અદ્ભુતસાગર : મિથિલાના રાજા બલ્લાલસેને રચેલો સંસ્કૃત ગ્રંથ. આ ગ્રંથમાં વેદવેદાંગોથી આરંભી વિક્રમની દશમી શતાબ્દી સુધીના જ્યોતિષ, આયુર્વેદ, શુકન આદિ વિષયોનું દોહન કરીને શુભાશુભ યોગોનો અદભુત સંગ્રહ થયેલો છે. આ ગ્રંથમાં પૃથ્વી ઉપર દેખાતા રહસ્યમય અને અદભુત બનાવોનાં પરિણામોનો વિચાર કરવામાં આવ્યો છે. આથી ગ્રંથનું ‘અદ્ભુતસાગર’ નામ આપ્યું જણાય છે.

આ ગ્રંથના દિવ્યાશ્રય, અંતરીક્ષાશ્રય અને ભૌમાશ્રય – એમ ત્રણ વિષયવિભાગો છે. દિવ્યાશ્રયમાં સૂર્યાદિ ગ્રહો, ધ્રુવ, અગસ્ત્ય આદિ તારકો અને નક્ષત્રોનાં અદભુતોનું નિરૂપણ છે. અંતરીક્ષાશ્રયમાં પ્રતિસૂર્ય, પ્રતિવેષ, ઇન્દ્રધનુ, ગંધર્વનગર, નિર્ધાત, સંધ્યા, ઉલ્કા, દિગ્દાહ, વિદ્યુત, મેધ,વાત આદિનાં અદભુતો નિરૂપ્યાં છે. ભૌમાશ્રયમાં ભૂમિકંપ, જલાશય, અગ્નિ, દીપ, દેવપ્રતિમા, ઇન્દ્રધ્વજ, વૃક્ષ, ગૃહ, વસ્ત્ર, ઉપાનહ, શસ્ત્ર, દિવ્ય સ્ત્રીપુરુષદર્શન, સ્વપ્ન, પશુપક્ષીનાં શુકન આદિનું નિરૂપણ છે.

ગ્રંથકારે વૃદ્ધવર્ગ, ગર્ગ, પરાશર, વસિષ્ઠ, બૃહસ્પતિ આદિના ગ્રંથો તેમજ કઠશ્રુતિ, બ્રહ્મસિદ્ધાંત, આથર્વણ અદભુત, છત્રીસ બ્રહ્મર્ષિઓની કૃતિઓ, નારદચિત્ર, મયૂરચિત્ર, ચરકસંહિતા, યવનેશ્વરમત, વરાહમિહિરની સમસ્ત કૃતિઓ, રામાયણ, મહાભારત, પુરાણો તેમજ જ્યોતિષ, આયુર્વેદ આદિના ગ્રંથોનું  અવલોકન કરીને ગ્રંથ રચ્યો જણાય છે. સંભવતઃ લક્ષ્મણસેને ગ્રંથ પૂર્ણ કરી પ્રકાશિત કર્યો હોય. ગ્રંથકારે સ્વયં અયન-સંપાતોનું અને સૂર્યકલંકોનું અધ્યયનપૂર્ણ નિરીક્ષણ કર્યું હતું. પોતે રાજકાર્યમાં વ્યસ્ત રહેતો હોવા છતાં તેની અન્વેષક બુદ્ધિ જાગ્રત હતી તેનું પ્રમાણ આ ગ્રંથ છે.

હિંમતરામ જાની