અતિદાબખંડ (hyperbaric chamber) : વધુ દબાણવાળો ઑક્સિજન આપવા માટેનો ખંડ. વાતાવરણ કરતાં વધુ દબાણે પ્રાણવાયુ આપવા માટે દર્દીનાં અંગો સમાય તેટલો નાનો કે સારવાર આપનારાઓ સહિત દર્દીને રાખી શકાય તેવડો વિશાળ ખંડ ભારતમાં થોડાંક કેન્દ્રોમાં ઉપલબ્ધ છે. વિશાળ અતિદાબખંડમાં દર્દીને 100% પ્રાણવાયુ નાકનળી કે મહોરા (mask) વડે અપાય છે. તેથી લોહી અને પેશીમાં પ્રાણવાયુનો આંશિક દાબ (partial pressure) વધે છે. જરૂરિયાત પ્રમાણે કલાકેકના અંતરે 2થી 3 કલાકની વધુમાં વધુ ત્રણગણા દબાવાળી, 3થી 5 બેઠકો રખાય છે. સમુદ્રના તળિયેથી ઝડપભેર ઉપર આવતાં અથવા વિમાનમાં 7,620 મી. વધુ ઊંચાઈએ ઝડપભેર જતાં દબાણ ઘટે છે, તેથી લોહીમાંનો નાઇટ્રોજન પરપોટા રૂપે છૂટો પડીને પેશીઓમાં જાય છે. સાંધા અને સ્નાયુનો દુખાવો, ગૂંગળામણ તથા લકવા સહિતના ચેતાતંત્રના વિકારો ઉત્પન્ન થાય છે. આને અલ્પદાબજન્ય (decompression) વ્યાધિ કહે છે. તેની સારવારમાં તથા અન્ય રોગોમાં અતિદાબ ખંડ વપરાય છે.

અતિદાબ ખંડની ચિકિત્સીય ઉપયોગિતા

1.      કાર્બન મોનૉક્સાઇડ વિષાક્તતા (poisoning)

2.      ઈજાજન્ય પેશીપ્રાણવાયુ-અલ્પતા (tissue hypoxia)

3.      સુષુપ્ત (indolent) ચાંદું

4.      પેશીનાશની શક્યતા (impending gangrene)

5.      મસ્તિષ્ક-વાહિનીરોગ (cerebrovascular disease)

6.      મસ્તિષ્ક સજલશોફ (cerebral oedema)

7.      આકસ્મિક બહેરાશ

8.      હૃદયપીડ (angina) અને હૃદયહુમલો (heart attack)

9.      જન્મજાત હૃદયરોગની શસ્ત્રક્રિયા

10.    દાહ (દાઝવું)

11.    અપ્રાણવાયુ (anaerobic) જીવાણુ ચેપ

12.    કૅન્સરની વિકિરણચિકિત્સા (radiotherapy)

13.    અલ્પદાબજન્ય વ્યાધિ અથવા કેસન(Caisson)નો રોગ

14.    પ્રતિરોપણશીલ (transplatable) અવયવ-સંગ્રહ

અતિદાબ ખંડમાં હવા તેમજ પ્રાણવાયુનું દબાણ વધુ હોવાથી કેટલીક તકલીફ ઊભી થાય છે. દર્દી દાબ-તફાવતને કારણે નાક-કાનની આસપાસનાં હાડકાંની બખોલો(અસ્થિ-વિવર, sinuses)માં દુખાવો અનુભવે છે. કાનનો પડદો (tympanic membrane) ફાટે છે અને ત્યાંથી લોહી વહે છે. ફેફસાંના વાયુકોષો ફાટતાં છાતીમાં હવા ભરાય છે, જે સ્થિતિને સવાતવક્ષ (pneumothorax) કહે છે. આગ લાગવાનો સંભવ રહે છે. વધુ આંશિક દાબવાળો પ્રાણવાયુ શરીરમાં ઝેરી અસરો પણ ઉત્પન્ન કરે છે.

હેમંત પરીખ

શિલીન નં. શુક્લ