અત્રે પ્રભા (જ. 13 સપ્ટેમ્બર 1932, પુણે, મહારાષ્ટ્ર) : કિરાના ઘરાનાની છતાં સ્વતંત્ર શૈલી ધરાવતાં ઉત્તર હિંદુસ્તાની સંગીતનાં વિખ્યાત ગાયિકા. 13 વર્ષની વયથી પાંચ વર્ષ સુધી વિજય કરંદીકર પાસે સંગીતશિક્ષણ લીધા પછી વાસ્તવિક શિક્ષણ સુરેશબાબુ માને પાસેથી લીધું. સંગીત વિષયમાં એમ.એ.ની પદવી લીધા પછી સરગમ પર લખેલા પ્રબંધ પર તેમણે સંગીતમાં ડૉક્ટરેટની પદવી મેળવી છે. છાત્રવૃત્તિના આધારે તેમણે હીરાબાઈ બડોદેકર પાસે પણ સંગીતનું શિક્ષણ મેળવ્યું હતું. તેમના ગાયનમાં ખયાલ ગાયકીનાં બધાં જ પાસાંઓનો સમાવેશ થાય છે. તેમની ગાયકી પર ઉસ્તાદ અમીરખાંની ગાયકીનો વધુ પ્રભાવ છે. તેમણે થોડા સમય માટે આકાશવાણી ઉપર સંગીતનિર્દેશકનું કાર્ય પણ કર્યું છે. ત્યારબાદ તેઓ એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીના શાસ્ત્રીય સંગીતવિભાગનાં અધ્યક્ષપદે જોડાયાં હતાં જ્યાંથી તેઓ 1992માં નિવૃત્ત થયાં હતાં. 1993માં તેમણે એકસઠ વર્ષ પૂરાં કર્યાં તેની ઉજવણી નિમિત્તે તેમના વિશે એક ગૌરવગ્રંથ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. તેઓ ઉત્કૃષ્ટ દરજ્જાનાં ગાયક હોવા ઉપરાંત લેખિકા – કવયિત્રી પણ છે. ભારત સરકારે 1990માં પદ્મશ્રી અને 2002માં પદ્મભૂષણથી સન્માનિત કર્યા છે.

ચન્દ્રકાન્ત મહેતા