અધિકમાસ ­— ક્ષયમાસ : ઋતુઓ અને તહેવારો નિયત રીતે આવે તે માટે ભારતીય પંચાંગમાં કરવામાં આવેલી વિશિષ્ટ જોગવાઈ. ભારતીય પંચાંગોમાં તથા ધર્મશાસ્ત્રોમાં પ્રાચીન કાળથી સૌર, ચાંદ્ર, સાયન અને નાક્ષત્ર એમ ચાર પ્રકારનું કાલમાન મિશ્ર રૂપે સ્વીકારેલું છે. તેમાં સૌર અને ચાંદ્રમાસનો સમન્વય કરી ઋતુઓ અને તહેવારો નિયત રીતે આવ્યા કરે તેવો પ્રબંધ કરેલો છે. તેની અંતર્ગત અધિકમાસની યોજના થયેલી છે.

તેમાં સૂર્ય એક રાશિ પૂરી કરે તેટલા સમયને સૌરમાસ અને મેષાદિ બાર રાશિઓ પૂરી કરે તેટલા વખતનું અર્થાત્ બાર સૌરમાસનું 365 દિ., 15 ઘડી, 22 પળ અને 54 વિપળ(365 દિ., 6 ક., 9 મિ. અને 10 સેકન્ડ)નું એક સૌરવર્ષ થાય છે. સુદ એકમથી વદ અમાસ સુધીના સમયને એક ચાંદ્રમાસ કહે છે અને આવા બાર માસનું એક ચાંદ્રવર્ષ થાય છે, જે 354 દિ., 8 ક., 48 મિનિટ, 34 સેકન્ડનું હોય છે. આમ સૌરવર્ષ અને ચાંદ્રવર્ષ વચ્ચે પ્રતિવર્ષે 10 દિવસ, 21 કલાક, 20 મિનિટ અને 36 સેકન્ડનો તફાવત પડે છે. આ તફાવત લગભગ પોણાત્રણ વર્ષે ત્રીસ દિવસનો થાય છે. એટલે ચાંદ્રમાસમાં એક મહિનો ઉમેરવામાં આવે તો તે સૌરમાસોની બરાબર થાય છે. ટૂંકમાં કહીએ તો 33 સૌરમાસ બરાબર 34 ચાંદ્રમાસ બને છે. આ વધારાના માસને અધિકમાસ કહે છે.

એક એવો પણ નિયમ છે કે, એક ચાંદ્રમાસમાં સૂર્ય રાશિ બદલે તો તે માસને શુદ્ધ માસ, જો રાશિ ના બદલે તો તેને અધિકમાસ અને બે રાશિઓ બદલે તો તેને ક્ષયમાસ કહેવો. આમ શુદ્ધ, અધિક અને ક્ષય સંજ્ઞાઓ ચાંદ્રમાસને લાગુ પડે છે અને તે સંક્રાંતિસાપેક્ષ છે. એક ચાંદ્રમાસમાં સૂર્યનું એક વખત રાશિસંક્રમણ થાય તે પ્રકૃતિ છે અને રાશિસંક્રમણ ના થાય અથવા બે વખત થાય તે વિકૃતિ છે. પ્રકૃતિમાસ એટલે શુદ્ધ અને વિકૃતિમાસ એટલે અધિક અથવા ક્ષયમાસ ગણાય છે.

એક જ ચાંદ્રમાસને નક્ષત્રથી ઉત્પન્ન થતાં નામો આપવામાં વિવાદ ઊભો થતો હોવાથી તેને કોઈ નામ ન આપવું એવો મધ્યમમાર્ગ લઈ પૌરાણિકોએ તેને પુરુષોત્તમમાસ કહ્યો અને તેને દાનવ્રતાદિ કાર્યો માટે ઉત્તમ માસ ગણ્યો છે. બીજી બાજુ જ્યોતિષીઓ અને ધર્મશાસ્ત્રીઓએ તેને મલમાસ અથવા મલિમ્લુચમાસ એવી હલકી સંજ્ઞા આપી શુભ કાર્યો માટે વર્જ્ય ગણ્યો છે. સૂર્યની સ્પષ્ટ ગતિ હંમેશાં એકસરખી હોતી નથી, તેને લીધે સ્પષ્ટ સૌરમાસ ઓછાવત્તા માપના (સમયના) આવે છે અને એક ચાંદ્રમાસમાં કોઈ કોઈ વાર બે સંક્રમણ આવી શકે છે. તેને લીધે ઉપરની વ્યાખ્યા પ્રમાણે ક્ષયમાસ આવે છે ત્યારે એક જ વર્ષમાં બે અધિકમાસ આવે છે. સ્પષ્ટમાનથી એક અધિકમાસથી બીજા અધિકમાસની વચ્ચે ઓછામાં ઓછું અંતર 27 મહિના અને વધારેમાં વધારે અંતર 35 મહિના હોય છે.

