અણુઓગદ્દારસુત્ત (અનુયોગદ્વારસૂત્ર)

January, 2001

અણુઓગદ્દારસુત્ત (અનુયોગદ્વારસૂત્ર) : શ્વેતાંબર જૈન આગમશાસ્ત્રનો તત્વગ્રંથ. અણુઓગદ્દારસુત્ત(વિકલ્પે : -દ્દારાઈ, દ્દારા. સં. અનુયોગદ્વારસૂત્ર)ની ગણના નંદિસુત્ત પછી થાય છે. શ્વેતાંબર પરંપરામાં આ બે ગ્રંથોનું સ્થાન ‘મૂલસૂત્રો’ની પહેલાં અને ‘છેદસૂત્રો’ની પછી આપવામાં આવ્યું છે. ‘આવસ્સયનિજ્જુત્તિ’ના બીજા સંસ્કરણ (redaction, સંવૃદ્ધ સંસ્કરણ) દરમિયાન અલગ પડી ગયેલા આ ‘નંદી-અનુયોગદ્વાર’નું જોડકું, મૂળે તો આવશ્યક પરંપરાના બે સ્વતંત્ર ગ્રંથો છે, તેથી તેમની કેટલીક વિષય-સામગ્રી (પાંચ જ્ઞાન-અંગ-ઉપાંગોની સૂચિ વગેરે) તથા શૈલી સમાન છે. શ્વેતાંબર પરંપરા સ્થવિર આર્યરક્ષિતને ‘અનુયોગદ્વારસૂત્ર’ના રચનાર માને છે, પરંતુ ઐતિહાસિક દૃષ્ટિએ તેની રચના એટલી પ્રાચીન નથી. તે આશરે ઈ. સ.ની પાંચમી કે છઠ્ઠી સદીમાં રચાઈ હોય એમ લાગે છે. પ્રાકૃત ગદ્યમાં (સૂત્રો 1-606, પાનાં 59-205, પરંપરાગત ગાથા પ્રમાણે 1604) લખાયેલા ‘અનુયોગદ્વારસૂત્ર’માં કોઈક પ્રાકૃત ગાથાઓ અત્યારની ‘આવસ્સય-નિજ્જુત્તિ’માં નથી મળતી, પણ ‘વિસેસાવસ્સયભાસ’માં મળી આવે છે.

જેવી રીતે નિજ્જુત્તિઓમાં તેવી રીતે ‘અનુયોગદ્વારસૂત્ર’માં પ્રશ્ન (અનુયોગ)–ઉત્તર રૂપે ‘આવસ્સય’(-સુત્ત)ના શીર્ષક સાથે તથા તેનાં કુલ છમાંથી ફક્ત પહેલા અધ્યયનના શીર્ષક ‘સામાઇય’ સાથે અમુક દ્વારો (દ્દારાઈ, મુદ્દાઓ; જેવા કે નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ વગેરે) જોડીને, તેમાંથી પ્રાપ્ત થતા વિવિધ અર્થપર્યાયોની નિર્યુક્તિ (નિરુક્તિ, નિર્વચન) કરવામાં આવી છે.

શરૂઆતમાં સૂત્ર 1-5 સુધી જૈન સિદ્ધાંતનાં પાંચ જ્ઞાનની સૂચિ આપીને તેમાંના શ્રુતજ્ઞાનના બબ્બે વિભાગ – પેટાવિભાગો કરી અંતે ઉત્કાલિક (જેના પઠન માટે સમયમર્યાદાનો નિયમ નથી તેવા) પેટા- વિભાગમાં ‘આવસ્સયસુત્ત’ની ગણના કરી છે. સૂત્ર 6-29 સુધી ‘આવસ્સય’ શીર્ષકનો નિક્ષેપ (જેમાં નામ, થાપના, દ્રવ્ય, ભાવ પૈકી ઓછામાં ઓછાં બે દ્વારો અપનાવ્યાં હોય તે) તથા સૂત્ર 30-72 સુધી સુયખંધના નિક્ષેપો કરી અર્થપર્યાયોની નિયુક્તિ કરી છે. (શાસ્ત્રગ્રંથના બે વિભાગો કરી, દરેકને સુયખંધ કહેવામાં આવે છે. આ બે સુયખંધના પછી અધ્યયનો જેવા પેટાવિભાગો કરવામાં આવે છે.) તે રીતે ઉવક્કમ (ઉપક્રમ, સૂત્ર 76-533, કુલ 123 પાનાં, સમગ્ર ગ્રંથનો 84 ટકા !), નિક્ખેવ (નિક્ષેપ, સૂત્ર 534-600), અનુગમ (સૂત્ર 601-605) અને નય (સૂત્ર 606) : એવાં ચાર દ્વારો યોજી ‘સામાઇય’ની નિર્યુક્તિ કરતાં જે અર્થપર્યાયો પ્રાપ્ત થયા હોય તેમને પણ બીજાં (પેટા) દ્વારો યોજીને, અથવા તો કોઈ વાર તેમના નિક્ષેપો કરીને તે મારફતે નવા અર્થપર્યાયો નિપજાવી, તે બધાની નિર્યુક્તિ પણ કરવામાં આવી છે.

