અતિવર્ણકતા (hyperpigmentation): ચામડીનો શ્યામ રંગ થવો તે. ચામડીમાં રહેલ લોહી, કેરોટીન (પીતવર્ણક) તથા મિલાનિન (કૃષ્ણવર્ણક) નામનાં રંગકરણો અથવા વર્ણકદ્રવ્યો(pigments)નું પ્રમાણ માણસની ચામડીનો રંગ નક્કી કરે છે. પીતવર્ણક ચામડીને પીળાશ, કૃષ્ણવર્ણક કાળાશ અને લોહીના રક્તકોષો ચામડીને લાલાશ આપે છે. કૃષ્ણવર્ણકનું પ્રમાણ વધતાં ચામડીની કાળાશ વધે છે. તેને અતિવર્ણકતા કહે છે. કૃષ્ણવર્ણકના કણો બે રીતે વધે છે : (1) તે બનાવતા કોષો(કૃષ્ણકોષો, melanocytes)ની સંખ્યા વધે, અથવા (2) કૃષ્ણકોષો વધુ પ્રમાણમાં વર્ણકદ્રવ્યના કણો ઉત્પન્ન કરે.

અતિવર્ણકતાનાં કેટલાંક મુખ્ય ઉદાહરણો નીચે પ્રમાણે છે :

(1) સૂર્યના આકરા તાપની માઠી અસરથી બચવા કોષો કૃષ્ણવર્ણકનું પ્રમાણ વધારી ચામડી વધુ કાળી કરે છે. (2) કૃષ્ણત્વચા (melanoderma) : બાહ્યત્વચા(epidermis)માં જ્યારે કૃષ્ણવર્ણકના કણો જામે (deposited) છે, ત્યારે ચામડી પર કાળા ડાઘ પડે છે. સગર્ભાવસ્થામાં, ઋતુનિવૃત્તિકાળ (menopause) વખતે તથા અંડગ્રંથિની ગાંઠોમાં આવા ડાઘ દેખાય છે. (3) કૃષ્ણડાઘ (freckles) : પાંચેક વર્ષનાં ગોરાં બાળકોમાં ઉનાળામાં તડકામાં ફરવાથી ચામડી પર નાના નાના કાળા ડાઘ પડે છે. તડકામાં તે વધે છે અને શિયાળામાં તે ઘણી વખત ઝાંખા પડે છે. (4) રીહલની કૃષ્ણવર્ણકતા (Reihl’s melanosis) : સૂર્યકિરણોની માઠી અસરને કારણે ચામડીમાં લાલાશ અને કાળાશ બંને થાય છે. ખૂજલી આવે છે અને નાના નાના કાળા ડાઘ પડી જાય છે. કેશવાહિનીઓ ફૂલી જાય છે. (5) ચહેરા, ગળા તથા છાતીના ઉપરના ભાગ પર, બંને બાજુએ, કાળી લીટીઓ દ્વારા જુદા જુદા આકારો થાય ત્યારે તેને સિવાટેની અસમત્વચા (poikiloderma of Civatte) કહે છે. (6) અમુક પદાર્થો જેવા કે પાઉડર, અત્તરો, તૈલી પદાર્થો, શરીરના જે ભાગની ચામડી પર લગાડવામાં આવે ત્યાં બરલોક ત્વચાશોથ (Berlogue dermatitis) રૂપે ચામડીની કાળાશ વધારે છે. (7) હોઠ, ગાલ અને મોંની આસપાસની ચામડી પર થતી કાળાશને પરિમુખ વર્ણકતા (peribuccal pigmentations) કહે છે. (8) સૂર્યના તાપની આડઅસરને કારણે ક્યારેક મોં ઉપર અને સમગ્ર શરીર પર વિષજન્ય કૃષ્ણત્વચા (melanoderma toxica) તથા લાઇકના પ્લેનસ જેવા વિકારો (lichenoides) થાય છે. (9) આખા શરીરની કાળાશ શરીરના અંદરના રોગોને કારણે પણ પેદા થઈ શકે છે. પીયૂષિકા ગ્રંથિ(pituitary gland)ના કૃષ્ણકોષ ઉત્તેજક અંત:સ્રાવ (melanocyte stimulating hormone), પ્રોજેસ્ટીરોન તથા એપિનેફ્રિન નામના અંત:સ્રાવોના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે ચામડીની કાળાશ પેદા થાય છે. યકૃતકાઠિન્ય (cirrhosis of liver) નામના રોગમાં તથા દવાઓની સ્થાયી પ્રતિક્રિયા(fixed drug reaction)ને કારણે પણ ચામડીની કાળાશ વધે છે. (10) સજળસ્ફોટ (pemphigus), સોરિયાસિસ, ત્વચાકાઠિન્ય (scleroderma) જેવા ચામડીના રોગોમાં પણ ચામડીની કાળાશ વધે છે. ચામડીમાં થયેલા શોથકારી (inflammatory) રોગો પછી પણ ચામડીમાં કેટલાક સમય માટે કાળાશ રહી જાય છે.

કૃષ્ણકોષનું સ્થાન દર્શાવતું ચામડીનું બંધારણ :
(અ) સૂક્ષ્મદર્શક વડે, (આ) ઇલેક્ટ્રૉન સૂક્ષ્મદર્શક વડે

અતિવર્ણકતાની સારવાર તેને સર્જતાં કારણો પર આધારિત છે. દર્દીએ તડકામાં ન ફરવું અથવા છત્રી ઓઢીને ફરવું અથવા પૅરાએમાઇનો બેન્ઝોઇક ઍસિડ(PABA)નો રક્ષક મલમ લગાવવો એવી સલાહ આપવામાં આવે છે. પાઉડર અથવા અન્ય સૌંદર્યપ્રસાધનોથી કાળાશ વધતી હોય તો તેનો ઉપયોગ બંધ કરાય છે, ચામડીના ચેપના રુઝાવા પછી થતી કાળાશ સમય જતાં ઓછી થાય છે. ક્યારેક જરૂર પડે ત્યારે અવર્ણકીકરણ-(depigmentation)નાં ઔષધો ઉપયોગમાં લેવાય છે.

અરુણકુમાર ગોવર્ધનપ્રસાદ અમીન