોના વ્યવહારોમાં અધિકૃત નાણાંની અવેજીમાં સ્વીકારાતાં ચેક, હૂંડી, વચનપત્ર, પોસ્ટલ ઑર્ડર વગેરે અધિકૃત નાણું ગણાતું નથી.

ધીરુભાઈ વેલવન