‘અનુયોગદ્વારસૂત્ર’ના સર્વતોલક્ષી અને વ્યાપક વિષયનિરૂપણનો પરિચય આપવા માટે અહીં કૌંસમાં સૂત્રસંખ્યા દર્શાવીને કરેલી કેટલીક અગત્યની વિષયસામગ્રીની નોંધ પર્યાપ્ત થશે.

સંસ્કૃત વ્યાકરણશાસ્ત્ર : એકાક્ષરી નામોની સંસ્કૃત ભાષામાં સૂચિ (211); વિભક્તિઓ (261); સંજ્ઞા (271, 274-276, 280); શબ્દોના પ્રકાર (232); સમાસ-પ્રકરણ (293-301); સંધિપ્રકરણ (227-231); પાણિનીય ધાતુપાઠ (311); નિરુક્તિ (312); લિંગ (226); સંગીતશાસ્ત્ર (260); કાવ્યરસો (262); નક્ષત્રો (285); વિવિધ પરિમાણો (313, 345, 497-520); પાંચ પ્રકારનાં સૂતર / કપડાં (40–45); લોકકલા, આજીવિકા (80, 304); સામાજિક વ્યવસાય (309); ચીન, મગધ, માળવા, સોરઠ, મરહટ્ઠ, કોંકણ, કોસલ વગેરે પ્રદેશો (53, 270); ઇક્ષ્વાકુ, જ્ઞાત, કૌરવ્ય જેવાં કુળો (287); ઇંદ્ર, સ્કંદ, રુદ્ર, શિવ, નાગ, યક્ષ, ભૂત, મુકુંદ વગેરે દેવો (21, 286); ભારત (મહાભારત માટેનું પ્રાચીન નામ), રામાયણ, કૌટિલ્ય-અર્થશાસ્ત્ર, વૈશેષિક બુદ્ધવચન, કાપિલ લોકાયત, ષષ્ટિતંત્ર નાટક, 72 કલાઓ, અંગ-ઉપાંગ સાથે ચાર વેદ વગેરે (49, 468); પાંડરંગ (શરીરે ભસ્મ લગાડેલા) શ્રમણ, ભિક્ષુ, કાપાલિક, તાપસ, પરિવ્રાજક (288); દર્શનશાસ્ત્રનાં ચાર પ્રમાણો (436) ઉપરાંત જૈન દર્શનશાસ્ત્ર સંબંધી સામગ્રી પણ મળે છે; જેમ કે આગમો (50, 469, 495); ભૂગોળશાસ્ત્ર (169-174, 277); તીર્થંકરો (203); સંસ્થાન (205, 224); પાંચ અસ્તિકાયો, અદ્ધા-સમય (218, 269, 292); પ્રમાણો (471); શ્રેણીઓ (233-259); ચરિત્રો (472); કાળવિભાગ (366-382); જીવ-અજીવ પદાર્થ (399); શરીર (405-412); નય (ઠેકઠેકાણે તથા 474-476-606) ઇત્યાદિ.

‘અનુયોગદ્વારસૂત્ર’નાં શૈલી તથા વર્ણ્ય વિષયોને ‘આવસ્સયનિજ્જુત્તિ’, ‘વિસેસાવસ્સયભાસ’, ‘પણ્ણવણાસુત્ત’, ‘વિયાહપન્નતિ’ તથા ‘નંદિસુત્ત’ સાથે વત્તેઓછે અંશે સરખાવી શકાય. ‘અનુયોગદ્વારસૂત્ર’ પ્રચુર સામગ્રીથી પૂર્ણ એક સંક્ષિપ્ત વિશ્વકોશ સમાન છે. જૈન નિર્યુક્તિશાસ્ત્રની પ્રસ્તાવનારૂપ આ ગ્રંથનો અભ્યાસ ભારતીય વિદ્યાઓના કોઈ પણ ક્ષેત્રમાં સંશોધનાર્થી માટે અનિવાર્ય છે.

બંસીધર ભટ્ટ