આકૃતિ 1

એક સામાન્ય નિયમ એવો છે કે કાર્તિક માસ અધિકમાસ તરીકે આવે. ક્વચિત્ ક્ષયમાસ તરીકે પણ આવે. માગસર અને પોષ ક્ષયમાસ તરીકે આવે, પણ તે અધિક થઈ શકતા નથી. મહા મહિનો સદાકાળ પ્રાકૃતિક રહે છે. એટલે તે કદી પણ અધિક કે ક્ષયમાસ બનતો નથી. ફાગણથી આસો સુધીના આઠ માસ અધિક તરીકે આવી શકે, પરંતુ ક્ષયમાસ તરીકે કદી આવતા નથી. જ્યારે ક્ષયમાસ આવે ત્યારે તેની પહેલાં આવનારા અધિકમાસને ‘સંસર્પ’માસ, ક્ષયમાસને અહંસસ્પતિ અને તેની પછી આવનારા અધિકમાસને ‘અધિકમાસ’ અથવા ‘મલિમ્લુચ’ કહે છે. આમ સૌરવર્ષ અધિકમાસ ઉમેરાતાં તેર ચાંદ્રમાસનું થાય છે, પરંતુ કદાપિ અગિયાર કે ચૌદ ચાંદ્રમાસનું થતું નથી. ‘ધર્મસિન્ધુ’ ગ્રંથ પ્રમાણે મલમાસમાં (અધિકમાસમાં) ઉપાકર્મ અને ઉત્સર્ગ, અષ્ટકાશ્રાદ્ધ, ગૃહપ્રવેશ, મુંડન, મૌજીબંધન (જનોઈ), વિવાહ, તીર્થ આદિની યાત્રા, વાસ્તુકર્મ, દેવપ્રતિષ્ઠા આદિ શુભ માંગલિક કાર્યો વર્જ્ય ગણાયાં છે.

એક ક્ષયમાસ પછી બીજો ક્ષય 19 વર્ષે, 65 વર્ષે, 141 વર્ષે અથવા 255 વર્ષે એમ અનિયમિત ક્રમમાં આવ્યા કરે છે.

