અદભુતદર્પણ : સત્તરમી સદીનું સંસ્કૃત નાટક. આ દશ-અંકી નાટકના રચયિતા મહાદેવ કવિ કાવેરી નદીને કાંઠે તાંજોરના પલમનેર ગામના હતા. તે કૌણ્ડિન્ય ગોત્રમાં કૃષ્ણસૂરિના પુત્ર અને બાલકૃષ્ણના શિષ્ય હતા. આ નાટકમાં અંગદની વિષ્ટિથી રામના રાજ્યારોહણ સુધીની ઘટનાઓ છે. રામલક્ષ્મણ મણિ દ્વારા લંકામાંની પરોક્ષ ઘટનાઓ નિહાળે છે. તેને કારણે નાટકનું ‘અદભુતદર્પણ’ શીર્ષક રખાયું છે. વાલ્મીકિ- રામાયણને આધારે નાટકનું કથાવસ્તુ ઘડાયું છે; પરંતુ લેખકે તેમાં ફેરફારો કરીને નવો જ ઘાટ આપ્યો છે. તેમની પાસે પ્રયોગ-નિપુણતા છે. ચતુ:કેન્દ્રી દૃશ્ય આનો પુરાવો છે. રામલક્ષ્મણ અદભુતદર્પણ દ્વારા રાવણ-મહોદરને જોતા હોય છે. રાવણ-મહોદર સંતાઈને સીતા-ત્રિજટાને જોતા હોય છે. ત્રિજટા માયાના બળે સીતાને રામનો વિજયવૃત્તાંત બતાવતી હોય છે. સંસ્કૃત રંગભૂમિ માટે આ પ્રકારનું દૃશ્યનિર્માણ વિરલ છે. લેખકનો અભિપ્રાય છે કે અદભુતરસ સર્વ રસોમાં શ્રેષ્ઠ છે. તેની પ્રતીતિ જાણે કે લેખક કથાતત્વ દ્વારા કરાવવા માગે છે. રામ અને રાવણ – બંને પક્ષે રાજકીય પ્રયુક્તિઓ ભરપૂર છે; આમાં રાવણનો પક્ષ વધુ અસરકારક જણાય છે. સીતાને અગ્નિશુદ્ધિ માટે રામને જાતે કહેવું પડે, એ સ્થિતિ લેખકે ટાળી છે અને એ રીતે વાલ્મીકિના રામ કરતાં પોતાના નાયક રામને તેમણે વધુ ઉદાત્ત સ્થિતિમાં મૂક્યા છે. રામ-વિષયક નાટકોમાં ભાગ્યે જ જોવા મળતો વિદૂષક-મહોદર-આમાં છે. નાટકમાં 288 શ્લોકો છે. વસ્તુ, પાત્ર, રસ  બધી રીતે આ નાટકે ગણનાપાત્ર સિદ્ધિ મેળવી છે.

રશ્મિકાન્ત પદ્મકાન્ત મહેતા