અતિવિષ : દ્વિદળી વર્ગના રૅનન્ક્યુલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Aconitum heterophyllum Wall. [સં. अतिविष, शृंगी, હિં. अतीस, वछनाग; મ. અતિવિષ્; બં. આતઇચ; ગુ. અતિવિષ (વખમો)] છે. તેના સહસભ્યોમાં મોરવેલ, કાળીજીરી, મમીરા વગેરે છે.

મુખ્યત્વે છોડવાઓ, ક્વચિત જ ક્ષુપસ્વરૂપે. ઉપપર્ણરહિત એકાંતરિત પર્ણો. દ્વિલિંગી, પુષ્પવૃન્ત (peduncle) ઉપર બે ઊભી હારમાં ગોઠવાયેલાં પુષ્પો. ઉચ્ચ:સ્થ, એકકોટરીય અંડાશયવાળું બીજાશય. ત્રણ મુક્ત સ્ત્રીકેસરો. બીજાશયનાં કોટરોમાં વળાંક પામેલાં જરાયુવિન્યાસ(placenta)ના પડદા. બીજાશયની ટોચ ઉપર આવેલી નાની ટૂંકી પરાગવાહિની. એકસ્ફોટી ફળ (follicle).

અતિવિષ

કાશ્મીરમાં ગંગલ અને અમરનાથ, હિમાલયના કુમાઉં અને તેની આસપાસના પર્વતીય પ્રદેશોમાં પુષ્કળ મળે છે. તે નેપાળ અને સિક્કિમમાં સુલભ છે. તેનાં મૂળિયાંને અતિવિષની કળી કહે છે, જેના ધોળા (સકલકંદ), કાળા (અરુણા), પીળા એવા ત્રણ પ્રકાર છે. ઔષધમાં ધોળાનો જ ઉપયોગ થાય છે. તેનું એટિસાઇન આલ્કલૉઇડ અતિ કડવું, પૌષ્ટિક, જ્વરઘ્ન અને વાજીકર હોય છે, પરંતુ તે ઝેરી નથી હોતું.

આયુર્વેદ અનુસાર બાલ ચાતુર્ભદ્ર ચૂર્ણ, શૃંગ્યાદિ ચૂર્ણ તથા બાળાગોળીમાં અતિવિષની કળી વપરાય છે. તે વિષનો નાશ કરનારી હોવાથી ‘અતિવિષ’ અને બાળકોનું સર્વોત્તમ ઔષધ હોવાથી ‘શિશુભૈષજ’ કહેવાય છે. બાળકોને સ્વસ્થ રાખનારું તથા રોગમુક્ત કરનારું ઘરઘરનું ઔષધ ગણાય છે.

સરોજા કોલાપ્પન

શોભન વસાણી