આકૃતિ 2

ખગોળશાસ્ત્ર અનુસાર કાલગણના માટે રાશિચક્રમાં દેખાતા સૂર્યના આભાસી પરિભ્રમણથી વર્ષની અને ચંદ્રના પૃથ્વી-ભ્રમણ દ્વારા માસની ગણના કરીએ છીએ. આપણે અમાવાસ્યા(અમાસ)એ માસ પૂરો થયેલો ગણીએ છીએ અને તુરત જ નવા માસનો આરંભ કરીએ છીએ. ભારતીય પદ્ધતિમાં ચાંદ્રમાસને નામ આપવા માટે (1) માસના આરંભે સૂર્ય કઈ રાશિના અંશરૂપ નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે; અને (2) માસના અંતે આવતી અમાસ વખતે સૂર્યરાશિ બદલાઈ ગઈ છે કે કેમ, એ બંને બાબતો લક્ષમાં લેવાય છે. સૂર્ય એક સરેરાશ રાશિ(રાશિચક્રના 300)નું ભ્રમણ 30 દિવસ 10.2 કલાકમાં પૂરું કરે છે. પરંતુ 3 જાન્યુઆરીએ પૃથ્વી સૂર્યથી નિકટતમ અંતરે – 14 કરોડ 71 લાખ કિમી. – હોય છે; જ્યારે 4 જુલાઈના રોજ અંતર વધીને 15 કરોડ 21 લાખ કિમી. થાય છે. કેપ્લરના ગ્રહગતિના બીજા નિયમ અનુસાર પદાર્થની આસપાસ ગુરુત્વાકર્ષણબળની અસર હેઠળ ઘૂમતો આકાશીય પદાર્થ, કેન્દ્રની નજીક આવે ત્યારે તેનો કક્ષીય વેગ વધે છે; અને જેમ દૂર જાય (ત્રિજ્યા મોટી થાય) તેમ તેનો કક્ષીય વેગ ઘટે છે. એટલે પૃથ્વીનો કક્ષીય વેગ 3 જાન્યુઆરીની આસપાસ 30.03 કિમી./સે. – સૌથી વધારે – હોય છે. જ્યારે 4 જુલાઈની આસપાસ તે ઘટીને 29.52 કિમી./સે. થાય છે. એટલે સૂર્યનું રાશિસંક્રમણ પણ વર્ષ દરમિયાન વધઘટ દર્શાવે છે, જેને કારણે સૂર્યના આભાસી પરિભ્રમણ વખતે રાશિચક્રના 300ના ગાળાઓ પસાર કરતાં એને જુલાઈની આસપાસ થોડો વધારે વખત લાગે છે; જ્યારે જાન્યુઆરીની આસપાસ થોડો ઓછો વખત લાગે છે. પૃથ્વીની આસપાસ પરિભ્રમણ પૂરું કરવા માટે ચંદ્રને જુલાઈની આસપાસના સમયગાળામાં 29.3 દિવસ અને જાન્યુઆરીની આસપાસ 29.8 દિવસ જેટલો સમય લાગે છે.

ચાંદ્રમાસની ઉપર મુજબની વ્યાખ્યા અનુસાર જો બે અમાસ દરમિયાન સૂર્યની રાશિ ન બદલાય તો તે અધિકમાસ કહેવાય છે; જ્યારે બે અમાસ દરમિયાન સૂર્યની રાશિ બે વખત બદલાય તો તેને ક્ષયમાસ ગણવામાં આવે છે. આકૃતિ 1માં ઑગસ્ટ 1982થી એપ્રિલ 1983 દરમિયાન થયેલ સૂર્યસંક્રાંતિના સમય તેમજ થયેલી અમાવાસ્યાના સમયો દર્શાવ્યા છે. તેમાં થયેલ આસો (નિયત) અધિકમાસ તેમજ ફાગણ (વિશેષ) અધિકમાસ ખાસ લક્ષ ખેંચે છે; અને પોષ માસનો ક્ષય થવાની ઘટના સાચે જ ધ્યાનાકર્ષક છે, કારણ કે ક્ષયમાસ તો 19થી 225 વર્ષના અનિયમિત સમયગાળે આવે છે.

1780થી 2152 એટલે કે 372 વર્ષના સમયગાળા દરમિયાન 139 નિયત અધિકમાસ તેમજ 7 વિશેષ અધિકમાસ થઈ કુલ સંખ્યા 146 અધિકમાસ જેટલી થાય છે. તેમનું ચાંદ્રમાસ અનુસાર વર્ગીકરણ આકૃતિ 2માં દર્શાવ્યું છે. સામાન્ય (નિયત) અધિકમાસ મુખ્યત્વે વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ અને ભાદરવા દરમિયાન જ આવે છે. વિશેષ અધિકમાસ આસો, કારતક, માગશર અને ફાગણમાં પણ જોવા મળે છે; જ્યારે મહા માસ કદીય અધિકમાસ કે ક્ષયમાસ થતો નથી. ક્ષયમાસની અસામાન્ય ઘટના તો કારતકથી પોષ દરમિયાન જ જોવામાં આવે છે. આ બંને લક્ષણોનું કારણ અગાઉ જણાવ્યું તેમ, સૌરવર્ષ દરમિયાન સૂર્યને રાશિસંક્રમણ કરવા માટે લાગતા જુદા જુદા સમય છે, જે સૂર્યરાશિના દિનમાન તરીકે સ્તંભાલેખ(histogram)ની સાથે જ દર્શાવ્યું છે. આ કાર્યકારણનું ઉદાહરણ સાચે જ રસપ્રદ છે.

હિંમતરામ  જાની

ઈન્દ્રવદન વિ. ત્રિવેદી
પ્ર. દી. અંગ્રેજી